નવસારી, ૯ ફેબ્રુઆરી: આજરોજ નવસારી જીલ્લા/મહાનગર ભાજપનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું હતું. મહાનગર બન્યા પછી આ વર્ષે પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે સહુની નજર સંગઠન માળખા ઉપર હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ બદલાયા બાદ ક્યા જૂથના પત્તા કપાશે અને કોને સંગઠનમાં પ્રભુત્વ મળશે એના પર સહુની નજર હતી. પણ હાઈકમાન્ડે હાલમાં કોઈ એક જૂથને બદલે મિશ્ર માળખું આપવાનો પ્રયત્ન કર્યો હોવાનું જણાઈ આવે છે.
મહામંત્રી સહિતના પદ માટે રસાકસી પછીની શાંતિ
પ્રમુખપદે ભૂરાલાલ શાહ જૈસે થે રહ્યા છે. પણ મહામંત્રી તરીકે કોણ નિમાય, એ બાબતે ભારે ઉત્સુકતા હતી. આજે મહામંત્રી પદે જીગર દેસાઈ (નવસારી તાલુકો), શાંતિલાલ પટેલ (ગણદેવી તાલુકો) અને ડૉ લોચન શાસ્ત્રી (વાંસદા)ની નિમણુક થઈ છે. કોષાધ્યક્ષ તરીકે ભીખુભાઈ આહીર (ખેરગામ તાલુકો) નિમાયા હતા. પાર્ટીમાં ચાલતી વાયકા મુજબ બે-ત્રણ ટર્મથી સંગઠનમાં સ્થાન પામતા અગ્રણી કાર્યકર્તાએ મહામંત્રી પદ માટે એડીચોરીનું જોર લગાવ્યું હતું. એમને ફરીથી સંગઠનમાં તો સમાવી લેવાયા, પણ મહામંત્રી પદ છેટું જ રહ્યું!

અન્ય મોરચાઓમાં પણ નિમણુક
મંત્રીઓ, સોશિયલ મીડિયા વિભાગ તેમજ અનુસૂચિત જાતિ-જનજાતિ અને લઘુમતી મોરચાઓ તથા યુવા, મહિલા, કિસાન અને બક્ષીપંચ મોરચામાં તમામ જૂથના કાર્યકરોને સમાવી લેવાની કોશિશ થઈ હોવાનું જણાઈ આવે છે. તેમ છતાં ક્યાંક છાને ખૂણે અસંતોષ હોવાનું ય કેટલાક સુત્રો જણાવી રહ્યા છે. ક્યાંક નવો તણખો ઝરશે કે ઘીના ઠામમાં ઘી પડી રહેશે એ હવે આવનારા દિવસોમાં ખબર પડશે.

