Business

સુરતના વિસરાયેલા વારસાને ઉજાગર કરતું ગુજરાતમિત્ર

ગુજરાતમિત્રની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. દર શુક્રવારે આવતી સિટીપલ્સ પૂર્તીમાં શરૂ થયેલી ‘’વિસરાયેલો વારસો’’ કટાર એ ખરેખર આપણી ભૂંસાતી જતી ધરોહરને ઉજાગર કરી જીવિત રાખવામાં મોટો ફાળો ભજવી રહી છે. તા.10મી એપ્રિલના અંકમાં પ્રકટ થયેલો રૂસતમપુરના પારસી મહાજન રૂસતમજી માણેક અને તેમના વંશજો વિશેનો લેખ અદભૂત, ખૂબ માહિતીસભર અને રોચક રહ્યો. તેમની કથા અને ઇતિહાસ માત્ર સુરતીઓ માટે જ નહી પણ સમગ્ર પારસી સમાજ માટે પણ એક વિસરાયેલા વારસા સમાન જ છે.

હાલની યુવા પેઢી માટે તો સુરતના આવા મહાજનો અને શહેરની તે સમયની જાહોજલાલી અને સમૃદ્ધિ વિશે કલ્પના કરવી પણ અઘરી છે. આ વિભાગ શરૂ કરવા બદલ હું ગુજરાતમિત્રને અને આ કટારના લેખક વિમ્મી ચેવલીજીને આટલી પુરાણી, સચોટ અને મજેદાર માહિતી પીરસવા બદલ ખૂબ અભિનંદન પાઠવું છું. સોનેરી સુરતના ભવ્ય ભૂતકાળના આવા રસપ્રદ કિસ્સાઓ ખૂંદીને પ્રકાશિત કરતાં રહો અને શહેરની વિસરાતી જતી વિરાસતને ફરી ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કરતાં રહો!
સુરત     – રોની ડી. વરિયાવા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top