Gujarat

સુરેન્દ્રનગર અને રાજકોટમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન

અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકની સરખામણીએ રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 1 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગના આંકડા મુજબ આજે સુરેન્દ્રનગર અને રાજકોટ રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા હતા, જ્યાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.

અમદાવાદ, અમરેલી અને વલ્લભ વિદ્યાનગરમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. ગાંધીનગર અને વડોદરામાં 41 ડિગ્રી, જ્યારે સુરતમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. કચ્છના ભૂજ અને કંડલા એરપોર્ટ પર પણ 41 ડિગ્રી સુધી ગરમીનો પારો ચડ્યો હતો.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની આગાહી કરી છે. શહેરમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યમાં વધતી ગરમીને પગલે આરોગ્ય નિષ્ણાતોએ લોકોને બપોરે 12 થી 4 દરમિયાન અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને સીધી ગરમીથી બચવા સલાહ આપી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં વધતી ગરમી અને હવામાં ઊંચા ભેજના પ્રમાણને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. 17 અને 18 મે દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કોસ્ટલ વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે લોકોને ઉકળાટ અને ભારે અસહજતા અનુભવાઈ શકે છે.
હવામાનની સ્થિતિ અંગે વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સિસ્ટમ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વધુ વિસ્તારોમાં આગળ વધે તેવી શક્યતા છે. સાથે જ કેરળમાં 26 મે આસપાસ ચોમાસુ બેસી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 4 દિવસનો ફેરફાર શક્ય છે.
રાજસ્થાન અને મધ્ય પ્રદેશ ઉપર સર્જાયેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ પશ્ચિમ ઈરાન તરફ સર્જાયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વચ્ચે ગુજરાતમાં હાલ નીચલા સ્તરે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીનો પ્રકોપ વધ્યો છે.

Most Popular

To Top