ગાંધીનગર : રાજ્યમાં સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા વચ્ચે ગુજરાતમાં ચાંદીની મોટા પાયે હેરાફેરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક જ દિવસમાં અમદાવાદ અને રાજકોટમાંથી કુલ અંદાજે 500 કિલો ચાંદીનો જથ્થો ઝડપાતા રાજયની વિવિધ એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.એક તરફ અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેશન પરથી લક્ઝરી બસમાં લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ છે, તો બીજી તરફ રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 400 કિલો જેટલો શંકાસ્પદ ચાંદીનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. બંને મામલાઓમાં ટેક્સ ચોરી, ગેરરીતિપૂર્ણ બિલિંગ અને હેરાફેરીના એંગલથી તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ગીતામંદિર બસ સ્ટેશન પરથી રાજકોટ જઈ રહેલી લક્ઝરી બસમાંથી એક વ્યક્તિ પાસેથી અંદાજે 100 કિલો ચાંદી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઝડપાયેલા જથ્થામાંથી આશરે 80 ટકા ચાંદી માટે કોઈ માન્ય બિલ રજૂ કરવામાં આવ્યું નહોતું. મહત્વની વાત એ છે કે ચાંદીના આ જથ્થા પર હજુ સુધી કોઈએ માલિકીનો દાવો પણ કર્યો નથી. હાલ સ્ટેટ જીએસટી વિભાગે જથ્થો કબજે લઈને વધુ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ રાજકોટના રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ ચાંદીની મોટી હેરાફેરી ઝડપાઈ છે. અંદાજે ₹10 કરોડની કિંમતનો 400 કિલો જેટલો શંકાસ્પદ ચાંદીનો જથ્થો મુંબઈથી રાજકોટ આવી રહેલી એર ઈન્ડ્યાની ફ્લાઈટ મારફતે કાર્ગોમાં આવ્યો હતો. કાર્ગોની તપાસ દરમિયાન સમગ્ર મામલો બહાર આવ્યો હતો.મળતી માહિતી મુજબ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીને ચાંદીની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ગુજરાત એટીએસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત એટીએસ અને રાજકોટ સીટી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે આ ચાંદીનો જથ્થો વારાણસીની “સનરાઈઝ” નામની પેઢીમાંથી રાજકોટ મોકલવામાં આવ્યો હતો. ચાંદી પહેલા વારાણસીથી મુંબઈ અને ત્યારબાદ મુંબઈથી રાજકોટ એર કાર્ગો મારફતે લાવવામાં આવી હતી. રાજકોટના સામાંકાંઠા વિસ્તારના કેટલાક ચાંદીના વેપારીઓ સુધી આ જથ્થો પહોંચાડવાનો હતો તેવી પણ માહિતી સામે આવી છે.
એટીએસ દ્વારા ત્રણ શંકાસ્પદ વેપારીઓ તેમજ આંગડિયા સંચાલકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ચાંદીનો જથ્થો “જોબ વર્ક” માટે મોકલવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ દસ્તાવેજોમાં ગેરરીતિઓ અને અધૂરા બિલિંગને કારણે તપાસ વધુ ગંભીર બની છે. તપાસ એ દિશામાં પણ શરૂ કરવામાં આવી છે કે અગાઉ આવા કેટલા વ્યવહારો થયા હતા, બિલિંગ પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવી હતી કે નહીં અને આ સમગ્ર ચાંદીના જથ્થાનો અસલી માલિક કોણ છે. સમગ્ર મામલે હવે CGST, SGST તેમજ આવકવેરા વિભાગ પણ તપાસમાં જોડાઈ શકે છે.
રાજકોટ એરપોર્ટ પર હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ચાંદી સ્વીકારવા આવેલા વ્યક્તિને અટકાવી તેની હાજરીમાં પાર્સલની તપાસ કરવામાં આવી હતી. દસ્તાવેજો અધૂરા હોવાનું સામે આવતા ટેક્સ ચોરીની આશંકા વધુ મજબૂત બની હતી. જરૂરી કાનૂની કાર્યવાહી બાદ વધુ તપાસ સ્ટેટ જીએસટી વિભાગને સોંપવામાં આવી છે.એક જ દિવસમાં રાજ્યમાંથી 500 કિલો જેટલી ચાંદી ઝડપાતા ગુજરાતમાં કિંમતી ધાતુઓની હેરાફેરી અને ટેક્સ ચોરી ગોબાચારી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. રાજયની વિવિધ એજન્સીઓ હવે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારી રહી છે.