Gujarat

અ, બ, ક અને ડ વર્ગની નગપાલિકામાં ચીફ ઓફિસરની અધ્યક્ષતાની સમિતિને ફાયનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરવાનો નિર્ણય

ગાંધીનગર: રાજ્યના નગરો-મહાનગરોમાં ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવાના વિકાસ કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે નગરપાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો અને તેને ફાયનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરવાનો (નાણાંકીય સત્તા સોપવાનો) નિર્ણય રાજય સરકારે કર્યો છે. રાજ્યના નગરો-મહાનગરોમાં થતાં વિકાસ કામોમાં ગતિ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે.

વિકાસકામો માટે નગરપાલિકાને ફાળવાતી ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાં પ્રાદેશિક કમિશ્નરની અધ્યક્ષતાની સમિતિ પાસે ફાયનાન્સિયલ પાવર હોવાથી ક્યારેક સ્થાનીક સ્તરે વિકાસકામો માટે નાણાં ફાળવણીમાં વિલંબ પણ થતો હોવાની રજુઆતો મુખ્યમંત્રી સમક્ષ આવી હતી. મુખ્યમંત્રી પટેલે આ પ્રશ્નના સમાધાન માટે, સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા સ્થાનિક સ્તરે ઝડપી અને પારદર્શી વહીવટની નેમ સાથે, દરેક નગરપાલિકામાં ચીફ-ઓફિસરની અધ્યક્ષતામાં સમિતિ રચવાનો અને તેને ફાયનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરવાનો (નાણાંકીય સત્તા સોપવાનો) નિર્ણય કર્યો છે.

તેમના આ નિર્ણય મુજબ, ‘અ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા ૫૦ લાખ, ‘બ’ વર્ગની નગરપાલિકાની સમિતિને ૪૦ લાખ, ‘ક’ વર્ગની નગરપાલિકાની સમિતિને ૩૦ લાખ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા ૨૦ લાખ સુધીના પાવર્સ ડેલીગેટ કરવાનો નિર્ણય કર્યો છે.

Most Popular

To Top