Madhya Gujarat

આણંદની ડેરીમાં ભાજપની સત્તા નથી તે પક્ષ માટે કલંક

આણંદ: `ગુજરાતની મુખ્ય 360 સહકારી સંસ્થામાં ભાજપની સત્તા છે. તેમાંય છેલ્લી 318 ચૂંટણીમાં ભાજપ જ જીત્યું છે. સહકારી ક્ષેત્રની એક પણ ચૂંટણી ભાજપ હાર્યું નથી. એક પણ સહકારી ક્ષેત્રનું ઇલેકશન હાર્યા નથી. આપણો જન્મ જીતવા માટે થયો છે, તે મંત્ર ભાજપે સાકાર કર્યો છે. પરંતુ એક ડેરી સિવાય તમામ ડેરીમાં ભાજપ છે. એક નથી, તેનું કલંક આવનારા સમયમાં ભુસી નાંખવાનું છે. હાલ રાજ્યના એપીએમસી, ખરીદ વેચાણ સંઘ બધુ આપણી પાસે છે.’ તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સોમવારે ભાજપના જિલ્લા કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.

સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સહકારીક્ષેત્ર મજબૂત છે, તેનો દેશમાં પ્રચાર થાય, સહકારી ભાવના મજબૂત થાય તે માટે નવી મિનિસ્ટ્રી કેન્દ્ર સરકારમાં બનાવી છે. છેલ્લા સવા બે વર્ષની અંદર એક કાર્યકર્તા તરીકે અધ્યક્ષની જવાબદારી સોંપી છે. આપણી સહકારી ક્ષેત્રના કાર્યકર્તાઓ જેઓ ભાજપ સાથે જોડાયા છે. તેમને પણ મેન્ટેડના આધારે ચૂંટણી લડવા આપીએ છીએ. કોઇ પાર્ટી અને સહકારમાં ચૂંટણી લડે તે ઈલુ ઇલુ બંધ કરાવી દીધું છે. બબ્બે હોદ્દા ભોગવતાં હતાં. પરંતુ ગુજરાતમાં ભાજપે એક કાર્યકર્તા, એક હોદ્દાની નીતિથી સંગઠન મજબૂત બન્યું છે.

આણંદ ખાતે જિલ્લા ભાજપના નવનિર્મિત કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે સી.આર. પાટીલે કાર્યકર્તાઓને હાંકલ કરી હતી કે, જિલ્લાની સાતે સાત વિધાનસભા બેઠક જંગી બહુમતીથી જીતવા સંકલ્પબધ્ધ થવું પડશે. ખેરખાંઓને લાગે છે, જીતીએ છીએ. અમને કોઇ હરાવી શકે નહીં. ઘણા લોકો વરસોથી સેટીંગ કરી, મેનેજ કરીને જીતતા આવ્યાં હતાં. તેમને હરાવવા પડશે. આ વખતે તેમને જડબાતોડ જવાબ આપવો પડશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ થોડો સમય હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત ભાર્ગવભાઈ ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, પ્રભારી અમિતભાઈ ઠાકર, ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, મહામંત્રી નિરવ અમિત વિગેરે હાજર રહ્યાં હતાં.

ગ્રૂપીઝમ ઉભુ ન થાય તે માટે સાવચેતી રાખવા તાકીદ
સી.આર. પાટીલે આ વખતની ચૂંટણીમાં દરેક વિધાનસભામાં 50 હજારથી વધુ લીડ સાથે જીતવા હાંકલ કરી હતી. જોકે, તેના માટે ટીકીટ કોને મળે તેની ચિંતા ન કરવા પણ સુચના આપી હતી. ટીકીટ કોને આપવી તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ નક્કી કરવાના છે. ટીકીટ માટે કેટલાક લોકો ગાંધીનગર ટોળે ટોળાં લઇને આવે છે. જેના કારણે એક બીજાને હરિફ ગણે છે. સરવાળે ગ્રુપીઝમ ઉભુ થાય છે. આ સ્થિતિ ન સર્જાય તે માટે તેઓએ ટકોર કરી હતી.

વિધાનસભા ચૂંટણી વ્હેલી આવે તેવો સંકેત આપ્યો
સી.આર. પાટીલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગયા વખતે 2017 અને 2012માં ડિસેમ્બરમાં ચૂંટણી હતી. જોકે, આ વખતે દસ – બાર દિવસ વહેલી ચૂંટણી આવી શકે છે. જોકે, મારે કોઇ સાથે વાત થઇ નથી. તારીખ હું જાહેર કરી શકતો નથી. પરંતુ તમામ કાર્યકર્તાઓએ કામે લાગી જવું પડશે.

રેકોર્ડ બ્રેક તરીકે ભાજપના કાર્યકર્તાનું નામ આવે તેવી હાંકલ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં રેકર્ડ કરવાનો છે. આ જિલ્લામાંથી કોઇ હતું, તેના પર રેકર્ડ છે. જે હવે ભાજપના કાર્યકર્તાના નામે કરવાનો છે. જેની જવાબદારી કાર્યકર્તા પર છે. રેકર્ડ તુટવાનો છે. એવો રેકર્ડ કરજો કે ક્યારેય કોઇ તેની નજીક ન જઇ શકે. દરેક વિધાનસભામાં 50 હજારની લીડ સાથે જીતવી જોઈએ. કાર્યકર્તાએ સવારે જ પરિવારનું મતદાન કરાવી દેવું જોઈએ. પેજ પ્રમુખે બપોર સુધીમાં તમામનું મતદાન પૂર્ણ કરાવી દેવું જોઈએ.

Most Popular

To Top