ઊંચા પહાડો, તડકે ચળકતાં તેમનાં હિમશિખરો, સીધા ઢોળાવવાળી ઊંડી ખીણો, પર્વતોની વચ્ચે વહેતી નદીઓ કે એકદમ સ્વચ્છ પાણીનાં સરોવર, નજરે પડતી છૂટીછવાઈ લીલોતરી અને તેની વચ્ચે વસેલાં નાનકડાં ગામ. હિમાચલ પ્રદેશ જેવા, હિમાલયનો મોટો વિસ્તાર ધરાવતા રાજ્યમાં આવાં મનમોહક દૃશ્યોની નવાઈ નથી. આ રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, એ કશા અભ્યાસ કે સર્વેક્ષણ વિના પણ સમજાઈ જાય. અલબત્ત, હજી એવા અનેક વિસ્તારો છે કે જ્યાં પ્રવાસીઓ પહોંચ્યાં છે ખરાં, પણ તેમનાં ધાડેધાડાં નથી ઊમટી પડ્યાં.
એવા વિસ્તારોમાં આવી પરિસ્થિતિ ક્યાં સુધી રહેશે એ સવાલ છે. પ્રવાસનને કારણે માળખાકીય સુવિધાઓનો વિકાસ અને તેને પગલે રોજગારની તકો ઊભી થાય છે, જે સ્થાનિકો માટે જરૂરી હૌય છે. આ બધું એક હદ સુધી બરાબર છે, કેમ કે, છેવટે બધો બોજો જે તે વિસ્તારના પર્યાવરણ પર પડે છે. હિમાલયનો પહાડી વિસ્તાર ધરાવતાં ક્ષેત્રોમાં છેલ્લાં થોડાં વરસોમા દુર્ઘટનાઓનું વધી રહેલું પ્રમાણ આ હકીકતનો પુરાવો તેમજ પરચો છે. કુદરતી આપત્તિ જેવી જણાતી દુર્ઘટનાઓમાં માનવસર્જિત પરિબળો ઉમેરાતાં જે હાનિ થાય છે એ હવે છાની નથી, એમ અનેક સ્થળો પર આપત્તિનો ખતરો તોળાઈ રહ્યો છે.
કુલ્લુ ખીણને લાહૌલ-સ્પિતિ ખીણ સાથે જોડતી અટલ ટનલ બન્યા પછી સાવ દુર્ગમ ગણાતો આ વિસ્તાર હવે પહોંચની રીતે સુગમ બન્યો છે. ટનલ બન્યા પહેલાં અવરજવર રોહતાંગ પાસ દ્વારા થતી, જે વર્ષ દરમિયાન માંડ પાંચ-છ મહિના ખુલ્લો રહે છે. આશરે તેર હજાર ફીટ જેટલી ઊંચાઈએ હોવાથી અહીં વાતાવરણની અનિશ્ચિતતા પુષ્કળ હોય છે. કુલ્લુ ખીણ વટાવીને લાહૌલ-સ્પિતિ ખીણમાં પ્રવેશતાં જ આખું ભૂપૃષ્ઠ બદલાઈ જાય છે. 2020માં અટલ ટનલ આરંભાયા પછી હવે અહીં પર્યટકોની ભીડ ઊમટી પડે છે. જ્યાં સાવ પાંખો વાહનવ્યવહાર હતો તેને બદલે રોજનાં બેએક હજાર વાહનો અહીંથી પસાર થાય છે, જે પ્રવાસની મોસમમાં વધીને પાંચેક હજારે પહોંચે છે. અઢળક પ્રવાસીઓ અહીં ઠલવાય છે, એમ અહીંથી પસાર થતાં પણ તેઓ થોભે છે.
ગામલોકો આનાથી રાજી હોય એ સમજી શકાય એમ છે, કેમ કે, તેમની આવકમાં ઘણો વધારો થયો છે. આમ છતાં, તેમના દિલમાં એક છૂપો ડર સળવળતો રહે છે ખાસ કરીને વરસાદની મોસમમાં. આ ગામથી અગિયારેક કિ.મી.ના અંતરે, તેરેક હજાર ફીટની ઊંચાઈએ ઘેપન સરોવર આવેલું છે. આ સરોવરમાં પાણીની આવકનો સ્રોત છે આસપાસની હિમનદીઓ એટલે કે ગ્લેશિયરો. આ સરોવરનો ઉત્તરોત્તર વિસ્તરતો જતો વિસ્તાર ચિંતાનું મુખ્ય કારણ છે.
1989માં તેનો વિસ્તાર 36.49 હેક્ટર હતો, જે 2022 સુધીમાં વિસ્તરીને 101.30 હેક્ટર થઈ ગયો. એટલે કે ત્રણેક દાયકામાં લગભગ ત્રણ ગણો. આ કારણે ‘રાષ્ટ્રીય આપત્તિવ્યવસ્થાપન સ્ત્તામંડળ’ (એન.ડી.એમ.એ.) દ્વારા તેને ‘અતિ સંવેદનશીલ’ની શ્રેણીમાં મૂકાયું છે. વિજ્ઞાનીઓને આશંકા છે કે આ સરોવર ફાટશે તો સૌથી પહેલું અને સૌથી વધુ જોખમ સિસ્સૂ ગામ પર છે.
હૈદરાબાદના ‘નેશનલ રિમોટ સેન્સર સેન્ટર’ દ્વારા તૈયાર કરાયેલા ‘રીસ્ક એસેસમેન્ટ રિપોર્ટ’ અનુસાર સરોવર ફાટવાની કુલ આઠ પ્રકારની સ્થિતિઓનું આકલન કરવામાં આવ્યું છે. આ તમામ સ્થિતિઓમાં સિસ્સૂ ગામ ‘રેડ ઝોન’ એટલે કે સૌથી વધુ જોખમ ધરાવતા વિસ્તારમાં છે. સરોવર અને ગામની વચ્ચે આવેલા તીવ્ર ઢોળાવને કારણે પાણી અને તેની સાથે વહી આવતા કાટમાળની ગતિ અતિશય ઝડપી બની શકે છે. સિસ્સૂ પછી ગોશાલ, તાંદી જેવાં ગામનો વારો આવે. સૌથી બદતર સ્થિતિમાં સરોવર ફાટ્યા પછી એકવીસ મિનીટમાં જ પાણી ગામ સુધી ધસી આવે, જેની ગતિ 43 કિ.મી. પ્રતિ કલાકની અને ઊંડાઈ વીસેક મીટર સુધીની હોવાનું અનુમાન છે.
આમ થવાનું કારણ? ‘જર્નલ ઓફ લેશિયોલોજિ’માં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવાયા અનુસાર ઘેપન ગ્લેશિયરમાં દર વર્ષે જેટલો બરફ જામે છે, એનાથી અનેક ગણી વધુ માત્રામાં તે પીગળી રહ્યો છે. કેમ કે, છેલ્લા ત્રણ-ચાર દાયકામાં હિમાલયના વિસ્તારોનું તાપમાન ઝડપભેર વધ્યું છે. પહેલાં જે વિસ્તારોમાં હિમવર્ષા થતી હતી ત્યાં હવે વરસાદનું પ્રમાણ વધ્યું છે. વરસાદને કારણે ગ્લેશિયરના પીગળવાની ઝડપ વધી છે. આ એક સાતત્યપૂર્વક થતી રહેતી પ્રક્રિયા છે, જે એક વાર આરંભાયા પછી વધ્યા જ કરે છે. ગ્લેશિયરના પીગળવા માટે કેવળ તાપમાનમાં વૃદ્ધિ જ નહીં, વરસાદનું બદલાયેલું સ્વરૂપ પણ જવાબદાર છે. આની અસર કેવળ એકલદોકલ ગ્લેશિયર પર નહીં, સમગ્ર હિમાલયનાં ક્ષેત્રો પર થાય છે.
સરોવર ફાટવાથી પૂર આવે તો ભારે પ્રમાણમાં પથ્થરો સહિત અન્ય કાટમાળ નીચે ધસી આવશે. 34 વસાહતો, ખેતીલાયક 204 હેક્ટર જમીન, 57 પુલ અને 106 કિ.મી. જેટલી સડકનો વિસ્તાર સીધેસીધો અસરગ્રસ્ત થશે. મનાલી-લેહ ધોરીમાર્ગ, અટલ ટનલ તેમજ પ્રવાસન સાથે સંકળાયેલી માળખાકીય સુવિધાઓ પણ તેનો ભોગ બનશે અને આ અસર કેવળ હિમાચલ પ્રદેશ પૂરતી સીમિત ન રહેતાં, ચિનાબ નદી દ્વારા છેક જમ્મુ અને કાશ્મીર સુધી જોવા મળી શકે. આની સામે સિસ્સૂ ગામમાં આગોતરી તૈયારી યોગ્ય ન હોવાના અહેવાલ છે. એવું નથી કે સરોવર કાલે ને કાલે ફાટશે. કદાચ ન પણ ફાટે. છતાં માનવીય ગતિવિધિઓએ માનવજાત માટે જ કેવાં કેવાં જોખમ ઊભાં કર્યાં છે એ જાણીને ખેદ થાય એવું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.