Sports

વિરાટની આરસીબીએ ધોનીની સીએસકેને હરાવી

પુણે : આઇપીએલમાં (IPL) આજે બુધવારે (Wednesday) અહીં રમાયેલી 49મી મેચમાં વિરાટ કોહલી અને ડુ પ્લેસિસની સારી શરૂઆત પછી સીએસકેના સ્પીનરોએ કસેલા ગાળિયા વચ્ચે મહિપાલ લામરોરની 42 રનની ઇનિંગ અને દિનેશ કાર્તિકની અંતિમ ઓવરની આક્રમક ફટકાબાજીથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મૂકેલા 174 રનના લક્ષ્યાંક સામે આરસીબીના બોલરોની અંકુશિત બોલીંગને કારણે ચેન્નાઇ સુપર કિંગ્સ 8 વિકેટે 160 રન સુધી જ પહોંચતા આરસીબીનો 13 રને વિજય થયો હતો.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી સીએસકેને ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોન્વેએ અર્ધશતકીય ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી, જો કે નજીકના હાળામાં તેમણે ગાયકવાડ, ઉથપ્પા અને રાયડુની વિકેટ ગુમાવતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સ્કોર 109 પર પહોંચ્યો ત્યારે કોન્વે પણ 56 રન કરીને આઉટ થયો હતો, મોઇન અલીએ થોડી ફટકાબાજી કરીને આશા જગાવી હતી પણ તે અને ધોની આઉટ થતાં તેમની આશાનો અંત આવ્યો હતો અને અંતે સીએસકે 20 ઓવરમાં 8 વિકેટે 160 રન સુધી પહોંચી હતી.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતેરેલી આરસીબી વતી વિરાટ કોહલી અને ડુ પ્લેસિસે પાવરપ્લેમાં બોર્ડ પર 57 રન મૂકી દીધા હતા. જો કે તે પછી ડુ પ્લેસિસ 38 રન કરીને આઉટ થયો તે પછી મેક્સવેલ પણ માત્ર ત્રણ રન કરીને રનઆઉટ થયો હતો. કોહલી ફરી એકવાર મોઇન અલીનો શિકાર બનીને 30 રન કરીને આઉટ થયો હતો. મહીશ તિક્શાનાએ 19મી ઓવરમાં ત્રણ વિકેટ ઉપાડીને આરસીબીને મોટો ફટકો માર્યો હતો. જો કે કાર્તિકે અંતિમ ઓવરમાં 2 છગ્ગા સાથે 16 રન કરીને ટીમને 173 રન પર મૂક્યું હતું. કાર્તિક 17 બોલમાં 26 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

Most Popular

To Top