કોરોનાના કેસ કેમ વધ્યા? સુરતના તબીબોએ લોકોની આ ભૂલને ગણાવી જવાબદાર: કહ્યું, સુધરી જાઓ, નહીં તો..

સુરત: (Surat) કોરોનાની (Corona) ત્રીજી લહેરમાં જે રીતે કેસ વધી રહ્યાં છે તેની પાછળ નવા વેરિએન્ટની સાથે સાથે લોકો તેમજ કેટલાક ફેમિલી તબીબોની (Family Doctor) પણ એટલી જ બેજવાબદારી હોવાની વિગતો સામે આવી રહી છે. કોરોનાના લક્ષણો (Symptoms) હોવા છતાં અનેક લોકો દ્વારા ત્રીજી લહેરમાં ટેસ્ટિંગ કરાવવામાં આવતું નથી અને માત્ર ફેમિલી ફિઝિશ્યનની સલાહ પર દવાઓ લઈને હોમ આઈસોલેશન (Isolation) કરવામાં આવી રહ્યું છે. ટેસ્ટિંગ નહીં થતું હોવાથી તે દર્દીઓ (Patient) સરકારી ચોપડે નોંધાતા નથી અને કેટલાક આઈસોલેશનમાં પણ રહેતા નહીં હોવાથી આ લોકો હવે સુપર સ્પ્રેડર (Super spreader) બની રહ્યાં છે અને પોતાના જ ઘરના સભ્યો તેમજ અન્ય લોકોના આરોગ્યને પણ ભારે નુકસાન કરી રહ્યાં છે.

  • ઓમિક્રોન વેરિએન્ટને કારણે આ વખતે વાયરસ ફેફસામાં જતો નહીં હોવાથી લોકો બિન્દાસ્ત બની ગયા
  • પાંચથી સાત દિવસમાં લોકો સાજા થઈ જતાં હોવાથી કોરોનાને લોકો ગંભીર માની રહ્યા નથી
  • માત્ર દવાઓ લઈને ક્વોરન્ટાઈન થયા વિના જ દર્દીઓ ફરી રહ્યાં હોવાથી ઘરના સભ્યોને ચેપ લગાડી રહ્યા છે

હાલમાં શિયાળો (Winter) ચાલી રહ્યો હોવાથી સામાન્ય રીતે શરદી અને ખાંસીના કેસ વધી રહ્યાં છે. તાવ પણ આવે છે. આ જ લક્ષણો કોરોનાના પણ છે. ભૂતકાળમાં જે વેરિએન્ટ હતાં તેમાં કોરોનાના વાયરસ ફેંફસામાં ઉતરી જતાં હોવાથી લોકો ટેસ્ટ (Taste) કરાવવા માટે દોડતા હતા. હોસ્પિટલમાં દાખલ થતા હતા પરંતુ નવા ઓમિક્રોન (Omicron) વેરિએન્ટને કારણે હવે વાયરસ ફેફસામાં જતો નથી અને તેને કારણે પાંચથી સાત દિવસમાં લોકો સાજા થઈ જતાં હોવાથી કોરોનાને લોકો ગંભીર માની રહ્યા નથી.

આ કારણે જ લોકો તાવ, શરદી, ખાંસી સહિતના લક્ષણો ધરાવતા હોવા છતાં પણ ટેસ્ટ કરાવવામાં ઉદાસીન બની રહ્યા છે. માત્ર ફેમિલી ડોકટરની દવાઓ લઈને સાજા થવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. લોકોને એ ભય છે કે ટેસ્ટિંગ કરાવીશું તો કોરોના આવશે અને તેને કારણે ક્વોરન્ટાઈન થવું પડશે. જેને કારણે ટેસ્ટિંગ કરાવતા નથી. બીજી તરફ ફેમિલી ડોકટરો પણ માથામાં દુ:ખાવા સહિતની તકલીફો ધરાવતા દર્દીઓને ત્રણ-ચાર દિવસ પુરતી દવા આપી રવાના કરી દે છે. આવા કેટલાય દર્દીઓ ઘરના અન્ય સભ્યો તેમજ બહાર નિકળીને અન્ય વ્યક્તિઓના આરોગ્ય સામે પણ મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. આવા લોકો હાલના તબક્કે સુપરસ્પ્રેડર બની રહ્યાં હોવાનો મત તબીબો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

કોરોનાના લક્ષણો દેખાય તો જરૂરથી ટેસ્ટ કરાવી લેવો કે જેથી બીજાને ચેપ લાગતો અટકી શકે: ડો.સમીર ગામી
ટીબી એન્ડ ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ડો. સમીર ગામીએ જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી અને બીજી વેવમાં શહેરમાં 500 થી 2 હજાર સુધી કેસ પહોંચી ગયા હતા. જ્યારે હાલ ત્રીજી વેવમાં 3 હજાર જેટલા કેસ નોંધાઇ રહ્યાં છે. આ સમયે લોકો કોરોનાનાં કોઇપણ લક્ષણ જણાઇ તો અવશ્ય ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આ રીતે ટેસ્ટ નહીં કરાવવાથી અન્ય લોકોને ચેપ લાગવાની સાથે સિનિયર સિટિઝનોને ચેપ લાગે તો તેમના જીવ સામે જોખમ ઊભું થઈ શકે તેમ છે. ગત અઠવાડીયા દરમિયાન ઠંડી વધવાને કારણે પણ લોકોને શરદી, ખાંસીની અસર થઇ હતી. તે પૈકી અનેક લોકો કોરોનાથી સંક્રમિત હશે. પરંતુ ટેસ્ટ નહીં કરાવવાને કારણે સંક્રમણ વધારે પ્રમાણમાં ફેલાયું હોવાની સંભાવના છે.

લક્ષણો હોય તો પણ ઘણા લોકો ડોકટરને ટેસ્ટ નહીં કરવાની ફરજ પાડે છે તે ખોટું છે: ડો. પારૂલ વડગામા
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા તથા નવી સિવિલ હોસ્પિ.ના ટીબી એન્ડ ચેસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ ડો.પારૂલ વડગામાએ હાલ કોરોનાની ચાલી રહેલી વેવ અંગે જણાવ્યું હતું, કે તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાઇ તો ફેમિલી ફિઝીશીયન તેમજ સ્થાનિક દવાખાનામાં જઇ નિદાન કરાવી દવા લેતા પહેલા અવશ્ય કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઇએ. ઘણા લોકો ડોક્ટરને જ સામેથી ટેસ્ટ કરવાની ના કહી મેડિસિન આપવાની ફરજ પાડતા હોય છે. પરંતુ જેને પણ લક્ષણ જણાઈ તેણે કોરોનાની યોગ્ય સારવાર થઇ શકે તે માટે અવશ્ય ટેસ્ટ કરાવવો જોઇએ. જેથી તે અન્ય લોકોને પણ સંક્રમિત થતા બચાવી શકે.

Most Popular

To Top