Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ : લુણાવાડાના ભાયાસર ગામે આવેલા મારુતિ સુઝુકી કારના શો રૂમની જગ્યા શ્રી સરકાર કરવા કલેક્ટરે હુકમ કરતાં ચકચાર મચી ગઈ છે. આ શોરૂમના માલિક આર બી કાર્સના રમેશભાઈ ભગવાનભાઈ પટેલ દ્વારા રહેણાંક હેતુ માટે બિનખેતી કરાવ્યા બાદ તેના પર વાણિજ્ય કોમ્પ્લેક્સ બાંધી દીધું હતું. આ ઉપરાંત માર્જીન ભંગ સહિતના અન્ય મુદ્દા પણ તપાસમાં ખુલ્યાં હતાં. આથી, કલેક્ટરે હુકમ કર્યો હતો. લુણાવાડાના ભાયાસર ગામે આવેલા મારૂતિ સુઝુકી કારના શો રૂમની કાયદેસરતા સામે રજુઆતો કરવામાં આવી હતી. જેના પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

આ તપાસ દરમિયાન શો રૂમના માલિક એવા રમેશભાઈ ભગવાનભાઈ પટેલના નામે જમીન ચાલતી હતી. તેઓએ 2015માં આ જગ્યા બિનખેતી કરાવવા પ્લાન અને નકશા નગર નિયોજનમાં મંજુર કરાવ્યાં હતાં. જેમાં તેણે રહેણાંક હેતુ દર્શાવ્યો હતો. આ મંજુરી મળ્યા બાદ તેમણે તાલુકા વિકાસ અધિકારી પાસે રહેણાંક હેતુ માટે બિનખેતી કરાવી હતી. જોકે, તેણે રહેણાંક હેતુના બદલે કારના શો રૂમ માટે વાણિજ્ય કોમ્પ્લેક્સ બનાવી દીધું હતું. જોકે, બાદમાં 2016માં તેણે આ જગ્યા વાણિજ્ય હેતુ માટે બિનખેતી કરવા અરજી કરી હતી. પરંતુ મામલતદારે ટાઇટલ ક્લીયર ન હોવાનો અભિપ્રાય આપી અહેવાલ પ્રાંત અધિકારીને મોકલી આપ્યો હતો. તત્કાલિન આસીસ્ટન્ટ કલેક્ટરે આ અહેવાલ આધારે શરતભંગની કાર્યવાહી માટે ફાઇલ કલેક્ટરને મોકલી આપી હતી.

આ અંગે તંત્રએ તપાસ કરતાં કારના શો રૂમની જગ્યા વાણિજ્ય હેતુ માટે બિનખેતી થઇ નથી. તેને હેતુભેર માટે પણ મંજુરી આપવામાં આવી નથી. રાજ્ય ધોરી માર્ગ માટે બાંધકામ રેખા 40 મીટર અને નિયંત્રણ રેખા 75 મીટર હોવી જોઈએ. પરંતુ તે 22.5 મીટર દુર બાંધકામ કર્યું હતું. આમ, રેખા નિયંત્રણ ધારાનો ભંગ થયો છે. કોમન પ્લોટમાં પણ કોઇ પણ પ્રકારની મંજુરી વગર બાંધકામ કરી દેવાયું હતું. આ ઉપરાંત ફાયર એનઓસી પણ લેવામાં આવી નથી. આથી, કલેક્ટરે આ જગ્યા શ્રીસરકાર દાખલ કરવા હુકમ કર્યો છે. સાથોસાથ હુકમમાં જણાવ્યું હતું કે, હુકમની બજવણીના સાત દિવસમાં સવાલવાળી મિલકતનો કબજો સરકાર પક્ષે સંભાળી લેવા મામલતદારને જણાવ્યું હતું. જોકે સામેવાળાનો કબજો ચાલુ રહેશે તો બજાર ભાડુ વસુલવામાં આવશે.

  • તંત્રની વારંવારની નોટીસ છતાં કોઇ જવાબ અપાતો નહતોભાયાસર ગામે કારના શો રૂમના માલિક રમેશભાઈ પટેલને તંત્ર દ્વારા વારંવાર નોટીસ આપવામાં આવતી હતી. શરતભંગની કાર્યવાહી કેમ ન કરવી ? તે અંગે ખુલાસો પણ પુછાયો હતો. પરંતુ તેઓ દ્વારા કોઇ અભિપ્રાય આપવામાં આવતો નહતો. આ ઉપરાંત શ્રીસરકાર કરવા સંદર્ભે અપાયેલી કારણદર્શક નોટીસમાં પણ તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહતાં.
  • શ્રી સરકારની કાર્યવાહી રોકવા હેતુભેર માટે અરજી કરીભાયાસરમાં કારના શો રૂમવાળી જગ્યાને શરતભંગ ગણી શ્રી સરકારની કાર્યવાહી ચાલતી હતી. તે દરમિયાન તેને હેતુફેર કરવા રમેશભાઈ પટેલે અરજી કરી હતી. પરંતુ તે નામંજુર કરવામાં આવી હતી. આમ બે વખત તેમની અરજી નામંજુર કરી હતી.

શ્રીસરકારથી બચવા 110 કર્મચારીની રોજગારીનો પ્રશ્ન ઉઠાવ્યો

ભાયાસરની જગ્યા પર રહેણાંક હેતુના બદલે વાણિજ્ય હેતુ માટે બાંધકામ કર્યા બાદ તેની સામે કાર્યવાહી શરૂ થઈ હતી. આ જગ્યા શ્રી સરકાર કરવા સંદર્ભે અપાયેલી નોટીસના જવાબમાં રમેશભાઈના બદલે તેમનો પુત્ર જીગ્નેસભાઈ પટેલ હાજર રહ્યાં હતાં અને તેઓએ દલીલ કરતાં જણાવ્યું હતું કે, નોટીસ મળતાં સ્વખર્ચે થોડું બાંધકામ તોડી પડાયું છે. સપ્ટેમ્બર-2017માં તાલુકા વિકાસ અધિકારી, લુણાવાડાની કચેરીમાં હેતુફેર માટે કરાયેલી અરજીમાં કોઇ પત્ર ન મળતાં  પરવાનગી મળી ગઇ છે, તેમ જાણી વાણિજ્ય હેતુ માટે ઉપયોગ શરૂ કર્યો હતો. હાલ શો રૂમમાં આશરે 110 કર્મચારીને રોજગારી મળતી હોવાથી ન્યાયના હિતમાં હેતુફેરની પરવાનગી આપવા અને દંડ થશે તો તે ભરવા સહમતિ આપી હતી. જોકે, કલેક્ટરે આ જવાબ માન્ય રાખ્યો નહતો.

To Top