દર્દી હિતમાં બેદરકારી સહન નહીં : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની વધુ એક મોટી કાર્યવાહી
ગાંધીનગર,
રાજ્યમાં દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય વિભાગ વધુ કડક અને સંવેદનશીલ અભિગમ અપનાવી રહ્યો છે. દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ જ દિશામાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ના નિર્દેશ બાદ વિસનગર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા જુનીયર ફાર્માસીસ્ટ પ્રશાંત શ્રીમાળી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.માહિતી મુજબ, હોસ્પિટલમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા આપવામાં બેદરકારી દાખવાઈ હોવાની ફરિયાદ સામે આવી હતી. આ મામલે આરોગ્ય મંત્રીની સૂચનાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાંધીનગર ખાતે દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં બેદરકારી પ્રાથમિક દૃષ્ટિએ સાબિત થતા વિસનગર જનરલ હોસ્પિટલના ફાર્માસીસ્ટ વર્ગ-3 પ્રશાંત શ્રીમાળીની બદલી સરકારી હોસ્પિટલ રાપર, કચ્છ ખાતે કરવામાં આવી છે. સાથે જ તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દર્દીઓના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ સુરત સિવિલ હોસ્પિટલ ના સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. ધારિત્રી પરમારની બદલી કરીને તેમના સ્થાને ડૉ. પારૂલ વડગામાને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ આ બીજી મહત્વપૂર્ણ કાર્યવાહી માનવામાં આવી રહી છે.