Columns

રશિયાનું સસ્તું ખનિજ તેલ ખરીદી ભારતની કંપનીઓ ભારે કમાણી કરી રહી છે

રશિયાનું યુક્રેન સાથેનું યુદ્ધ યુરોપના દેશોને નડ્યું છે પણ ભારત માટે તે ફાયદાનો સોદો બની રહ્યું છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેની સજા તરીકે અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જેને કારણે યુરોપના દેશોમાં રશિયાના ખનિજ તેલ અને ગેસની નિકાસમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. તેને સરભર કરવા માટે રશિયાએ ભારતની કંપનીઓને ખનિજ તેલના ભાવોમાં લગભગ 25 % જેટલું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી.

ભારતની સરકારી તેમ જ ખાનગી રિફાઇનરીઓ દ્વારા આ ડિસ્કાઉન્ટનો જબરદસ્ત લાભ ઉઠાવાઈ રહ્યો છે. યુક્રેનના યુદ્ધ પહેલા ભારતની 2 % ખરીદી જ રશિયાથી થતી હતી. હવે ભારત પોતાની જરૂરિયાતનું આશરે 20 % ખનિજ તેલ રશિયાથી ખરીદી રહ્યું છે, જે રોજના આશરે 10 લાખ બેરલ જેટલું છે. રિલાયન્સ જેવી કંપનીઓ તો રશિયાનું સસ્તું ખનિજ તેલ ખરીદી, તેમાંથી ડિઝલ છૂટું પાડીને તેની યુરોપના દેશોમાં નિકાસ કરી રહી છે. યુરોપના દેશો રશિયાથી સીધું ડિઝલ મગાવી નથી શકતા. તેનો લાભ ભારતની કંપનીઓ ઉઠાવી રહી છે. ભારતના રશિયા સાથેના વેપારને કારણે અમેરિકાના પેટમાં તેલ રેડાતા તેણે ભારત પર પ્રતિબંધો લાદવાની ધમકી પણ આપી છે.

આ વર્ષના ફેબ્રુઆરી મહિના સુધી ભારતની જરૂરિયાતનું માત્ર 2 % કે 1.20 કરોડ બેરલ ખનિજ તેલ રશિયાથી ખરીદવામાં આવતું હતું. હવે ભારતે 6.65 કરોડ બેરલ ખનિજ તેલ રશિયાથી ખરીદવાનો કોન્ટ્રેક્ટ કરી લીધો છે. આ આંકડો 2022ના માર્ચ અને જુન વચ્ચેનો છે. જો તેમાં જુલાઈના અને ઓગસ્ટના આંકડાઓ ઉમેરવામાં આવે તો 2021ના આખા વર્ષમાં ભારતે આયાત કરેલા ખનિજ તેલ કરતા તે આંકડો વધી જાય છે. રશિયા હવે ભારતનું બીજા નંબરનું ખનિજ તેલ વેચનાર બની ગયું છે. પહેલા નંબરે ઇરાક છે અને ત્રીજા નંબરે સાઉદી અરેબિયા છે. ભારત ઇરાક પાસેથી રોજનું 10.7 લાખ બેરલ અને સાઉદી પાસેથી 7.1 લાખ બેરલ તેલ ખરીદી રહ્યું છે.

ભારતમાં અગાઉ રશિયાનું જે ખનિજ તેલ આવતું હતું, તે સુએઝ નહેરનો આંટો મારીને આવતું હતું. જેને ભારત પહોંચવામાં આગાઉ 10 સપ્તાહ લાગતા હતા. હવે સેન્ટ પિટસબર્ગથી ભારતના ન્હાવા બંદરે ખનિજ તેલ મોકલવાનો નવો રૂટ ખોલવામાં આવ્યો છે, જે માર્ગે રશિયાનું ખનિજ તેલ માત્ર 3 સપ્તાહમાં ભારત પહોંચી જાય છે. ભારતે મે મહિના દરમિયાન રશિયાથી 8.4 લાખ બેરલ ખનિજ તેલ ખરીદ્યું હતું. જુન મહિનામાં તે આંકડો વધીને રોજના 10 લાખ બેરલ પર પહોંચી જાય તેવી સંભાવના છે.

તેની સરખામણીમાં 2021ના એપ્રિલમાં ભારતે રશિયાનું 3.88 લાખ બેરલ પ્રતિદિન અને મેમાં 1.36 લાખ બેરલ ખનિજ તેલ પ્રતિદિન ખરીદ્યું હતું. વર્તમાનમાં ભારત OPECના દેશો પાસેથી જે બ્રેન્ટ ખનિજ તેલ ખરીદે છે, તેનો ભાવ બેરલના લગભગ 120 ડોલર છે. તેની સામે રશિયાનું યુરલ ખનિજ તેલ ભારતને 90 ડોલરના ભાવે પડે છે. ભારતની કંપનીઓ રશિયાનું સસ્તું ખનિજતેલ ખરીદીને મબલખ નફો રળી રહી છે પણ ભારતના નાગરિકોને તેનો લાભ મળતો નથી. રશિયાનું તેલ ભારતની કંપનીઓ માટે લોટરી પુરવાર થઈ રહ્યું છે.

ખનિજ તેલના ટ્રાન્સપોર્ટ બાબતમાં ભારત, રશિયા અને ઇરાન વચ્ચે જે સમજૂતી થઈ છે, તેને કારણે રશિયાનું ખનિજતેલ ઝડપથી ભારત પહોંચી રહ્યું છે. અગાઉ રશિયાના સેન્ટ પિટરબર્ગથી સુએઝ નહેર મારફતે ખનિજ તેલ ભારતમાં મોકલાતુ હતુ. તેને 16,000 Kmનું અંતર કાપવું પડતું હતું. હવે રશિયાનું ખનિજતેલ જમીન માર્ગે ઇરાન મોકલવામાં આવે છે. ત્યાંથી ઇરાનના બંદર અબ્બાસ પરથી તે ભારતના ન્હાવા શેવા બંદરે મોકલવામાં આવે છે. તેણે કુલ 7,000 Kmનું જ અંતર કાપવું પડે છે. ભારત, રશિયા અને ઇરાનની મૈત્રી અમેરિકાની ચિંતા વધારી રહી છે.

રશિયાના ખનિજતેલના બે મોટા ખરીદદારો ભારત અને ચીન છે. વર્તમાનમાં ભારત રશિયાના ખનિજ તેલનું સૌથી મોટું ગ્રાહક બની ગયું છે. રશિયા દ્વારા રોજનું 80 લાખ બેરલ ખનિજ તેલ નિકાસ કરવામાં આવે છે, જેમાંથી ભારતની ખરીદી 10 લાખ બેરલ જેટલી છે. ભારત દ્વારા રશિયાના ખનિજ તેલની જેટલી ખરીદી વધારવામાં આવી તેટલી ચીન દ્વારા વધારવામાં નથી આવી. કારણ કે ચીનનાં અનેક શહેરોમાં કડક લોકડાઉન ચાલી રહ્યું છે. ભારત રશિયા પાસેથી વધુ ખનિજ તેલ ખરીદી રહ્યું હોવાથી તેણે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાત પાસેથી ખરીદી ઓછી કરી કાઢી છે. રશિયાના ખનિજ તેલની અને ગેસની યુરોપ તેમ જ એશિયાના દેશોમાં પણ નિકાસ ચાલુ હોવાથી તેને યુક્રેન સાથેનું યુદ્ધ ચાલુ રાખવાના ચિક્કાર નાણા મળી રહે છે.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેના પ્રથમ 100 દિવસમાં રશિયાએ તેના ખનિજ તેલની અને ગેસની નિકાસ કરીને 97 અબજ ડોલરની કમાણી કરી હતી. રશિયા ભારતને ખનિજ તેલની ખરીદી પર 25 % ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે તો પણ ગયા વર્ષની સરખામણીમાં તેના ભાવ 60 % જેટલા વધારે છે. અમેરિકા દ્વારા રશિયા સામે ઘણા આર્થિક પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા પણ રશિયાના ખનિજ તેલ કે ગેસની ખરીદી પર પ્રતિબંધો લાદવામાં આવ્યા નહોતા. કારણ કે યુરોપના દેશોને રશિયાના તેલ કે ગેસ વગર ચાલતું નથી.

જો શિયાળામાં રશિયા યુરોપના દેશોમાં તેલ કે ગેસ મોકલવાનું બંધ કરી દે તો તેઓ કડકડતી ટાઢનો મુકાબલો કરી શકે તેમ નથી. તેમના ઘરના હીટરો રશિયાના ગેસ પર ચાલે છે. યુરોપના દેશો દ્વારા ઠરાવો કરવામાં આવ્યા છે કે તેઓ આ વર્ષના અંત સુધીમાં રશિયાથી ખનિજ તેલની અને ગેસની આયાત બંધ કરી દેશે. વર્તમાનમાં રશિયા તેના પોણા ભાગના ગેસ અને તેલની નિકાસ યુરોપના દેશોમાં કરે છે. જો યુરોપના દેશો રશિયાનું ઇંધણ ખરીદવાનું બંધ કરી દે તો ભારત અને ચીન તે ખરીદવા તૈયાર જ છે. ભારત અને ચીનના મજબૂત ટેકાને કારણે જ રશિયા અમેરિકા અને યુરોપના દેશો સામે મજબૂત ટક્કર લઈ રહ્યું છે.

ભારતે રશિયાથી વધુ ખનિજ તેલ ખરીદવાનું ચાલુ કર્યું. તેથી રોષે ભરાયેલા અમેરિકાએ ભારતને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘‘યુરોપ અને અમેરિકાના દેશોની પીડાનો લાભ ઉઠાવવાનું બંધ કરો.’’ ભારતે તેનો મજબૂત જવાબ આપતા કહ્યું હતું કે ‘‘અમે અમારા શ્રેષ્ઠ આર્થિક હિતનો વિચાર કરીને જ નિર્ણય કરીએ છીએ. તમારે અમને ઉપદેશ આપવાની જરૂર નથી.’’ રશિયાનું યુક્રેન સાથેનું યુદ્ધ શરૂ થયેલું તે પહેલા વિશ્વના દેશો રશિયા પાસેથી રોજનું 1 કરોડ બેરલ ખનિજ તેલ ખરીદતા હતા.

હવે 4 મહિનાના યુદ્ધ પછી પણ રશિયા રોજનું 80 લાખ બેરલ ખનિજ તેલ વેચી રહ્યું છે, જેનું આશરે 10 લાખ બેરલ તો ભારત જ ખરીદી રહ્યું છે. ભારતની દૈનિક જરૂરિયાત 44 લાખ બેરલ જેટલી છે. જરૂર પડે ભારત હજુ વધુ ખનિજ તેલ રશિયાથી ખરીદી શકે છે. ભારત ઓપેકના દેશોમાંથી જે ખનિજ તેલ ખરીદે છે, તે ડોલરમાં ખરીદવું પડે છ. જ્યારે રશિયા પાસેથી રૂબલમાં ખરીદી કરવામાં આવે છે. રશિયા તો ભારતને રૂપિયામાં પણ ખનિજ તેલ વેચવા તૈયાર છે. કારણ કે રશિયા ભારતમાંથી વિપુલ પ્રમાણમાં આયાત કરે છે. ભારતની જેમ ચીન પણ રશિયાના ખનિજ તેલની રૂબલમાં ખરીદી કરે છે. જો દુનિયાના બધા દેશો આ રીતે ડોલર વગર વેપાર કરતા થઈ જાય તો અમેરિકાનું આર્થિક સામ્રાજ્ય કકડભૂસ થઈ જાય
તેમ છે.

Most Popular

To Top