જેમ જેમ સુવિધાઓ વધતી જાય છે તેમ તેમ તેના ગેરફાયદાઓ પણ વધતા જાય છે. આજના આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ યુગમાં ઇન્ટરનેટ આપણા જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે. સવારના અખબારથી લઈને રાત્રિના ડિજિટલ ટ્રાન્ઝેક્શન સુધીની તમામ પ્રક્રિયાઓ આંગળીના ટેરવે સમેટાઈ ગઈ છે. પરંતુ, સિક્કાની બીજી બાજુ એટલી જ અંધકારમય અને ભયાવહ છે.
જે ટેકનોલોજી આપણને સુવિધા આપી રહી છે, તે જ ટેકનોલોજી હવે ગુનેગારો માટે માસૂમ નાગરિકોની આજીવન મૂડી લૂંટવાનું હથિયાર બની ચૂકી છે. તાજેતરમાં ગુજરાત પોલીસના સાયબર સેલ દ્વારા જાહેર કરાયેલા આંકડા ચોંકાવનારા જ નહીં, પણ લાલબત્તી સમાન છે. છેલ્લા ૯ મહિનામાં ઓનલાઇન ભેજબાજોએ ગુજરાતમાંથી કુલ ૯૫૪ કરોડ રૂપિયા ઉસેડી લીધા છે, જેનો સીધો અર્થ એ થાય કે રાજ્યના નાગરિકો સરેરાશ રોજના ૩.૫૩ કરોડ રૂપિયા સાયબર ફ્રોડમાં ગુમાવી રહ્યા છે. આ આંકડા માત્ર સંખ્યા નથી, પરંતુ હજારો પરિવારોની બરબાદી અને માનસિક આઘાતની કાળી વાર્તા છે.
વરિષ્ઠ સાયબર અધિકારીઓ જણાવી રહ્યા છે કે, ગુનેગારો ખાસ કરીને ગુજરાતીઓને નિશાન બનાવીને પોતાની જાળ બિછાવી રહ્યા છે. ગુજરાતીઓના લોહીમાં વેપાર, સાહસવૃત્તિ અને નફો કમાવવાનો ગુણ વણાયેલો છે. આ જ સકારાત્મક ગુણનો ગેરલાભ સાયબર ઠગો ઉઠાવી રહ્યા છે. વધુ વળતર, શેરબજારમાં ટૂંકા ગાળામાં મોટો નફો, ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ અને નકલી ટ્રેડિંગ એપ્લિકેશન્સ જેવી આકર્ષક યોજનાઓ બતાવીને ગુજરાતીઓને લલચાવવામાં આવે છે.
જ્યાં રોકાણ અને નફાની વાત આવે, ત્યાં લોકો વગર વિચાર્યે મોટી રકમ ટ્રાન્સફર કરી દે છે અને અંતે છેતરાયાનો અહેસાસ થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. રોકાણ આધારિત છેતરપિંડી ઉપરાંત ‘ડિજિટલ અરેસ્ટ’, લોન એપ્સ દ્વારા બ્લેકમેઇલિંગ, ફેક કસ્ટમર કેર અને ઓટીપી સ્કૅમ જેવા નવા-નવા કીમિયા અજમાવીને લોકોના બેંક ખાતાઓ ખાલી કરવામાં આવી રહ્યા છે. ગુજરાત પોલીસે હાલમાં તો સક્રિયતા દાખવીને ૩૩૪ કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા છે અને પીડિતોને ૯૪ કરોડ રૂપિયા પરત અપાવ્યા છે.
સાથે સાથે ૨,૨૮૯ કરોડના આંતરરાજ્ય છેતરપિંડી નેટવર્કનો પર્દાફાશ કરીને ૬૩૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ, પકડાયેલા ગુનેગારો અને ફ્રીઝ કરાયેલી રકમ તો માત્ર હિમશિલાની ટોચ સમાન છે. ખરો પડકાર એ છે કે આ સાયબર સિન્ડિકેટ્સ ભારતના અંતરિયાળ ગામડાઓ અથવા તો દુબઈ, કંબોડિયા અને મ્યાનમાર જેવા વિદેશી ભૂમિ પરથી ઓપરેટ થઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે માત્ર ‘મ્યુલ એકાઉન્ટ્સ’ અથવા કમિશન પર કામ કરતા એજન્ટો જ પકડાય છે, જ્યારે મુખ્ય સૂત્રધારો કાયદાના સકંજાથી દૂર જ રહે છે.
સાયબર ગુનાઓમાં બેંકોની જવાબદારી માત્ર ખાતા ખોલવા પૂરતી સીમિત ન હોવી જોઈએ. ‘નો યોર કસ્ટમર’ પ્રક્રિયામાં રહેલી છટકબારીઓનો લાભ લઈને જ ગુનેગારો નકલી દસ્તાવેજોના આધારે મ્યુલ એકાઉન્ટ્સ ખોલાવે છે, જેમાં છેતરપિંડીના કરોડો રૂપિયા ડાયવર્ટ થાય છે. બેંકોએ પોતાની સિસ્ટમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કરવી પડશે જેથી અસામાન્ય ટ્રાન્ઝેક્શન્સ અને ડિજિટલ અરેસ્ટ જેવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ત્વરિત નજર રાખી શકાય. સરકાર ગમે તેટલી સખત બને કે પોલીસ ગમે તેટલી આધુનિક થાય, જ્યાં સુધી સામાન્ય નાગરિક પોતે ડિજિટલ ક્ષેત્રે સાક્ષર અને સાવધ નહીં બને ત્યાં સુધી સાયબર ક્રાઇમ નાબૂદ કરવો અશક્ય છે. લાલચ એ સાયબર ગુનેગારોનું સૌથી મોટું હથિયાર છે. નાગરિકોએ એ સમજવાની જરૂર છે કે રાતોરાત પૈસા બમણા કરવાની કોઈ કાયદેસર યોજના હોતી નથી.
કોઈપણ અજાણી વ્યક્તિ ફોન પર પોલીસ, સીબીઆઈ કે કસ્ટમ્સ અધિકારી બનીને ડરાવે, તો ગભરાવાના બદલે તુરંત સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. કાયદા અમલીકરણની કોઈ સંસ્થા ક્યારેય ફોન પર કે વીડિયો કોલ પર કોઈની ‘ડિજિટલ ધરપકડ’ કરતી નથી. જો સુરક્ષિત અને આર્થિક રીતે સુદ્રઢ રહેવું હશે તો આપણે ડિજિટલ હાઈજીન અપનાવવું જ પડશે. સાથે સાથે પોલીસની પણ એ ફરજ છે કે આવી જે કોઈ ગેંગની પ્રવૃત્તિ તેના ધ્યાન પર આવે તો તે તુરંત પગલાઓ લઈને તેને જબ્બે કરવી જોઈએ. સાયબર ક્રાઈમને અંકુશમાં લાવવા માટે લોકો અને પોલીસે સાથે મળીને કામ કરવું પડશે. જો તેમ થશે તો જ તેનો અર્થ સરશે તે નક્કી છે.