શું નોઇડા ફિલ્મસિટીને પોતાની કરશે?

મુંબઇના ફિલ્મ નિર્માતા અને કળાકારો માટે ફિલ્મસિટીનું ખાસ મહત્ત્વ છે. ત્યાં અનેક ફિલ્મોના શૂટિંગ થયા જ કરે છે, પણ ‘મહાભારત’ સહિતની બેસુમાર ટી.વી. સિરીયલો કે ‘કૌન બનેલા કરોડપતિ’, ‘કપિલ શર્મા શો’ સહિત અનેક શોઝના શૂટિંગ પણ ત્યાં જ થાય છે. ફિલ્મસિટીની સફળતા પછી અનેક રાજયોને એવું થયું છે કે તેઓ પણ ફિલ્મસિટી બનાવે. સાઉથમાં રામોજીરાવ ફિલ્મસિટી એકદમ જાણીતી છે પણ હવે નોઇડા ફિલ્મસિટીને પણ જાણીતી કરવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી મથી રહ્યા છે. ઉત્તર પ્રદેશ પાસે જ ઉત્તરાખંડ પણ છે અને આ બંને રાજયો પ્રાકૃતિક રીતે પણ સમૃધ્ધ છે. હિમાલય અને અનેક નદીઓ છે. અનેક એરપોર્ટસ છે તો યુપીના મુખ્યમંત્રી યોગીને થાય છે કે નોઇડા ફિલ્મસીટી સફળ જશે અને તેમ થાય તો ટૂરિઝમ સહિતની આવક પણ ઊભી થશે. ઉત્તર પ્રદેશની સરકાર ફિલ્મ નિર્માણને લગતી બધી સગવડ પણ ઊભી કરી ચૂકી છે અને તેમની ઇચ્છા છે કે આ ફિલ્મસિટી વડે રાજયના કલ્ચર, પૌરાણિક અને ઐતિહાસિક વારસાનું પ્રમોશન થાય.

સરકારની ઇચ્છા સારી કહેવાય, પણ ફિલ્મજગત ધંધામાં માને છે, કોઇ પ્રકારના કોઇ રાજયના પ્રમોશનમાં માનતું નથી. સરકારની પ્રપોઝલ જો મનોરંજનના ધંધામાં ફેરવાતી હશે તો ના નહીં પાડશે, બાકી આગ્રહ ખોટા છે. અલબત્ત અહીં ભૂતકાળમાં ‘ટોઇલેટ – એક પ્રેમ કથા’, ‘જોલી એલએલબી-2’, ‘સોનુ કે ટિટુકી સ્વીટી’, ‘આર્ટિકલ-૧૫’, ‘બરેલી કી બર્ફી’ જેવી ફિલ્મોના શૂટિંગ થઇ ચૂકયાં છે પણ આ ફિલ્મસિટી ઇન્ટરનેશનલ લેવલની બને એ માટેના પ્રયત્નો ચાલુ છે. એ તો નકકી જ છે કે સરકાર આગળ પડે તો જ આ બધું શકય છે. યોગી આદિત્યનાથ અક્ષયકુમાર, બોની કપૂર, પ્રકાશ ઝા સહિત ફિલ્મના અનેક લોકોને મળતા રહે છે. ફિલ્મ નિર્માતાઓ પણ મુંબઇનો વિકલ્પ મળે તો તૈયાર છે. રામોજીરાવની ફિલ્મ સિટી તો દક્ષિણની ફિલ્મો માટે જ રોકાયેલી રહે છે. યોગી આ ફિલ્મસિટીને પ્રમોટ કરવા ગ્રાન્ટ પણ આપે છે. અવધિ, ભોજપુરી, વ્રજ, બુંદેલી વગેરે ભાષામાં બનનારી ફિલ્મોને તો સબસીડી પણ આપે છે અને અત્યાર સુધીમાં ૩૮ ફિલ્મોને સબસીડી આપી પણ ચૂકયા છે. ગુજરાત સહિત દેશનાં ઘણાં રાજયોમાં ઘણા સ્ટાર્સ આ પ્રકારે ફિલ્મસિટી યા સ્ટુડિયો માટે જગ્યા માંગી ચૂકયા છે. જો કે બધાં જ રાજયોમાં બધી તક નથી હોતી. ગુજરાતમાં ઉમરગામ, રાજપીપલા, વડોદરામાં શૂટિંગ થતાં જ હોય છે. પણ મુંબઇ તે મુંબઇ છે અને તેનો વિકલ્પ બનવું સરળ નથી.

Most Popular

To Top