Dakshin Gujarat

ચીખલીમાં ખરેરા નદીના તટવટિય વિસ્તારમાં વસેલું આ ગામ વિકાસના પંથે દોડી રહ્યું છે

ચીખલી તાલુકાનું ખરેરા નદીના તટવટિય વિસ્તારમાં વસેલું તેજલાવ ગામ સ્થાનિક આગેવાનોની સૂઝબૂઝ એકરાગીતા અને દીર્ઘદૃષ્ટિને પગલે રસ્તા, પાણી, સિંચાઈ સહિતની સુવિધાઓ સાથે વિકાસના પંથે દોડી રહ્યું છે. તેજલાવ ગામમાં મુખ્યત્વે આદિવાસીઓની વસતી છે, જેમાં ઢોડિયા પટેલની સંખ્યા વિશેષ છે. આ ઉપરાંત હળપતિ, માહ્યાવંશી, કોળી પટેલ, દેસાઈ, ટેલર, ચૌહાણ સહિતની જાતિઓના લોકો ગામના આ આશ્રમ ફળિયા, વેડિયાવાડ, વડફળિયા, કૂવા ફળિયા, સીતા ફળિયા, પટેલ ફળિયા, હરિજનવાસ, ટેકર ફળિયા, મોટા ફળિયા, રાણા ફળિયા, સુથાર ફળિયા, ગામતળ સહિતના વિસ્તારમાં વસવાટ કરે છે. ગામમાં ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ મોટા પાયે વિકસિત થયો છે. ગામ લોકોની રોજગારીનો મુખ્ય સ્ત્રોત પણ ખેતી અને પશુપાલન છે.

તેજલાવ ગામ ખરેરા નદીના કાંઠે આવેલું છે અને ગામની હદમાં ખરેરા નદીમાં ચેકડેમ ઉપરાંત ગામમાંથી માઈનોર નહેર પણ પસાર થાય છે. વધુમાં ગામમાં ગામતળ અને સીતા ફળિયામાં બે તળાવ હોવાથી ગામમાં એકંદરે સિંચાઈની સારી વ્યવસ્થા છે. આ ઉપરાંત ખેડૂતોના ખાનગી બોર-કૂવા પણ ઉપલબ્ધ છે. ગામના ખેડૂતોનો મુખ્ય પાક શેરડી અને ડાંગર છે. સાથે આંબા અને ચીકુની વાડીઓ પણ ખેડૂતો ધરાવે છે. થોડી ઘણી માત્રામાં રોકડિયા પાકમાં શાકભાજીની ખેતી પણ ખેડૂતો કરી રહ્યા છે.

તેજલાવ ગામે વસુધારા ડેરી સંચાલિત આશ્રમ ફળિયા અને ગામતળમાં બે દૂધમંડળી પણ કાર્યરત છે. આ પૈકી તેજલાવ આદિવાસી દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો એક સમયે દૂધ ઉત્પાદનમાં દબદબો હતો. મંડળીના પૂર્વ ચેરમેન પ્રવીણ પટેલના જણાવ્યાનુસાર વલસાડ સંયુક્ત જિલ્લો હતો. ત્યારે ૮૦-૮૧ના વર્ષ તત્કાલીન ક્લેક્ટર દ્વારા સરકારી જમીન ઘાસચારા ફાર્મ માટે ફાળવી હતી અને ત્યારથી જ પશુપાલનના વ્યવસાયને વેગ મળ્યો હતો અને આ ડેરી આસપાસનાં ગામો માટે દાખલારૂપ હતી. હાલ પણ ગામમાં એક હજાર લીટરની આસપાસ દૂધનું દૈનિક ઉત્પાદન થાય છે. થોડું ઘણું દૂધ પાડોશના ચીમલા ગામની ડેરીમાં પણ જઈ રહ્યું છે. તેજલાવ ગામથી મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પણ માંડ ત્રણેક કિ.મી.ના અંતરે આવેલું છે અને ગામમાંથી નેશનલ હાઈવે અને રાજ્ય ધોરી માર્ગને જોડતો મુખ્ય માર્ગ પણ પસાર થતો હોવાથી વાહન વ્યવહારની મોટી તકલીફ નથી. ગામના મોટા ભાગના માર્ગો ડામરની સપાટીવાળા હોવાથી માર્ગની સુવિધા પણ સારી છે. ગામમાં પોસ્ટ ઓફિસ પણ કાર્યરત છે.

લોકોની આરોગ્યની સેવા માટે સબ સેન્ટર ઉપલબ્ધ
પહેલાં એક સમય હતો જ્યારે આરોગ્ય સેવા માટે દૂર દૂર સુધી સેવાઓ મળતી ન હતી. પરંતુ સમય બદલાયો છે. આજે ગ્રામ્ય કક્ષાએ પણ સારી આરોગ્ય સેવા મળી રહે છે. તેમાં પણ સરકારની આરોગ્યલક્ષી સેવાઓ લોક સુખાકારી માટે માધ્યમ બની છે. તેજલાવ ગામમાં ઘેજ પી.એચ.સી.ના તાબામાં આવતું સબ સેન્ટર પણ લોકોની આરોગ્યની સેવા માટે ઉપલબ્ધ છે. તેજલાવ ગામે પશુઓની આરોગ્યની સેવા માટે પશુ દવાખાનું પણ કાર્યરત છે, જેમાં પશુધનના રક્ષક તરીકે ડો.ઉમેદભાઈ ફરજ બજાવી રહ્યા છે.

શિક્ષણ સ્તર ગામમાં એકંદરે સારું
તેજલાવ ગામમાં શિક્ષણની વાત કરીએ તો ભૂલકાંના પાથાના શિક્ષણ માટે વેડિયાવાડ, ગામતળ, આશ્રમ ફળિયા, પટેલ ફળિયા અને મોટા ફળિયા એમ પાંચ જેટલી આંગણવાડીઓ કાર્યરત છે. પ્રાથમિક શિક્ષણ માટે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ગામતળ, વડફળિયા, સુથાર ફળિયા એમ ત્રણ જેટલી પ્રાથમિક શાળાઓ પણ આવેલી છે. ગામમાં ૧૯૭૬ના વર્ષથી હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમ શાળા પણ છે. જેનું ઉદઘાટન ૧૯૭૬ના વર્ષમાં તાત્કાલિન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલના હસ્તે કરાયું હતું. આશ્રમ શાળામાં હાલ એકથી આઠ ધોરણમાં ધરમપુર, કપરાડા અને ડાંગ જિલ્લાનાં ૧૯૬ બાળક અભ્યાસ કરી રહ્યાં છે. આશ્રમ શાળાની ચીખલીની સેવાભાવી સંસ્થા પ્રેરણા ગ્રુપ દ્વારા વિવિધ સહાય પણ પૂરી પાડવામાં આવે રહી છે. આશ્રમ શાળાના આચાર્ય તરીકે અશ્વિનભાઈ પટેલ ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત તેજલાવ ગામ આસપાસનાં બલવાડા, ઘેજ અને તલાવચોરા સહિતનાં ગામોમાં હાઈસ્કૂલ પણ હોવાથી શિક્ષણ સ્તર ગામમાં એકંદરે સારું છે. ગામમાં પ્રાથમિક શિક્ષકોની સંખ્યા વિશેષ છે. આ ઉપરાંત સરકારના અન્ય વિભાગોમાં પણ ગામના લોકો ફરજ બજાવી રહ્યા છે.

આ છે ગામના અગ્રણીઓ
તેજલાવ ગામના વડ ફળિયાના મગનભાઈ માણકાભાઈ પટેલ ડેપ્યુટી ડીડીઓ તરીકે નર્મદા જિલ્લાના રાજપીપળામાંથી નિવૃત્ત થયેલા છે. ઉપરાંત ગામના ભરતભાઈ ડાહ્યાભાઈ વશી વનવિભાગમાં ડીએફઓ તરીકે વલસાડથી અને સુભાષભાઈ નાયક આરએફના પદેથી નિવૃત્ત થયા છે. જ્યારે રણજીતભાઈ ગુલાબભાઈ વશી, બારડોલીમાં બાગાયત અધિકારી ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. ગામના દેસાઈવાડ સ્થિત પરિમલભાઈ દેસાઈ સમગ્ર વિસ્તાર ક્રિકેટ મેચના કોમેન્ટર તરીકે ખૂબ જાણીતા છે. ગામમાં અરવિંદભાઈ નાયક અને દીપકભાઈ વશી સહિતના પરિવારો વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા છે. તેજલાવ ગામના કોળી પટેલ અગ્રણી ગોવિંદભાઈ ખાલપભાઈ પટેલ તલાવચોરા ગામની હાઈસ્કૂલના નવચેતન કેળવણીમંડળ તલાવચોરાના પ્રમુખ છે. ગોવિંદભાઈ ભાજપના પણ વિવિધ હોદ્દાઓની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

લોકોને મળે છે ઘરઆંગણે પાણીની સુવિધા
તેજલાવ ગામના વિવિધ વિસ્તારમાં પીવાના પાણી માટેની નાની-મોટી ૧૪ જેટલી યોજના કાર્યરત છે અને તમામ યોજનાઓ ચાલુ સ્થિતિમાં હોવા છતાં સાથે ગામના લોકોને ઘરઆંગણે પીવાનું પાણી મળી રહ્યું છે. ગામની પાણી સમિતિના અધ્યક્ષ પદે હેમાંગીનીબેન પરેશભાઈ પટેલ સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે.

ગણેશ મહોત્સવ, નવરાત્રિ, દિવાળી, હોળી સહિતના તહેવારો ધામધૂમથી ઉજવાય છે
તેજલાવ ગામના વડફળિયાના સ્વામિનારાયણ મંદિર, ગામતળમાં રામજી અને હનુમાનનું મંદિર અને આશ્રમ ફળિયામાં ગાયત્રીમાતાનું મંદિર છે. ઉપરાંત ગામના વિવિધ વિસ્તારમાં બીજાં પણ નાનાં-મોટાં મંદિરો આવેલાં છે અને ગામ લોકો સાથે મળી શ્રી ગણેશ મહોત્સવ, નવરાત્રિ, દિવાળી, હોળી સહિતના તહેવારો ધામધૂમથી ઉજવતા હોય છે.

માજી સરપંચ પ્રવીણભાઈ પટેલ રાજકીય અગ્રણી
તેજલાવ ગામના માજી સરપંચ પ્રવીણભાઈ પટેલ બહોળી રાજકીય કારકિર્દી ધરાવે છે અને આ વિસ્તારમાં ભાજપના એક મજબૂત નેતા મનાય છે. ૧૯૮૯માં ગ્રામ પંચાયત સભ્ય પદેથી રાજકીય કારકિર્દી શરૂઆત કરી ગામના ઉપસરપંચ, સરપંચ પદે, દૂધમંડળીના ચેરમેન પદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત ૨૦૦૫ના વર્ષમાં તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પદે પણ સફળ કામગીરી બજાવી હતી. હાલ તેઓ ગામના સરપંચ ઉપરાંત એટીવીટી કાર્ય સમિતિના પ્રતિનિધિ તરીકે ગુજરાત રાજ્ય સરકાર અને કૃષિ શ્રી ગ્રામ વિકાસ બેંક ચીખલીના ચેરમેન પદે કાર્યરત છે. સાથે ચીખલી તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ પદે પણ રહ્યા હતા. હાલ તેમનાં પત્ની દક્ષાબેન પટેલ તાલુકા પંચાયતનાં સભ્ય છે.

ગામના વિકાસમાં રાકેશ પટેલનો ઉમદા ફાળો
તેજલાવ ગામના યુવા અગ્રણી અને માજી સરપંચ રાકેશભાઈ મોહનભાઈ પટેલ પણ ગામના લોકોની સુવિધા માટેના વિકાસનાં કામો માટે સતત પ્રયત્નશીલ રહે છે. રાકેશભાઈ પટેલ ગામના યુવાનોનું સંગઠન ધરાવે છે. તેમના ત્રણ ભાઈઓનો પરિવાર એકસાથે રહેવા ઉપરાંત ત્રણેય યુવાન ભાઈઓ વચ્ચેનો સંપ ગામના અન્ય યુવાનો માટે એક મિશાલસમાન છે. જેને પગલે રાકેશભાઈ આ વિસ્તારમાં યુવા નેતા તરીકે ભારે લોકચાહના ધરાવે છે. ગામના વિકાસમાં તેમના ફાળો રહ્યો છે.

રમતગમત પ્રવૃત્તિમાં પણ તેજલાવ અગ્રેસર
તેજલાવ યુવા એકતા ક્રિકેટ ક્લબ માધ્યમથી યુવાનો દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. યુવા અગ્રણી પરેશભાઈ અને તેમની ટીમ દ્વારા તેજલાવમાં ટફ વિકેટ સાથેનું લીલુંછમ ક્રિકેટનું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. મેદાનની ફરતે બારેમાસ લીલાછમ રહેતાં વિવિધ વૃક્ષોને રોપીને તેના ઉછેર સાથે યોગ્ય માવજત કરવામાં આવતાં તેજલાવ ઉપરાંત આસપાસનાં ગામોના ક્રિકેટરો, ક્રિકેટરસિકો માટે પસંદગીનું મેદાન બનવા પામ્યું છે અને વિવિધ સમાજ અને વિવિધ ગામની પણ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ્સ રમાતી હોય છે. આમ, આસપાસનાં અનેક ગામોના ક્રિકેટરો માટે તેજલાવના યુવા એકતા ક્રિકેટ ક્લબનું મેદાન પર ખૂબ ઉપયોગી પૂરવાર થઈ રહ્યું છે. આ મેદાન પર ટુર્નામેન્ટ દરમિયાન આ વિસ્તાર ક્રિકેટરસિકોની ચિચિયારીથી ગૂંજતું રહે છે.
તેજલાવ યુવા એકતા ક્રિકેટ ક્લબના મેદાનનો ઉપયોગ માત્ર ક્રિકેટ પૂરતો જ થતો નથી, તેજલાવના યુવા અગ્રણી પરેશભાઈના જણાવ્યાનુસાર અમારા ગામના ક્રિકેટ મેદાન ઉપર મોક્ષ માર્ગ અને સ્વામિનારાયણ સંપ્રદાયની સત્સંગ સભા સહિતના કાર્યક્રમો પણ વાર તહેવારે યોજાતા હોય છે. આ ઉપરાંત તેજલાવ અને આસપાસનાં ગામોની શાળાના રમતોત્સવ પણ આ મેદાન પર યોજવામાં આવતા હોય છે. યુવા એક્તા ક્રિકેટ ક્લબના યુવાનો આ સંગઠન ક્રિકેટ સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં પણ કાર્યરત રહેતા હોવાથી તેનો લાભ સ્થાનિકોને પણ થયો છે.

તેજલાવ ગ્રામ પંચાયતની બોડી
સરપંચ-હેમાંગીનીબેન પટેલ
ઉપસરપંચ-ધર્મેશભાઈ પટેલ
સભ્ય-રમેશભાઈ પટેલ
મોહિનીબેન પટેલ
પુષ્પાબેન પટેલ
મીરાબેન પટેલ
સુમિત્રાબેન હળપતિ
અશોકભાઈ બારોટ
મહેન્દ્રભાઈ પટેલ
ધર્મેશભાઈ
તેજસભાઈ પટેલ
તલાટીનું નામ : પ્રીતીકાબેન પટેલ

એનઆરઆઈના સહકારથી આશ્રમશાળાની કાયાપલટ
તેજલાવમાં ૪૬ વર્ષ પૂર્વે શરૂ થયેલા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમશાળાની અમેરિકાસ્થિત શિક્ષા ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કાયાપલટ કરવામાં આવી છે. વર્ષ-૧૯૭૬માં તેજલાવમાં શરૂ કરાયેલી આશ્રમશાળામાં ૨૨૫ જેટલા વિદ્યાર્થી માટે અંદાજે એકાદ કરોડ રૂપિયાના ખર્ચ અમેરિકાના શિક્ષા ફાઉન્ડેશન દ્વારા અદ્યતન છાત્રાલયનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં બેડ, લાઈટ, પંખા, ગરમ પાણી, સેનિટેશન યુનિટ સહિતની તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આ છાત્રાલયના અદ્યતન મકાનમાં છોકરા અને છોકરીઓ માટેની અલાયદી વ્યવસ્થા પણ કરાઈ છે. આ ઉપરાંત શિક્ષા ફાઉન્ડેશન દ્વારા અંદાજે ૬૫ લાખ રૂપિયાના ખર્ચે વિદ્યાર્થીઓને જમવા માટે અદ્યતન ડાઈનિંગ હોલનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં ટેબલ-ખુરશી, વાસણો સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શિક્ષા ફાઉન્ડેશન અમેરિકા દ્વારા આદિજાતિના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. શિક્ષા ફાઉન્ડેશન અમેરિકા પ્રતિનિધિ તરીકે સુરતના ગૌરાંગભાઈ દેસાઈ, ઉપરાંત હાલ યુ.એસ.એ. સ્થિત હેમંત દેસાઈ, શ્યામ પટેલ, શિવ પટેલ, અશોકભાઈ, હર્ષદભાઈ સહિતના દાતા સેવાયજ્ઞમાં કાર્યરત છે.
આ ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ દ્વારા પણ લાખો રૂપિયાના ખર્ચ અદ્યતન સુવિધાથી સજ્જ ૬ જેટલા ઓરડાનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં પણ લાઈટ-પંખા, શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેજલાવ આશ્રમશાળામાં વર્ગખંડોના બાંધકામ માટે નીતિનભાઈ દેસાઈ, યોગેશભાઈ, ડો.દિલીપભાઈ દેસાઈ સહિતના લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ પૂર્વ પ્રમુખો ઉપરાંત વર્તમાન પ્રમુખ જગદીશ પીટર ઉપરાંત અરવિંદભાઈ દેસાઈ, સુધીરભાઈ દેસાઈ (પી.ડી.જી.) ઉપરાંત સમસ્ત લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ પરિવારે જહેમત ઉઠાવી હતી.
તેજલાવ આશ્રમશાળામાં શિક્ષા ફાઉન્ડેશન અમેરિકા, લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ ઉપરાંત એલ.એન્ડ.ટી. કંપની સંસ્થા દ્વારા સોલાર રૂફ ટોપની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આચાર્ચ અશ્વિનભાઈએ જણાવ્યું હતું. આશ્રમશાળામાં હાલ ૧૦૦ છોકરા, ૯૬ જેટલી છોકરી સાથે મળી ૧૯૬ વિદ્યાર્થી ધોરણ-૮ સુધીનો અભ્યાસ કરી રહ્યાં છે. અને આચાર્ચ અશ્વિનભાઈ પ્રવાસી શિક્ષક સહિત આઠ જેટલાનો સ્ટાફ છે. આ આશ્રમ શાળામાં ચીખલીની સેવાભાવી સંસ્થા પ્રેરણા ગ્રુપ દ્વારા પણ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આશ્રમશાળાના કેમ્પસમાં મોટા પાયે વૃક્ષારોપણ કરી રમતગમતનાં સાધનો સાથે સમગ્ર કેમ્પસને ખાનગી સંસ્થાને ટક્કર મારે તેવું અદ્યતન બનાવવામાં આવ્યું છે. સેવા સંઘ બારડોલી સંચાલિત આ આશ્રમશાળામાં સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, મંત્રી મનોજભાઈ દેસાઈ સહિતનું પણ મહત્ત્વનું યોગદાન રહેવા પામ્યું છે.

હેમાંગીનીબેન પટેલ સફળ સુકાની
તેજલાવ ગામનું સુકાન ગ્રામજનો દ્વારા યુવા પેઢીને સોંપવામાં આવ્યું છે. ગામના પ્રથમ નાગરિક તરીકે હેમાંગીનીબેન પરેશભાઈ પટેલ સુકાન સંભાળી રહ્યાં છે. જ્યારે તેમના પતિ પરેશભાઈ ગામના અગ્રણી છે. આ યુવા દંપતી ગામના વિકાસ માટે ગામમાં સામાજિક, ધાર્મિક, રમતગમત જેવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે ગામના અગ્રણી પ્રવીણભાઈ, તાલુકા સભ્ય દક્ષાબેન, ગામના અન્ય આગેવાનો સાથે જરૂરી સંકલન સાધી સતત સક્રિયતા દાખવી રહ્યું છે. અને તેમના અથાક પ્રયત્નથી ગામમાં રસ્તા, પાણી જેવી પાયાની સુવિધાઓ ઉપરાંત સરકારની વ્યક્તિગત લાભની વિવિધ યોજનાઓનો અનેક લોકોને લાભ મળી રહ્યો છે. સરપંચ હેમાંગીનીબેન અને પરેશભાઈ ગામમાં લોકોની સુવિધા અને વિકાસનાં કાર્યો પ્રત્યેની પ્રતિબધ્ધતાને અનેક લોકો બિરદાવી રહ્યા છે.

વૃક્ષોના ઉછેરથી પર્યાવરણને લાભ થશે
તેજલાવ ગામના વડીલો, યુવા આગેવાનો દ્વારા ગામને વધુ ને વધુ હરિયાળું બનાવવા ગામના વિવિધ માર્ગોની આજુબાજુ ખુલ્લી જગ્યામાં શૈક્ષણિક સંસ્થાઓમાં મોટા પાયે બારેમાસ લીલાછમ રહેતાં વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેથી ગામની રોનકને ચાર ચાંદ લાગવા સાથે પર્યાવરણનો પણ લાભ થશે.

બાફેલી મકાઈની ટપરી આજુબાજુના વિસ્તારમાં પ્રખ્યાત
તેજલાવના આશ્રમ ફળિયા સ્થિત બાફેલી મકાઈની ટપરી આજુબાજુના વિસ્તારમાં પ્રખ્યાત છે. આ ટપરી ઉપર ગરમાગરમ અમેરિકન મકાઈ ઉપર વિશેષ પ્રકારની ચટણી, મરચું-મીઠું સાથે ઉપયોગ કરવામાં આવે છે અને અવનવી ચટણી સાથેના મકાઈ કોન(ડોડા)નો આ સ્વાદ ચાખવા આસપાસના લોકો પણ ખાસ કરીને સાંજના સમયે મોટી સંખ્યામાં ઊમટી પડતા હોય છે.

ગામની કુલ વસતી 3078
તેજલાવ ગામ ચીખલી તાલુકાનાં અન્ય ગામોની તુલનામાં ધીમે ધીમે આગળ ધપી રહ્યું છે. આ ગામ કુલ 368-10-00 હે-આરે-ચો.મી. વિસ્તારમાં ફેલાયેલું છે. ગામની કુલ વસતી 3078 છે, જેમાં પુરુષની સંખ્યા 1568 છે અને સ્ત્રીની સંખ્યા 1510 છે. બેટી બચાવો અને બેટી પઢાવો જેવી ઝુંબેશને કારણે આ ગામમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.

ખેતી સાથે પશુપાલન વ્યવસાયનો વિકાસ
ગામતળ સ્થિત સહકારી દૂધમંડળીના પ્રમુખ પદે જયેશભાઈ સુરેશચંદ્ર દેસાઈ અને મંત્રી પદે પંકજભાઈ છીબુભાઈ ટેલર સેવા બજવી રહ્યા છે. જયેશભાઈ દેસાઈના જણાવ્યાનુસાર ગામતળમાં વર્ષોથી સહકારી દૂધમંડળી કાર્યરત છે અને દૈનિક 475 લીટરની આસપાસ દૂધનું ઉત્પાદન થાય છે, જેમાં પશુપાલકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે.
આશ્રમ ફળિયા સ્થિત સહકાર દૂધ ઉત્પાદક મંડળીનું સુકાન મહિલાના હાથમાં છે. આ મંડળીમાં ચેરમેન પદે શિલ્પાબેન કિશોરભાઈ પટેલ તો મંત્રી પદે સુમનભાઈ છોટુભાઈ પટેલ કાર્યરત છે. દૂધમંડળીના ચેરમેન શિલ્પાબેન પટેલના જણાવ્યાનુસાર તેમની દૂધમંડળીમાં દૈનિક 440 લીટર જેટલું દૂધનું ઉત્પાદન થાય છે અને અમારી મંડળીનું સુકાન મહિલાઓના હાથમાં છે. અમારા વિસ્તારમાં ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ પૂરક વ્યવસાય તરીકે ફૂલ્યોફાલ્યો છે અને દૂધના વ્યવસાયથી પશુપાલકોને તેમના ખેતરમાં છાણિયું ખાતરનો જથ્થો પણ ઉપલબ્ધ થતો હોય છે. વસુધારા ડેરીના અધિકારીઓ તરફથી સત્તા માર્ગદર્શન મળતું રહેતું હોય છે અને ડેરીના પગલે અનેક પરિવારોને આર્થિક લાભ થઈ રહ્યો છે.

રસ્તા, શાળાના ઓરડા, પાણીની યોજનાનાં કામો થકી ગામ વિકાસ પથે
ભાજપ અગ્રણી પ્રવીણભાઈ પટેલના જણાવ્યાનુસાર અમારા ગામમાં લાખો રૂપિયાના રસ્તા, શાળાના ઓરડા, પાણીની યોજનાનાં કામો થયાં છે અને કેટલાંક કામો પ્રગતિમાં છે. વિકાસનાં કામો માટે ગામનાં સરપંચ હેમાંગીનીબેન, યુવા અગ્રણી પરેશભાઈ, તાલુકા સભ્ય દક્ષાબેન તથા અન્ય આગેવાનોના સતત સંકલન સાથે એક ટીમ સ્વરૂપે પ્રયત્નશીલ રહેતા અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન, ભાજપ મહામંત્રી ડો.અશ્વિનભાઈ સહિતનાનો સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. વધુમાં ગામમાં યુવા અગ્રણી પરેશભાઈ સહિતનાના યુવા એકતા ગ્રુપ સામાજિક, ધાર્મિક, રમતગમત, શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે.

હાઇવેને કારણે અમારા ગામને ભૌગોલિક લાભ મળે છે: પરેશભાઈ પટેલ
યુવા અગ્રણી પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેજલાવ ગામના સીમાડામાંથી ખરેરા નદી પસાર થાય છે. બીજી તરફ પાંચેક કિમીના અંતરે નેશનલ હાઇવે પણ છે. જેને લઈ ભૌગૌલિક રીતે પણ ગામને લાભ મળી રહ્યો છે. ગામના યુવાનોના ગ્રુપ દ્વારા સુંદર મજાનું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ મેદાન યુવાઓ માટે રમતમાં તો ઉપયોગી તો છે જ સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ થાય છે. અમારા ગામમાં એકસંપ છે, જેને કારણે જ વિકાસની ઝલક તમને જોવા મળે. અમારા ગામમાં વિકાસ માટે ધારાસભ્ય અને મંત્રી નરેશભાઈ ઉપરાંત સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓનો સહકાર મળી રહ્યો છે.

Most Popular

To Top