Dakshin Gujarat

વાપી હાઈવે પર ચાલકને ઝોંકુ આવી જતા લકઝરી બસ પલટી ગઈ, બે વ્યકિતના મોત

વાપી: (Vapi) રાજસ્થાનથી (Rajasthan) મુસાફરોને લઈ મહારાષ્ટ્ર જતી લકઝરી બસ (Luxury Bus) વાપી હાઈવે પર મંગળવારે મળસ્કે પલટી ગઈ હતી. જે અકસ્માતમાં બે વ્યકિતના દબાઈ જવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નિપજયા હતા. જયારે 4 મુસાફર ઈજાગ્રસ્ત બન્યા હતાં. બનાવની જાણ થતાં જ વાપી ટાઉન અને જીઆઈડીસી પોલીસ (Police) ટીમનો ટાઉન અને નોટિફાઈડથી ફાયર ફાઈટરોની ટીમ તથા 108 એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમ અને ફાયર ટીમ દ્વારા બસની અંદર સવાર મુસાફરોને સાવચેતીપૂર્વક બહાર કાઢયા હતા અને ઈજાગ્રસ્તોને તરત જ 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. જયારે ક્રેનની મદદથી પલટી ગયેલી બસને સીધી કરી માર્ગની સાઈડ પર કરવામાં હતી. નોંધનીય છે કે ચાલકને ઝોકુ આવી જતા બસ ડિવાઈડર સાથે ટકરાઈ હતી અને પલટી મારી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જયાં અકસ્માતની ઘટના બની હતી તેના થોડા જ અંતરમાં પેટ્રોલપંપ પણ હતો. જેને લઈ આ વિસ્તાર માં ભયનો માહોલ રહ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ બસચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાવા પામી હતી.

તા.20-3-23ના રોજ બપોરે રાજસ્થાનથી જે.જે. ટ્રાવેલ્સ બસ નં.એઆર-01 ટી-2189માં મુસાફરો બેસાડી મુંબઈ તરફ જવા ઉપડી હતી. પૂરપાટ ઝડપે દોડી રહેલી લકઝરી બસ મંગળવારે મળસ્કે આશરે સાડા ત્રણેક વાગ્યાની આસપાસ વાપી ને.હા.નં.48 ના સર્વિસ માર્ગની ડિવાઈડર સાથે ટકરાઈ હતી. જેમાં લકઝરી બસ પલટી મારી ગઈ હતી. ઘટનાને લઈ મુસાફરોની ચીસાચીસ થઈ ગઈ હતી. બનાવની જાણ તરત જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે વાપી ટાઉન અને જીઆઈડીસીથી પોલીસ ટીમનો કાફલો તરત જ પહોંચી ગયો હતો. જયાં અકસ્માત સર્જાયો હતો ત્યાં થોડા જ અંતરે પેટ્રોલ પંપ પણ હોય ભયનો માહોલ પણ હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તરત જ ફાયર ટીમને જાણકારી આપતા ઘટના સ્થળે વાપી ટાઉન અને વાપી જીઆઈડીસીથી ફાયર ફાઈટરોની ટીમ આવી પહોંચી હતી.

પોલીસ અને ફાયર ટીમ દ્વારા તરત જ બચાવ કામગીરી આરંભી દેવાઈ હતી. બસમાં ફસાયેલા મુસાફરોને સાવચેતીપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તરત જ 108 એમ્બ્યુ. દ્વારા વાપીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતે પલટી ગયેલી બસ નીચે રાજસ્થાનના બે વ્યકિતના ઘટના સ્થળે જ મોત નિપજયા હતાં. આ અકસ્માતની ઘટનાની ફરિયાદ સોહનલાલ ગોપીલાલ સુથાર (ઉં.આ.60, રહે. રાજસ્થાન)એ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાવી હતી.

મુંબઈમાં દિકરાના નવા મકાનની વાસ્તુપૂજામાં જતા અકસ્માત નડયો, સાળી તથા મહારાજનું દબાઈ જતા મોત
વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનાર સોહનલાલ ગોપીલાલ સુથાર રાજસ્થાનના વતની છે. તેમના મોટા દિકરાએ મુંબઈમાં નવું મકાન ખરીદેલું હોય જેની વાસ્તુપૂજા 22 માર્ચના રોજ હોવાથી તેઓ પત્ની અને સગાસંબંધીઓ અને વાસ્તુપૂજા કરવા માટે ગામના મહારાજને લઈને લકઝરી બસમાં બેઠાં હતાં. વાપી હાઈવે પર મંગળવારે મળસ્કે સાડા ત્રણેક વાગ્યાની આસપાસ ડિવાઈડર સાથે બસની ટક્કર થતાં પલટી ગઈ હતી. જેમાં સોહનલાલની સાળી નર્મદાબાઈ બાલુરામ સુથાર તથા વાસ્તુ પૂજા માટે આવનાર ગામના મહારાજ નારાયણ શર્માનું બસ નીચે દબાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નિપજયા હતાં. જયારે તેમના અન્ય સગાસંબંધીઓ અને અન્ય મુસાફરોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

Most Popular

To Top