ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્ય કાંતે કૃત્રિમ બુદ્ધિ (AI) અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે AI ન્યાયતંત્ર માટે વિકલ્પ નથી, પરંતુ એક સહાયક સાધન છે, જેનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ. તેમણે ન્યાયાધીશો અને ન્યાયિક અધિકારીઓને સલાહ આપી કે તેઓ AI થી ડર્યા વગર, સમજદારીપૂર્વક તેનો ઉપયોગ કરે. કર્ણાટકમાં આયોજિત ન્યાયિક અધિકારીઓની પરિષદમાં બોલતા CJI સૂર્ય કાંતે જણાવ્યું કે ટેકનોલોજી ન્યાયતંત્રમાં ગતિ અને કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ બની શકે છે. પરંતુ સાથે જ તેમણે ભાર મૂક્યો કે ન્યાયના મૂળભૂત સિદ્ધાંતો, માનવ બુદ્ધિ અને અનુભવને કોઈપણ રીતે બદલી શકાય નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે AI નો ઉપયોગ ફક્ત સહાય માટે થવો જોઈએ, અંતિમ નિર્ણય માટે નહીં. જ્યારે જટિલ કેસો સામે આવે છે, ત્યારે માનવીય વિચારશક્તિ, ધીરજ અને અનુભવ ખૂબ મહત્વ ધરાવે છે. AI આ પ્રક્રિયાને સરળ બનાવી શકે છે, પરંતુ નિર્ણય લેવાનો અધિકાર માનવ પાસે જ રહેવું જોઈએ.
CJIએ કહ્યું કે AI ટેકનોલોજી ન્યાયતંત્ર માટે નવી તકો લાવે છે, જેમ કે કાનૂની સંશોધન ઝડપથી કરવું, કેસ મેનેજમેન્ટ સરળ બનાવવું અને મોટા ડેટાનું સંચાલન કરવું. આથી ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી બની શકે છે અને ન્યાયાધીશો પરનો વહીવટી ભાર ઘટી શકે છે. પરંતુ તેમણે ચેતવણી પણ આપી કે AI સાથે કેટલાક જોખમો પણ જોડાયેલા છે. તાજેતરમાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં AI દ્વારા ખોટી માહિતી, ગેરસમજભર્યા ઉલ્લેખો અને કાલ્પનિક કાનૂની તર્ક રજૂ કરવામાં આવ્યા છે. આવી ભૂલો ન્યાયિક પ્રક્રિયાને ખોટી દિશામાં દોરી શકે છે અને પરિણામોને અસર કરી શકે છે. CJI સૂર્ય કાંતે જણાવ્યું કે આ પ્રકારની ભ્રામક માહિતી એ કોઈ નાની ભૂલ નથી, પરંતુ ન્યાયિક પ્રણાલીના આધારભૂત મૂલ્યો માટે ખતરનાક છે. જો આ બાબતો પર ધ્યાન ન અપાય, તો તે ન્યાયની વિશ્વસનીયતા અને પારદર્શિતાને નુકસાન પહોંચાડી શકે છે. પરિષદના અંતમાં તેમણે કહ્યું કે ન્યાયતંત્રનું ભવિષ્ય એ પર આધારિત છે કે તે ટેકનોલોજીને કેટલી સારી રીતે અપનાવે છે, તે પણ પોતાની ઓળખ અને મૂલ્યો જાળવી રાખીને. આ માટે સતત શીખવાની અને જવાબદારીપૂર્વક કામ કરવાની જરૂર છે.