National

PM મોદીની રાજયોના CM સાથે બેઠક: કોરોના સામેની જંગ જરૂર જીતીશું, વિજય એકમાત્ર વિકલ્પ છે

દેશમાં કોરોનાના (Corona) તેમજ ઓમિક્રોનના (Omicron) કેસોમાં થતાં ઉછાળા અંગે અગત્યપૂર્ણ નિર્ણય લેવા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તમામ રાજયના સીએમ (CM) સાથે બેઠક યોજી હતી. આ બેઠક વીડિયો કોન્ફરનસના માધ્યમથી કરવામાં આવી હતી. આ બેઠકમાં દેશમાં કોરોના તેમજ ઓમિક્રોનના કેસોમાં જે ઉછાળો થઈ રહ્યો છે તેનો સામનો કરવા કઈ તૈયારી કરવી તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. મોદીએ બેઠક દરમ્યાન જણાવ્યું કે દેશ આ મહામારી સામે અડીખમ રીતે લડી રહ્યું છે. અગાઉના બે પડાવ પાર કરી હવે ત્રીજા પડાવ સામે લડી આપણે વિજય મેળવીશું. 130 કરોડ તમામ ભારતીયના સામૂહિક પ્રયાસોથી કોરોના સામેની જંગ આપણે ચોક્કસપણે જીતીશું. તેમજ આપણી પાસે વિજય એકમાત્ર વિકલ્પ છે.

આ સાથે મોદીએ જણાવ્યું કે કેન્દ્ર દ્વારા રાજ્યોને ફાળવવામાં આવેલા રૂ. 23,000 કરોડના પેકેજનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણા રાજ્યોએ તેમના સ્વાસ્થ્ય માળખાને આ પેકેજનો ઉપયોગ કરી મજબૂત બનાવ્યું છે. આપણે 100% રસીકરણ ઝુંબેશને વધુ તીવ્ર બનાવવાની છે. રાજ્યો પાસે રસીનો પૂરતો જથ્થો છે. ભારતે લગભગ 92 ટકા પુખ્ત વસ્તીને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે. બીજા ડોઝના કવરેજમાં પણ દેશ લગભગ 70 ટકા સુધી પહોંચી ગયો છે. 10 દિવસની અંદર ભારતે લગભગ 30 મિલિયન કિશોરોને પણ રસી આપી છે.

મળતી માહિતી મુજબ આ બેઠક પછી દરેક રાજયોમાં મુકવામાં આવેલ પ્રતિબંધો વધુ કડક બની શકે તેમ છે. લોકડાઉન પર પણ વિચાર કરવામાં આવી શકે છે. કોરોના અને ઓમિક્રોનના કેસો નવી દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં ઝડપથી વધી રહ્યા છે. આ બેઠક દરમિયાન ઓક્સિજન-સિલિન્ડર, વેન્ટિલેટર, ICU, ઓક્સિજન બેડ સ્થિતિ વગેરે જેવી બાબતો ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સૂત્રોએ આપેલી માહિતી મુજબ અત્યાર સુધી સંસદ ભવનના 718 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. સંસદનાં બંને ગૃહોને અલગ અલગ સમય પર બોલાવવા અંગે વિચારણા કરવામાં આવી હતી. બંને સચિવાલયોને એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે સંસદના બજેટસત્રના આગામી પ્રથમ ભાગમાં ગૃહોને શિફ્ટ મુજબ ચલાવવામાં આવે.

આ અગાઉ રવિવારે PM મોદીએ ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. વીડિયો કોન્ફરન્સિંગની મદદથી કરવામાં આવેલી આ મીટિંગમાં PM મોદીએ બાળકોના વેક્સીનેશનના કામમાં ઝડપ લાવવાનું કહ્યું હતુ. મોદીએ નિર્દેશ આપ્યા હતા કે જે રાજ્યોમાં કોરોનાના વધુ કેસ આવી રહ્યાં છે તે રાજ્યોને ટેક્નિકલ સપોર્ટ આપવામાં આવે.

Most Popular

To Top