Sports

ઓસ્ટ્રે્લિયાના માજી વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન માઇકલ ક્લાર્કને તેની ગર્લફ્રેન્ડે માર માર્યો, વીડિયો વાયરલ

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના માજી વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન માઈકલ ક્લાર્કને તેની ગર્લફ્રેન્ડે જાહેરમાં માર માર્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે. અનુભવી ક્રિકેટર અને કોમેન્ટેટર ક્લાર્ક પર તેની ગર્લફ્રેન્ડ જેડ યારબ્રો દ્વારા બેવફાઈનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં માઈકલ ક્લાર્ક અર્ધ નગ્ન હાલતમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ઘણી ગાળો બોલાઇ રહી છે. જેમાં તેની ગર્લફ્રેન્ડ ક્લાર્કને તમાચો મારતી જોવા મળે છે. ડેઈલી ટેલિગ્રાફે ક્લાર્ક અને જેડ યારબ્રો વચ્ચેની બોલાચાલીનું વિગતવાર કવરેજ આપ્યું છે.

ગર્લફ્રેન્ડ યારબ્રો, ગર્લફ્રેન્ડની બહેન જેસ્મિન અને તેના પતિ સાથે માઇકલ ક્લાર્ક રજા ગાળવા ગયો ત્યારનો આ વીડિયો છે. આ ચારેય એક રેસ્ટોરન્ટમાં ડીનર માટે ગયા હતા અને ત્યાં વિવાદ શરૂ થયો હતો. વીડિયોમાં કુલ ત્રણ લોકો દેખાય છે અને તેમની વચ્ચેની વાતચીત સાંભળવા મળે છે. જેડ યારબ્રો ક્લાર્ક પર બેવફાઇનો આરોપ મૂકે છે, જેને માઈકલ ક્લાર્ક નકારે છે અને તે પોતાની પુત્રીના સોગંદ ખાઈને પોતાને નિર્દોષ સાબિત કરવાની મથામણ કરતો જોવા મળે છે. વીડિયોના અંતે ક્લાર્ક તેની ગર્લફ્રેન્ડની બહેનને મુક્કો મારે છે. આખા વીડિયોમાં ક્લાર્ક અર્ધનગ્ન હાલતમાં જોવા મળે છે. ફુટેજ સામે આવ્યા બાદ ક્વીસલેન્ડ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ગુરૂવારે કહ્યું હતું કે તેઓ ઘટનાની તપાસ કરી રહી છે. ક્લાર્ક 41 વર્ષનો છે અને તેની ગર્લફ્રેન્ડ 30 વર્ષની છે.

માઇકલ ક્લાર્કનું અંગત જીવન ઘણી ઉથલપાથલથી ભરેલું છે
વર્લ્ડકપ વિજેતા ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન માઇકલ ક્લાર્કનું નામ સૌથી પહેલા મોડલ લારા બિંગલની સાથે જોડવામાં આવ્યું હતું. 2007માં બંનેએ ડેટિંગ શરૂ કર્યું હતું. વર્ષ 2010માં બિંગલના શાવરવાળા ફોટાઓ સોશિયલ મીડિયામાં લીક થયા બાદ ક્લાર્ક અને બિંગલ 2010માં અલગ થઈ ગયા. 2012માં ક્લાર્કે કાઇલી બોલ્ડીની સાથે લગ્ન કર્યા. કાઇલી બોલ્ડી સિડનીના વેસ્ટફીલ્ડ્સ સ્પોર્ટ્સ હાઈમાં ક્લાર્કની ક્લાસ મેટ રહી ચુકી હતી. કાઇલી અને ક્લાર્કે 2015માં એક સાથે બાળકને આવકાર્યું હતું. પરંતુ 2020માં બંનેએ છુટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ ક્લાર્કે ફેશન ડિઝાઇનર પિપ એડવર્ડ્સને ડેટ કરવાનું શરૂ કર્યું, પરંતુ બંને જલદી અલગ થઈ ગયા હતા.

Most Popular

To Top