Gujarat

“હું આ ચૂંટણી પૈસા માટે નથી લડી રહી, પ્રજાની સેવા માટે મેદાનમાં ઉતરી છું. ગમે તેટલી લાલચ આપો, છતાં ફોર્મ પાછું ખેંચવાની નથી”

અમદાવાદમાં મનપાની ચૂંટણી ગરમાવો- મહિલા ઉમેદવારને 25 લાખની લાલચ

અમદાવાદ, તા. 15

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં શહેરમાં રાજકીય તાપમાન વધતું જાય છે. રામોલ-હાથીજણ વોર્ડમાંથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બીનાબહેન મોદીએ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર મૌલિક પટેલ સામે ગંભીર આરોપો લગાવતાં રાજકીય માહોલમાં ખળભળાટ મચ્યો છે.

અમદાવાદ મનપાની ચૂંટણીમાં શહેરના હાથીજણ વોર્ડમાંથી કોગ્રેસ તરફથી મહિલા ઉમેદવાર બીનાબેન મોદીએ ફોર્મ ભરતા તેમના પર સતત ફોર્મે પરત ખેચવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમને ફોન કરી પૈસાની લાલચ અપાવામાં આવી રહી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.

બીનાબહેન મોદીના જણાવ્યા મુજબ, તેમને ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચવા માટે રૂ, 25 લાખની ઓફર કરવામાં આવી હતી. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદથી જ તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. ફોન કોલ્સ તથા ઓળખીતાઓ મારફતે તેમને લાલચ આપવામાં આવી રહી છે કે તેઓ ચૂંટણીમાંથી બહાર થઈ જાય.

તેમણે વધુમાં જણાવ્યું કે, “હું આ ચૂંટણી પૈસા માટે નથી લડી રહી, પરંતુ પ્રજાની સેવા માટે મેદાનમાં ઉતરી છું. ગમે તેટલી લાલચ આપવામાં આવે, છતાં હું મારું ફોર્મ પાછું ખેંચવાની નથી.”

આ મામલે ભાજપના ઉમેદવાર મૌલિક પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.

બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ પણ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ તથા પોલીસ મળીને તેમના ઉમેદવારોને ડરાવવા અને દબાણમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજુઆત પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top