Gujarat

કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરી શકાય તે માટે સીનિયર સચિવોને જવાબદારીઓ સોંપાઈ

રાજયમાં કોરોનાની 3જી સંભવિત લહેર સામે લડવા માટે એટલું જ નહીં દરમિયાન ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનિટરિંગ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે રાજ્યના વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વરિષ્ઠ સચિવો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કોર કમિટીની બેઠક સાથોસાથ યોજીને આ બધી જ વ્યવસ્થાઓ આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટેની લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા અને પરામર્શ કર્યો હતો. રૂપાણીએ જે જે સચિવોને સંભવિત થર્ડ વેવ ના સામના માટેના આગોતરા આયોજનની જવાબદારી સોંપી છે તેમને આવતીકાલ ગુરૂવારથી જ તેમને સોંપાયેલી કામગીરી યુદ્ધના ધોરણે ત્વરાએ ઉપાડી લેવા સૂચનાઓ આપી હતી.

રૂપાણીએ કહ્યું હતું કે આપણે પ્રાર્થના કરીયે કે થર્ડ વેવ આવે જ નહીં, પરંતુ જો આવે તો મૃત્યુ આંક વધે નહીં, સંક્રમિતોને ત્વરિત સારવાર મળે, હોસ્પિટલમાં બેડ, દવા, ઓક્સિજન સહિતની પુરતી વ્યવસ્થાઓ મળે અને તેઓ જલ્દી સાજા થઇને પરત જાય તેવા ત્રેવડા વ્યૂહ થી સજ્જ થઇને કાર્ય યોજનાઓ ટાઇમ બાઉન્ડ પુરી કરવાની છે.

રૂપાણીએ હોસ્પિટલોમાં ખાલી બેડની માહિતી લોકોને સરળતાથી મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજી સાથેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રહેશે અને જીલ્લાઓમાં ઉભા કરી તેનું સીધું જોડાણ સ્ટેટ લેવલે સી.એમ. ડેશબોર્ડ સાથે કરી રીયલ ટાઇમ મોનીટરીંગ થાય તેવી વ્યવસ્થાઓ પણ ત્વરાએ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. ખાસ કરીને હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, જરૂરી દવાઓ, ટેસ્ટ કીટ અને ઇન્જેકશનોનો જથ્થો પણ આગોતરા આયોજન સાથે મેળવી લેવા સંબંધિત સચિવોને સૂચન અપાઈ હતી.રૂપાણીએ કોરોનાથી બચવાના આગોતરા શસ્ત્ર એવા વેક્સિનેશનનો વ્યાપ નગરો, શહેરો અને ગ્રામ્ય સ્તરે ઝૂંબેશરૂપે ખાસ મુવમેન્ટથી ચલાવવા તાકીદ કરી હતી .

કોનો કઈ જવાબદારીઓ સોંપાઈ ?
મુખ્યમંત્રી દ્વારા આજે કોરોનાની સંભવિત 3જી લહેરનો સામનો કરવા માટે સીનીયર સચિવોને વિવિધ જવાબદારીઓ સોંપાઈ છે. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલને સમગ્ર ટીમના કન્વીનર બનાવાયા છે. જયારે જય પ્રકાશ શિવહરેને સહ કન્વીનર બનાવાયા છે. હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરની જવાબદારી મિલિન્દ તોરવણે અને સંદિપ વસાવાને, ઓકિસજન સપ્લાયની જવાબદારી ધનંજય દ્વિવેદી અને સંજીવકુમારને, દવા -સાધન સામગ્રી સીટી સ્કેન અને ખરીદીની જવાબદારી મનોજકુમાર દાસ અને હારિત શુકલાને, રાજયકક્ષાના આરોગ્યના કમાન્ડ અને કંટ્રોલની જવાબદારી વિજય નહેરા – સચિન ગુસીયાને , 108 એમ્બ્યૂલન્સની જવાબદારી મનીષા ચંન્દ્રાને , ધન્વંત્તરી -સંજીવની રથની જવાબદારી કે કે નિરાલાને, વેકિસનેશનની જવાબદારી પી સ્વરૂપ – એન. એ. પંડયાને , જીનોમ સિકવન્સીની જવાબદારી વિજય નહેરાને, મારૂ ગામ કોરોના મુકત્ત ગામની જવાબદારી સોનલ મિશ્રાને મારો વોર્ડ કોરોના મુકત્ત વોર્ડની જવાબદારી રાજકુમાર બેનીવાલને સોંપાઈ છે.

Most Popular

To Top