Columns

ભારતના ઇતિહાસકારો દ્વારા ઔરંગઝેબને ખોટી રીતે મહાન ચિતરવામાં આવ્યો છે

દિલ્હીના રાજપથનું નામ બદલીને ભાજપ સરકાર દ્વારા તેને કર્તવ્ય પથનું નામ આપવામાં આવ્યું છે. રસ્તાઓનાં નામો બદલવાથી દેશનો ઇતિહાસ બદલાઈ જતો નથી. તેમાં ઇતિહાસની અને રાજકારણની ભેળસેળ થઇ રહી છે. દાયકાઓ અગાઉ દિલ્હીના રસ્તાને ઔરંગઝેબનું નામ આપવાનો નિર્ણય રાજકીય હતો, જે અંગ્રેજો દ્વારા લેવામાં આવ્યો હતો. આ રસ્તાને ભારતના દિવંગત રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું નામ આપવાનો નિર્ણય પણ રાજકીય હતો, જે ભાજપની સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. ઐતિહાસિક પાત્રોનાં નામો રસ્તાઓને આપવાથી તેઓ અમર બની જતાં નથી અને તેમનાં નામો રસ્તાઓ પરથી ભૂંસી નાખવાથી તેમનો ઇતિહાસ ભૂંસાઇ જતો નથી. ભારતમાં આજની તારીખમાં પણ ઔરંગઝેબના નામે ૧૭૭ નગરો અથવા ગામડાંઓ છે.

ભારતમાં ઔરંગાબાદ નામનાં કુલ ૬૩ શહેરો અથવા ગામડાંઓ છે, જેમાંનાં ૪૮ ઉત્તર પ્રદેશમાં છે. મહારાષ્ટ્રમાં આવેલાં ઔરંગાબાદ શહેરને છત્રપતિ સંભાજીનગર તરીકે ઓળખાવવાની માગણી શિવસેના કરી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ અમદાવાદ શહેરનો ઉલ્લેખ કર્ણાવતી તરીકે જ કરે છે. મોગલ શહેનશાહ ઔરંગઝેબ ભારતના ઇતિહાસનું સૌથી વિવાદાસ્પદ પાત્ર રહ્યો છે. હિન્દુત્વવાદી ઇતિહાસકારો ઔરંગઝેબને હિન્દુ મંદિરો અને મૂર્તિઓના ભંજક, હિન્દુઓના હત્યારા અને હિન્દુ પ્રજાના દુશ્મન તરીકે ચિતરે છે તો પોતાની જાતને બિનસાંપ્રદાયિક ગણાવતા ઇતિહાસકારો તેને એક પરાક્રમી બાદશાહ અને સાદગીભર્યા ઇન્સાન તરીકે જુએ છે. તથાકથિત બિનસાંપ્રદાયિક ઇતિહાસકારો કહે છે કે ઔરંગઝેબ હિન્દુ પ્રજાનો વિરોધી નહોતો પણ સામ્રાજ્યવાદી હતો. પોતાના સામ્રાજ્યના વિસ્તરણ માટે તેણે હિન્દુ રાજ્યો પર આક્રમણો કર્યાં હતાં અને હિન્દુ મંદિરોનો નાશ કર્યો હતો પણ તેની પાછળ માત્ર રાજકીય ગણતરીઓ જ હતી. ઔરંગઝેબે પોતાના રાજ્યમાં હિન્દુ મંદિરોને મદદ કરી હોવાનાં ઐતિહાસિક ઉદાહરણો પણ છે.

વર્તમાનમાં જે કાશી-મથુરાનો વિવાદ ચાલી રહ્યો છે, તેના તાર પણ ઔરંગઝેબના રાજ સાથે જોડાયેલા છે. ઇતિહાસમાં અંકિત થયું છે કે ઔરંગઝેબે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિના સ્થાને આવેલું પ્રાચીન હિન્દુ મંદિર તોડીને તેને સ્થાને મસ્જિદ ચણાવી હતી. તેનું કારણ એ હતું કે જાટ રાજાઓ આ મંદિરના રખેવાળ હતા. ઔરંગઝેબે જાટ સામ્રાજ્ય પર આક્રમણ કર્યું ત્યારે તેમની સત્તાને નબળી પાડવા મથુરાના કેશવ રાય મંદિરને જમીનદોસ્ત કરીને તેના સ્થાને મસ્જિદ બનાવી દીધી હતી. ઔરંગઝેબે વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરને ધ્વસ્ત કરીને તેના સ્થાને મસ્જિદ બનાવી દીધી હતી તેનો સ્વીકાર પોતાની જાતને બિનસાંપ્રદાયિક ગણાવતા ઇતિહાસકારો પણ કરે છે, પણ તે માટે તેઓ અલગ જ કારણ આપે છે.

તેમના જણાવ્યા મુજબ એક વખત ઔરંગઝેબનું વિજયી સૈન્ય વારાણસી નજીકથી પસાર થઇ રહ્યું હતું ત્યારે તેના રસાલાના કેટલાક હિન્દુ રાજાઓએ કાશી વિશ્વનાથનાં દર્શન માટે જવાની ઇચ્છા વ્યક્ત કરી. ઔરંગઝેબે તે માટે સૈન્યની કૂચ એક દિવસ માટે અટકાવી દીધી. હિન્દુ રાજાઓ સાથે તેમની રાણીઓ પણ હતી. બધી રાણીઓ મંદિરમાં પૂજા કરીને પાછી આવી, પણ એક રાણી ગુમ હતી. ઔરંગઝેબે પોતાના સૈનિકોને મંદિરની તલાશી લેવાનો આદેશ કર્યો તો જણાયું કે મંદિરના પૂજારીએ એક રાણીને મંદિરના ભોંયરામાં છૂપાવી રાખી હતી. આ જોઇ ગુસ્સે ભરાયેલા ઔરંગઝેબે મંદિરને ધ્વસ્ત કરવાનો આદેશ કર્યો હતો. જો કે હિન્દુત્વવાદી ઇતિહાસકારો આવી કોઇ ઘટના બની હોવાનો જ ઇનકાર કરે છે.

ઇતિહાસકારો કહે છે કે સોળમી સદીથી લઇ અઢારમી સદી સુધીમાં ભારતમાં જે મંદિરો તોડવામાં આવ્યાં તેની પાછળ ધાર્મિક નહીં પણ રાજકીય કારણો જવાબદાર હતાં. દાખલા તરીકે ઇ.સ. ૧૭૯૧ માં મરાઠા સૈન્યે દક્ષિણ ભારતમાં આક્રમણ કર્યું ત્યારે શૃંગેરીમાં આવેલા શંકરાચાર્યના મઠમાં પણ તોડફોડ કરી હતી, કારણ કે તેનો વહીવટ ટીપુ સુલતાન કરતો હતો, જે મરાઠાઓનો દુશ્મન હતો. મરાઠાઓ હિન્દુ હતાં તો પણ તેમણે રાજકીય કારણોસર હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી. ટીપુ સુલતાન મુસ્લિમ હતો તો પણ તેણે પાછળથી હિન્દુ મઠનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જે હિન્દુ રાજાઓ ઔરંગઝેબને શરણે આવ્યા હતા તેમના રાજ્યમાં આવેલાં હિન્દુ મંદિરોના નિભાવ માટે ઔરંગઝેબ જમીનો પણ ભેટ આપતો હતો. વારાણસીમાં આવેલા જંગમ બલિ મઠને, ચિત્રકૂટમાં આવેલા બાલાજી મંદિરને, અલ્લાહાબાદમાં આવેલા સોમેશ્વર મહાદેવના મંદિરને અને ગૌહાટીમાં આવેલાં ઉમાનંદ મહાદેવના મંદિરને આવી જાગીરો આપવામાં આવી હતી.

ઔરંગઝેબે પોતાના ૪૮ વર્ષના શાસન દરમિયાન સમગ્ર ભારતમાં જે હિન્દુ મંદિરોનો ધ્વંસ કર્યો તેનું વર્ણન મુસ્લિમ ઇતિહાસકારો દ્વારા જ કરવામાં આવ્યું છે, પણ તેનો ઉદ્દેશ ઔરંગઝેબને પરાક્રમી શહેનશાહ તરીકે ચિતરવાનો હતો. મુસ્લિમ ઇતિહાસકારોના વર્ણન મુજબ ઔરંગઝેબ અથવા તેના સૈન્ય દ્વારા કાશી અને મથુરા ઉપરાંત જોધપુર, જયપુર, ઉદયપુર, અજમેર, બિજાપુર, પંઢરપુર, શેંગાવ, કૂચબિહાર વગેરે શહેરોમાં આવેલાં મંદિરો પણ તોડી પાડ્યાં હતાં. ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરને પણ ઔરંગઝેબના આદેશથી તોડી પાડવામાં આવ્યું હતું. આજના બિનસાંપ્રદાયિક ઇતિહાસકારો પણ આ હકીકતનો ઇનકાર કરી શકે તેમ નથી.

મોગલ બાદશાહ ઔરંગઝેબ મૂળમાંથી હિન્દુઓનો વિરોધી હતો તેવી છાપ પણ ખોટી જણાય છે, કારણ કે તેના રાજ્યમાં જેટલા મુસ્લિમ સૂબાઓ હતા તેના કરતાં હિન્દુ સૂબાઓ વધુ પ્રમાણમાં હતા. તેના સૈન્યના સેનાપતિ પણ રાજપૂત હતા. શાહજહાંના કાળમાં મોગલ સલ્તનતના ૨૪ ટકા ઉચ્ચ અધિકારીઓ હિન્દુ હતા, પણ ઔરંગઝેબના કાળમાં તેનું પ્રમાણ વધીને ૩૩ ટકા પર પહોંચી ગયું હતું. છત્રપતિ શિવાજી મહારાજના પિતાશ્રી પણ મોગલ સામ્રાજ્યના સૂબા હતા. શિવાજીએ ઔરંગઝેબ સામે બળવો કરીને દક્ષિણ ભારતમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી.

દક્ષિણ ભારતમાં જ્યારે મરાઠાઓનું રાજ આવ્યું ત્યારે તેમણે હિન્દુઓ પાસેથી ઉઘરાવવામાં આવતો જજિયા વેરો નાબૂદ કર્યો હતો અને મુસ્લિમો પાસેથી જકાત લેવાનું ચાલુ કર્યું હતું. મરાઠાઓના રાજમાં મહારાષ્ટ્રની મહાર જાતિ પ્રત્યે અસ્પૃશ્ય જેવો વ્યવહાર કરવામાં આવતો હતો, જેમાં ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મ થયો હતો. આ કારણે અંગ્રેજો અને મરાઠા વચ્ચેના યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો ત્યારે મહાર જાતિનાં લોકો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ઔરંગઝેબ પર એવો આક્ષેપ કરવામાં આવે છે કે તેના રાજ્યમાં હિન્દુ પ્રજાજનો પાસેથી જજિયા વેરો વસૂલ કરવામાં આવતો હતો, જેમાંથી મુસ્લિમોને માફી આપવામાં આવી હતી.

ઔરંગઝેબ પહેલાં થઇ ગયેલા મોગલ બાદશાહો મુસ્લિમો પાસેથી પણ જકાત લેતા હતા, જેને ઔરંગઝેબે નાબૂદ કરી હતી. ઔરંગઝેબનું આ પગલું કોમવાદી હતું. તેમાં હિન્દુ પ્રજા પ્રત્યે ભેદભાવ રાખવામાં આવ્યો હતો અને તેમને અન્યાય કરવામાં આવ્યો હતો. બિનસાંપ્રદાયિક ઇતિહાસકારો પણ ઔરંગઝેબનાં આ પગલાંનો બચાવ કરી શકે તેમ નથી. જો કે ઔરંગઝેબના જમા પાસે એટલી વાત કહેવી પડે કે તેણે ગરીબ હિન્દુઓને જજિયા વેરો ભરવામાંથી માફી આપી હતી.

Most Popular

To Top