Gujarat Main

નેતાઓને લપેટામાં લઈ રહ્યો છે કોરોના: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમેત આટલા નેતા પોઝિટિવ

દેશમાં કોરોના (Corona) સંક્રમણની વધી રહેલી ગતિ વચ્ચે રાજ્ય સરકારો કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂરી વ્યવસ્થાઓ કરવા લાગી છે. તેમ જ દિવસે દિવસે નિયંત્રણો (Controls) પણ કડક કરી રહી છે. ગુરુવારે વડાપ્રધાન મોદીએ પણ રાજ્યોના સીએમ સાથે બેઠક યોજી ત્રીજી લહેરમાં પહોંચી વળવા બાબતે જરૂરી સૂચન કર્યા હતા. દરમ્યાન કોરોના સામાન્ય નાગરિકોની સાથે સેલિબ્રિટી અને રાજકીય ચેહરાઓને પણ શકંજામાં લઈ રહ્યું છે. દરમ્યાન ગુરુવારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો (Minister Harsh Sanghvi) કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુરુવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ હાલ ગાંધીનગરમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેઓ ગાંધીનગર ખાતે હોમ આઈસોલેશનમાં છે.

આરએસમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનો કોવિડ-19 માટેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ આઈસોલેશન હેઠળ છે. કોંગ્રેસી નેતા ખડગેના સેમ્પલ બુધવારે રૂટિન RT-PCR ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા અને પરિણામ પોઝિટિવ આવ્યા હતા. રાજ્યસભાના વિપક્ષના નેતાના સચિવ રવીન્દ્ર ગરિમેલાએ જણાવ્યું હતું કે, ”શ્રી ખડગે એસિમ્પ્ટોમેટિક છે અને માર્ગદર્શિકા મુજબ હોમ આઇસોલેશન હેઠળ છે. તેમને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. તેઓ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે.” થોડા દિવસો પહેલા ખડગેની દિલ્હી ઓફિસમાં ગરિમેલા સહિત પાંચ સ્ટાફ સભ્યોનો કોરોનાવાયરલ રોગ માટે પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા.

આસામના રાજ્યપાલનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો
આસામના રાજ્યપાલ જગદીશ મુખીને કોવિડ-19 માટેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમ એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, મુખીનો બુધવારે ચેપ માટે પોઝિટિવ પરીક્ષણ કરાયું હતું. ગવર્નરને બુધવારે સાંજે શહેરની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર છે. તેમની પત્નીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તેણી રાજભવનમાં રહે છે.

ઓડિશાના ભાજપના ધારાસભ્યનો ત્રીજી વખત COVID-19 રિપોર્ટ પોઝિટિવ
ઓડિશાના બાલાસોર જિલ્લાના નીલાગિરીના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય સુકાંત નાયકને 18 મહિનાના ગાળામાં ત્રીજી વખત કોરોના થયો હોવાનું ધારાસભ્યએ ગુરુવારે જણાવ્યું હતું. નાયકે જણાવ્યું હતું કે, બુધવારે કોરોનાવાયરસ માટે પોઝિટિવ રિપોર્ટ આવતાં ઘરે જ આઇસોલેટ થઈ ગયા છે. નાયક સૌપ્રથમ જુલાઈ 2020માં કોવિડ-19 અને ફરીથી તે જ વર્ષે સપ્ટેમ્બરમાં સંક્રમિત થયા હતા. નાયકને રસીના બે ડોઝ લીધા હતા. નાયકના સ્વેબ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

Most Popular

To Top