National

પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનાઃ ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા, પાંચના મોત, અનેક ઘાયલ

પશ્ચિમ બંગાળના (West Bangal) દોમોહાનીમાં પટનાથી ગુવાહાટી જતી બિકાનેર એક્સપ્રેસના (Guwahati-Bikaner Express) કેટલાક ડબ્બા ગુરુવારે પાટા પરથી ઉતરી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રેનના (Train) પાંચથી છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને પાટા પાસે પલટી ગયા. હાલમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ દરમિયાન એક મુસાફરે (Traveler) જણાવ્યું હતું કે ટ્રેનમાં અચાનક જોરદાર આંચકો આવ્યો હતો, જેના પછી કોચ પલટી ગયા હતા. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકોને ઘાયલ થયા છે. ભારતીય રેલ્વેએ પણ આ દુર્ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. જણાવવામાં આવ્યું છે કે આ અકસ્માત સાંજે 5 વાગ્યાની આસપાસ થયો હતો. આ ઘટનામાં ટ્રેનના લગભગ 12 ડબ્બા પ્રભાવિત થયા હતા. ડીઆરએમ અને એડીઆરએમ અકસ્માત-રાહત ટ્રેન અને મેડિકલ વાન સાથે ઘટનાસ્થળે દોડી ગયા છે.

ટ્રેન નંબર 15633 બીકાનેર એક્સપ્રેસ મંગળવારની રાત્રે રાજસ્થાનના બીકાનેરથી રવાના થઈ હતી. ગુરુવારે સવારે 5.44 વાગ્યે ટ્રેન પટના રેલવે સ્ટેશનથી નીકળી હતી જે બપોરે 2 વાગ્યે કિશનગંજ પહોંચી હતી. અને ત્યાંથી ગુવાહાટી માટે રવાના થઈ હતી. કૂચવિહાર અને જલપાઈગુડી વચ્ચે દોમોહાનીની પાસે માયાનાગોરીમાં તેના 4-5 ડબ્બા ખડી પડ્યા હતા. દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે પરંતુ દુર્ઘટનાની ભયાનકતાને જોતા અનેક લોકો માર્યા ગયા હશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. એક પીડિત યાત્રિકે જણાવ્યું કે, “એકાએકથી ઝાટકો લાગ્યો અને ટ્રેનની બોગી ઊંધી પડી ગઈ. ટ્રેનના 2-4 ડબ્બા સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે.”ઘટના સ્થળે બચાવ અભિયાન શરૂ થઈ ગયું છે. ભારતીય રેલવેએ હેલ્પલાઈન નંબર 8134054999 જાહેર કર્યો છે.

જણાવવામાં આવે છે કે દોમોહાની સ્ટેશનની સૌથી નજીક જલપાઈગુડી છે. અહીંથી રાહત ટ્રેનની સાથે એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી છે. હાલ પોલીસ અને સ્થાનિક લોકો રાહત કાર્યમાં લાગેલા છે. ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મયનાગુરી હોસ્પિટલ અને જલપાઈગુડી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે આ ટ્રેન દુર્ઘટના બની ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા હતા. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ મુખ્યમંત્રીએ અધિકારીઓને બચાવ અને રાહત કાર્ય ઝડપી બનાવવા જણાવ્યું હતું.

Most Popular

To Top