અમદાવાદ, તા. 15
અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે સવારે હોસ્ટેલના ‘બી’ બ્લોકના એક રૂમની છતનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં એક વિદ્યાર્થીને ઈજાઓ થવા પામી છે. આ ઘટનાને પગલે હોસ્ટેલ સુકંલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરની એલ ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના બી બ્લોકની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો. જે સમયે આ સ્લેબ પડ્યો ત્યારે રૂમમાં વિદ્યાર્થીઓ હાજર હતા અને સ્લેબનો એક મોટો હિસ્સો વિદ્યાર્થીના પલંગ પર આવીને ખાબક્યો હતો. જેથી એક વિદ્યાર્થીને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થી મિત્રોઓ અને હોસ્ટેલ સત્તાવાળા દ્વારા તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના બાદ સામે આવેલી વિગતોમાં બિલ્ડિંગની જર્જરિત હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. જો આ સ્લેબ રાત્રિના સમયે પડ્યો હોત તો મોટી જાનહાનિ થાત, પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. માત્ર એક વિદ્યાર્થીને ઈજા થવા પામી છે.
આ ઘટનાએ હોસ્ટેલના બિલ્ડિંગની જાળવણી અને વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સંસ્થાના જૂના થઈ ગયેલા બાંધકામોનું રિપેરિંગ કામ સમયસર ન થતું હોવાને કારણે વિદ્યાર્થીઓને જીવના જોખમે રહેવું પડી રહ્યું હોવાનો રોષ પણ જોવા મળી રહ્યો છે.