SURAT

સુરતના કતારગામમાં લગ્નમાં મિઠાઈ ખાધા બાદ 200ને ફુડ પોઈઝનિંગ, 42ને હોસ્પિટલમાં દાખલ કરાયા

સુરત: કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં લગ્નસરની સિઝન પણ પૂરબહારમાં ખીલી છે ત્યારે આકરી ગરમીમાં દૂધમાંથી (Milk) બનતી વાનગીઓ ખાવી જોખમી બની રહી છે. જેની પ્રતિતી કતારગામ (Katargam) વિસ્તારના યોજાયેલા એક લગ્ન પ્રસંગના (Marriage) જમણવારમાં ૭૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની (Food poisoning) ઘટનાને પગલે થઈ છે.

મળતી વિગત મુજબ, કતારગામ ઝોન વિસ્તારમાં ગજેરા સર્કલ નજીક ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં એક લગ્ન સમારંભ યોજાયો હતો. જેનો ભોજન સમારંભ નજીકમાં આવેલા નિત્યાનંદ ધામમાં યોજવામાં આવ્યો હતો. આ ભોજન સમારંભમાં ૭૦૦થી ૮૦૦ લોકોએ આગલા દિવસે ઓરીયા સેક અંગુર રબડી અને કેસર કુમકુમ નામની બંગાળી મીઠાઈ આરોગી હતી. દૂધ અને અન્ય બનાવટોમાંથી બનેલી આ મિઠાઈ ખાધા બાદ અનેક મહેમાનોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જેને પગલે લગ્નમાં દોડાદોડી થઈ ગઈ હતી.

  • ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં લગ્ન સમારંભ યોજાયો હતો જેનો જમણવાર નિત્યાનંદ ફામ માં ચાલતો હતો ૭૦૦ થી ૮૦૦ લોકોએ ભોજન લીધુ હતું
  • કતારગામમાં ઘનશ્યામપાર્ક સોસા.માં લગ્ન હોવાથી નજીકમાં નિત્યાનંદ ધામમાં ભોજન સમારંભ યોજાયો હતો
  • સમારંભમાં 700થી વધુ લોકોએ વિવિધ બંગાળી મિઠાઈ ખાધી હતી, જેમાં મોટાભાગનાને અસર થઈ
  • મનપાની આરોગ્યની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ ઓપીડી શરૂ કરવી પડી, મિઠાઈના નમુના તાત્કાલિક તપાસ માટે મોકલાયા

મહેમાનોને તાત્કાલિક દવાખાનાઓમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. એક સાથે અનેક લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોય કતારગામ ઝોનના આરોગ્ય વિભાગે લગ્ન સમારંભમાં આ સ્થળે જ ટીમ મોકલીને લોકોને તપાસવાની શરૂઆત કરી હતી. મોડીરાત્રિ સુધીમાં આશરે 36થી વધુ લોકોને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું. કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર શ્રોફ અને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ હોસ્પિટલ ડોક્ટર આશિષ નાયક પણ મોડી રાત્રે ઘટનાસ્થળે દોડી ગયા હતા. મનપાના ફુડ વિભાગે પણ ભોજન સમારંભમાં મિઠાઈના નમુનાઓ લઈને તેને તપાસ માટે મોકલી આપ્યા હતા.

આશરે 200થી વધુને અસર, તમામની તબિયત સ્થિર છે: ડે.કમિ. ડો. આશિષ નાયક
આ ફુડ પોઈઝનિંગની ઘટનામાં આશરે ૨૦૦થી વધુને અસર થઈ છે. મનપાની ટીમે સ્થળ પર જ ઓપીડી શરૂ કરીને 160 લોકોને સારવાર આપી મોડી રાત સુધીમાં 42ને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. તમામની તબિયત સ્થિર છે તેમ મનપાના ડે.કમિ. ડો. આશિષ નાયકે જણાવ્યું હતું.

Most Popular

To Top