ગાંધીનગર
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ એ ગુજરાતમાં વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે મુખ્ય વિરોધ પક્ષના નેતાઓએ હવે સમજી લેવું જોઈએ કે તેમને આગામી “સાત જન્મ સુધી ગુજરાતમાં કોઈ તક મળવાની નથી.” શાહે તેમના પ્રવચનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ લેવાનું ટાળીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
અમિત શાહ એ આ નિવેદન ગાંધીનગર મહાનગરપાલિકાના આશરે ₹620 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે આપ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જનસભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મુખ્યમંત્રી તરીકે શરૂ કરાયેલી ગુજરાતની વિકાસયાત્રા આજે પણ સતત આગળ વધી રહી છે અને વિકાસની આ જ રાજનીતિને કારણે જનતાએ તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને ભવ્ય સમર્થન આપ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપે તમામ 15 મહાનગરપાલિકાઓમાં જીત મેળવી છે. ઉપરાંત 84 નગરપાલિકાઓમાંથી 77, 34 જિલ્લા પંચાયતોમાંથી 33 અને 260 તાલુકા પંચાયતોમાંથી 253 તાલુકા પંચાયતોમાં ભાજપનો વિજય થયો છે.
શાહે કહ્યું હતું કે ભાજપના નેતાઓનો આત્મવિશ્વાસ અહંકાર પર આધારિત નથી, પરંતુ જનસેવા અને વિકાસના કાર્યો પરથી ઉભા થયેલા વિશ્વાસ પર આધારિત છે. કોરોના મહામારી દરમિયાન ભાજપના કાર્યકરો લોકોની વચ્ચે રહી સેવા કાર્યમાં જોડાયા હતા, જેના કારણે જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
પશ્ચિમ બંગાળનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે બંગાળમાં લાંબા સમય સુધી કુશાસન અને ભ્રષ્ટાચારના કારણે વિકાસ અટકી ગયો હતો. પરંતુ હવે ત્યાંની જનતાએ ભાજપ અને તેના ગઠબંધનને 207 બેઠકો આપીને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સરકાર બનાવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આજે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહારથી લઈને પશ્ચિમ બંગાળ સુધી ગંગા જ્યાં જ્યાં વહે છે તે મોટાભાગના રાજ્યોમાં ભાજપ અથવા તેના ગઠબંધનની સરકાર સત્તામાં છે. દેશના આશરે 80 ટકા વિસ્તારમાં ભાજપ અને તેના સાથી પક્ષોની સરકારો કાર્યરત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.