Gujarat Main

અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં ભ્રષ્ટાચાર દામવા મહેસૂલ મંત્રીની ઓચિંતી મુલાકાત: તપાસના આદેશ

અમદાવાદ પોલિટેક્નિક કેમ્પસમાં આવેલી મહેસૂલ વિભાગની સ્ટેમ્પ ડ્યુટી કચેરી શહેર વિભાગ – ૧માં ભ્રષ્ટાચાર અંગે મળેલી ફરિયાદના પગલે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે આકસ્મિક રૂબરૂ મુલાકાત લઈને તપાસ કરી હતી. ગુજરાત હાઈકોર્ટના વકીલ દ્વારા મળેલી લેખિત ફરિયાદના પગલે મહેસૂલ પ્રધાન દ્વારા ત્વરિત એકશનના ભાગરૂપે કચેરીના અધિકારી-કર્મચારીઓની પૃચ્છા કરી હતી. ગંભીર ફરિયાદ જણાતા મંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ સહિત કોઈ પણ વિભાગમાં ચાલતા કોઇપણ પ્રકારના ભ્રષ્ટાચાર કે ગેરરિતીને ડામવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ક્યાંય પણ આ પ્રકારની ગેરરીતિ અંગેના પુરાવા રજૂ કરવા કરાયેલી અપીલને પગલે અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં હાઈકોર્ટના વકીલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું,

જેમાં કચેરીમાં બહારના માણસો દ્વારા કરાતી લાંચની માંગણીની ઓડિયો ક્લિપ મહેસુલ મંત્રીને સોપવામાં આવી હતી. અનધિકૃત રીતે બહારના માણસો અહીં આવીને બેસીને કામગીરીમાં સામેલ થઈને ભ્રષ્ટાચાર આચરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ભ્રષ્ટાચારના પુરાવા સાથે મળેલી ફરિયાદ માટે જાત તપાસ અર્થે આવેલા મહેસુલ મંત્રીએ તાત્કાલિક અસરથી અધિકારી-કર્મચારીઓ સામે કડક પગલાઓ લેવાની કાર્યવાહી શરૂ કરી હતી.

કચેરીમાં પંકજ શાહ અને રાજુ પરીખનો ગેરકાયદે અડીંગો
મહેસુલ મંત્રીએ ફરિયાદી વકીલને સાથે રાખી આખી ઘટનાનો ચિતાર મેળવ્યો હતો. ત્રિવેદીએ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરી હતી. પુછપરછમાં પંકજ શાહ અને રાજુ પરીખ અનઅધિકૃત રીતે અહીં આવીને બેસતા હોવાની જાણકારી મળી હતી. ત્રિવેદીએ કચેરીના અધિકારી અને કર્મચારીઓ સામે તપાસ કરી કડક કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્યા હતા.

સરકારી કચેરીઓમાં કોઈપણ જગ્યાએ ભ્રષ્ટાચાર કે ગેરરીતિ ચલાવી લેવામાં નહીં : મંત્રી
મંત્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલતી સરકારમાં ભ્રષ્ટાચાર કે ગેરરિતીને ક્યાંય સ્થાન નથી. રાજ્ય સરકાર કોઇપણ વિભાગમા ભ્રષ્ટાચાર ચલાવી લેશે નહિ તથા નાગરિકોને પણ આહવાન કર્યુ હતું કે કોઇપણ સરકારી કચેરીઓમા ભ્રષ્ટાચાર થતો હોય તો તેની માહિતી નિર્ભયપણે આપે. તેની સામે ચોક્કસપણે તપાસ કરાશે તેવો વિશ્વાસ પણ આપ્યો તેમણે આપ્યો હતો.

Most Popular

To Top