VIRAL

#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા

#unfollowragahvchadha સોશિયલ મીડિયા પર કેમ ટ્રેન્ડ કરી રહ્યું છે? કારણ છે, આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં રાઘવ ચઢ્ઢા જોડાયા એની અસર એમના સોશિયલ મીડિયા પર જોવા મળી. ભાજપમાં જોડાયાના માત્ર 24 કલાકમાં જ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અંદાજે 10 લાખ (1 મિલિયન) ફોલોઅર્સ ઘટી ગયા છે. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં અને ખાસ કરીને યુવા વર્ગમાં ચર્ચા જગાવી છે. આંકડાઓ મુજબ, શુક્રવારે રાઘવ ચઢ્ઢાના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 14.6 મિલિયન ફોલોઅર્સ હતા, પરંતુ શનિવારે આ સંખ્યા ઘટીને 13.5 મિલિયન થઈ ગઈ. આટલો મોટો ઘટાડો ખૂબ જ ઓછા સમયમાં થવો, તે તેમના નિર્ણય પર લોકોની પ્રતિક્રિયા દર્શાવે છે.

રાઘવ ચઢ્ઢાએ માત્ર પોતે જ ભાજપમાં જોડાયા નથી, પરંતુ પોતાના સાથે આમ આદમી પાર્ટીના છ રાજ્યસભાના સાંસદોને પણ ભાજપમાં લઈ ગયા છે. આ કારણે આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, આ નિર્ણયથી યુવાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને Gen Z તરીકે ઓળખાતા યુવા વર્ગે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઘણા યુઝર્સે તેમને ‘અનફોલો’ કરવાનું શરૂ કર્યું અને #UnfollowRaghavChadha હેશટેગ પણ ટ્રેન્ડ થવા લાગ્યો. આ હેશટેગ પર 45000થી વધુ પોસ્ટ થઈ હોવાનું કહેવાય છે.

સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે, ‘એક સમય હતો જ્યારે તમે ભાજપની ટીકા કરતા હતા, હવે તમે એ જ પાર્ટીમાં જોડાયા છો.’ અન્ય એક યુઝરે કહ્યું કે, ‘આ નિર્ણયથી તમારું ઈમેજ ખરાબ થયું છે.’ કેટલાક લોકો તો તેમને પોતાની નવી પાર્ટી બનાવવાની સલાહ પણ આપી રહ્યા હતા. તો કેટલાકે કહ્યું કે તમે અમારા રોલ મોડેલ હતા, અમે તમને ઉભરતા ભારતના યંગ પીએમ તરીકે જોવા માંગતા હતા, પણ તમે તો અમારું દિલ તોડી નાખ્યુ મિ. ચઢ્ઢા.

રાઘવ ચઢ્ઢાએ રાજકારણમાં યુવા નેતા તરીકે પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. તેઓ રાજ્યસભામાં સામાન્ય લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવતા હતા, જેના કારણે યુવાનોમાં તેમની સારી લોકપ્રિયતા હતી. પરંતુ અચાનક પાર્ટી બદલવાના તેમના નિર્ણયથી ઘણા લોકો આશ્ચર્યચકિત થયા છે. એવું પણ જાણવા મળ્યું છે કે તેમણે પોતાના સોશિયલ મીડિયા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા કેટલાક જૂના વીડિયો ડિલિટ કરી નાખ્યા છે. આ પગલાએ પણ લોકોમાં વધુ શંકા અને ચર્ચા જગાવી છે.

રાજકારણમાં પક્ષ બદલવો સામાન્ય બાબત છે, પરંતુ આજના ડિજિટલ યુગમાં તેનો સીધો અસર સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. ફોલોઅર્સની સંખ્યા હવે કોઈ પણ નેતાની લોકપ્રિયતાનું એક મહત્વપૂર્ણ માપદંડ બની ગઈ છે. તેથી, આ પ્રકારનો મોટો ઘટાડો રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવે છે. આજના સમયમાં યુવાનો રાજકારણને ખૂબ નજીકથી ફોલો કરે છે અને પોતાના વિચારો સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ વ્યક્ત કરે છે. હવે જોવાનું રહેશે કે રાઘવ ચઢ્ઢા આ સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે અને શું તેઓ ફરીથી પોતાની લોકપ્રિયતા પાછી મેળવી શકે છે કે નહીં.

Most Popular

To Top