ફૂટબોલ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ફિફા વર્લ્ડ કપ 2026નો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. આગામી લગભગ 40 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં વિશ્વની શ્રેષ્ઠ 48 ટીમો ખિતાબ માટે મેદાનમાં ઉતરશે. આ વર્લ્ડ કપ અનેક કારણોસર ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપનું આયોજન ત્રણ દેશો, અમેરિકા, મેક્સિકો અને કેનેડા સંયુક્ત રીતે કરી રહ્યા છે. ટુર્નામેન્ટની મેચો 16 અલગ-અલગ શહેરોમાં રમાશે, જેના કારણે ઉત્તર અમેરિકામાં ફૂટબોલનો અનોખો ઉત્સવ જોવા મળશે. ટુર્નામેન્ટની શરૂઆત મેક્સિકો સિટીના ઐતિહાસિક એઝટેકા સ્ટેડિયમમાં યોજાનારી ઓપનિંગ મેચથી થશે. મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચેનો મુકાબલો વર્લ્ડ કપના પડઘમ સાથે શરૂ થશે. ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગ્યે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જ્યારે મેચ મધરાતે 12:30 વાગ્યે શરૂ થશે. શકીરા અને બર્ના બોય જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોના પર્ફોર્મન્સથી સમારોહને ચાર ચાંદ લાગશે.
આ વર્લ્ડ કપનું સૌથી મોટું આકર્ષણ તેનું નવું ફોર્મેટ છે. અત્યાર સુધી 32 ટીમો ભાગ લેતી હતી, પરંતુ હવે પહેલી વખત 48 દેશોને તક આપવામાં આવી છે. આ વિસ્તરણથી વધુ દેશોને વિશ્વના સૌથી મોટા ફૂટબોલ મંચ પર પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે. નવી સિસ્ટમ અનુસાર તમામ 48 ટીમોને 12 ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં દરેક ગ્રુપમાં 4 ટીમો હશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સીધી નોકઆઉટમાં પહોંચશે, જ્યારે તમામ ગ્રુપમાંથી શ્રેષ્ઠ 8 ત્રીજા ક્રમની ટીમો પણ આગળ વધશે. આ વખતે નોકઆઉટ સ્ટેજમાં ‘રાઉન્ડ ઓફ 32’નો નવો તબક્કો ઉમેરવામાં આવ્યો છે. પરિણામે, ચેમ્પિયન બનવા માટે ટીમને હવે 7ના બદલે 8 મેચ જીતવી પડશે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કુલ 104 મેચો રમાશે, જે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ છે.
ફૂટબોલ પ્રેમીઓની નજર અનેક સ્ટાર ખેલાડીઓ પર રહેશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાની આશા ફરી એકવાર લિયોનેલ મેસ્સી પર રહેશે. બીજી તરફ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ પોર્ટુગલને પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બનાવવા માટે છેલ્લો મોટો પ્રયાસ કરશે. ફ્રાન્સ માટે કિલિયન એમબાપ્પે સૌથી મોટું હથિયાર રહેશે. પોતાની ઝડપ અને ગોલ કરવાની ક્ષમતા માટે જાણીતો એમબાપ્પે ટીમને ખિતાબ અપાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત અનેક યુવા ખેલાડીઓ પોતાની પ્રથમ વર્લ્ડ કપ સફરમાં વિશ્વને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે. ટુર્નામેન્ટ શરૂ થતાં પહેલાં નિષ્ણાતો અને વિશ્લેષકો સ્પેનને સૌથી મજબૂત દાવેદાર માની રહ્યા છે. વર્તમાન ફોર્મ અને સંતુલિત ટીમને કારણે સ્પેન પર સૌની નજર છે. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ પણ ખિતાબ માટેના મુખ્ય દાવેદારોમાં સામેલ છે.
દક્ષિણ અમેરિકાની પરંપરાગત શક્તિઓ બ્રાઝિલ અને આર્જેન્ટિનાને પણ હળવાશથી લઈ શકાય નહીં. આર્જેન્ટિના પોતાના ખિતાબનું રક્ષણ કરવા ઉતરશે, જ્યારે બ્રાઝિલ છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતવાનું સપનું સાકાર કરવા માટે પૂરી તાકાત લગાવશે. ફૂટબોલના આ મહાકુંભનો અંત 19 જુલાઈ, 2026ના રોજ ન્યૂયોર્ક-ન્યૂજર્સીના સ્ટેડિયમમાં રમાનારી ભવ્ય ફાઇનલ સાથે થશે, જ્યાં વિશ્વને નવો ચેમ્પિયન મળશે.