Gujarat

ક્રુડના ભાવમાં ઘટાડો છતાં પેટ્રોલ, ડિઝલ અને સીએનજીના ભાવ વધી રહ્યાં છે : કોંગ્રેસ

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ (BJP) સરકારની સિદ્ધી છે. ક્રુડ ઓઈલના સતત ભાવ ઘટાડોમાં ભાજપ સરકાર પોતાની તિજોરી ભરવામાં મસ્ત અને દેશની જનતા ત્રસ્ત બન્યા છે. ભાજપ સરકારે જાણે ‘લુટતંત્ર’ ચાલતું હોય તેમ નાગરીકોના ખિસ્સામાંથી 28 લાખ કરોડ રૂપિયા લૂંટી લીધા છે.

ભાજપે દેશ અને ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેમ કહી આકરા પ્રહાર કરતા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું હતું કે, છેલ્લા ૮ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલમાં 32 ટકાનો ઘટાડો અને એલપીજીમાં 40 ટકા જેટલો ઘટાડો છતાં સામાન્ય જનતાને ભાવ ઘટાડાનો લાભ આપવામાં આવતો નથી. જૂન ૨૦૨૨થી ક્રૂડ ઓઇલ પ્રતિ લીટર રૂપિયા 57 થી ઘટીને રૂપિયા 39 જેટલું થઈ ગયું. ભાજપ સરકારે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિત અનાજ, દાળ, લોટ, ચોખા, દહી, પનીર, મધ જેવી રોજબરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર આકરો જીએસટી ઝીંકી પ્રજાનું જીવન જીવવું મુશ્કેલી વધારવાનું કામ કર્યું છે. જેના લીધે દેશની 130 કરોડ અને ગુજરાતની 6 કરોડ જનતા મોંઘવારીનાં મારમાં પીસાઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મોંઘવારીને કાબુમાં લેવાને બદલે ભાજપ સરકાર પ્રજા પર આકરાં ટેક્સનો બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે.

ભાજપ સરકાર ઈચ્છે તો પેટ્રોલ-ડીઝલની કીંમતમાં ૧૮ રૂપિયા જેટલો ઘટાડો કરી શકે છે. પરંતુ ભાવ ઘટાડવાને બદલે માત્ર એક જ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૧-૨૨માં કેન્દ્ર સરકારે ૭.૭૪ લાખ કરોડ નાણાં અને રાજ્ય સરકારે ૧.૪ લાખ કરોડ ટેક્સ પેટે ઉઘરાવી લીધા છે. પેટ્રોલ-ડીઝલમાં અસહ્ય ભાવ વધારા પાછળ ભાજપ સરકાર અને કંપનીઓ સુનિયોજિત રીતે નગરિકોનાં ખિસ્સા પર લૂંટ ચલાવી રહી છે. છેલ્લા બે વર્ષમાં તુવેરદાળ અને અડદની દાળનો ભાવ અસહ્ય વધીને રૂ. 110ને પાર થયો છે. 410માં મળતો સિલીન્ડર આજે ડબલથી પણ વધારે ભાવ સાથે 1100માં મળી રહ્યો છે ઉપરથી ગેસ સિલીન્ડરમાં મળતી સબસીડી બંધ કરી દીધી છે. વર્ષ 2014માં પેટ્રોલ પ્રતિ લિટર 64માં મળતું હતું. જેને વધારીને 97 અને ડીઝલ પ્રતિ લિટર 54 રૂપિયે મળતું હતું. જે વધીને 92 રૂપિયા પહોંચાડી દેવામાં આવ્યું છે. જે સીએનજી કોંગ્રેસના શાસનમાં 42 રૂપિયે પ્રતિ કિલો મળતો હતો તે ભાજપ સરકારે 84 રૂપિયા પહોંચાડી દીધો છે. જંગી ભાવવધારાએ જનતાની કમર ભાંગી નાખી છે.

બેંકોમાં વ્યાજના દર ઘટાડો, રૂપિયાનું સતત અવમુલ્યન અને નાગરીકોની આવકમાં ઘટાડોએ ભાજપની ભેટ છે. આર્થિક બદહાલીમાંથી યુવાનોને બચવાની જગ્યાએ ભાજપ સરકાર પોતાના ઉદ્યોગપતી મિત્રોનું લાખો કરોડો રૂપિયાનું દેવું માફ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ગરીબ-શોષિત-વંચિત સહિત તમામ વર્ગને આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં ઘટાડાનો લાભ સત્વરે આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

Most Popular

To Top