Sports

પ્રથમ સેમીફાઇનલ: ન્યૂઝીલેન્ડ ICC ઇવેન્ટમાં પાકિસ્તાન સામેનો ઇતિહાસ બદલવા માગશે

સિડની : કાગળ પર ખૂબ જ મજબૂત દેખાતી ન્યૂઝીલેન્ડની (New Zealand) ટીમે આવતીકાલે બુધવારે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલમાં અણધાર્યા પાકિસ્તાન (Pakistan) સામે મેચ રમવા ઉતરશે ત્યારે તેઓ ઇતિહાસ બદલવાના ઇરાદાથી મેદાને પડશે. પાકિસ્તાનની સેમિફાઇનલ સુધીની સફર અપ અને ડાઉન રહી છે, જો કે ન્યૂઝીલેન્ડે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરીને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને આયર્લેન્ડને હરાવીને ગ્રુપ-1માં ટોચ પર રહીને અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે.
સુપર 12માં ભારત અને ઝિમ્બાબ્વે સામે હાર્યા બાદ બાબર આઝમની ટીમ સ્પર્ધામાંથી આઉટ મનાતી હતી, પરંતુ નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને તેમને જીવતદાન આપ્યું હતું. પાકિસ્તાન તે પછી બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. હવે આ બધુ ઈતિહાસનું પુનરાવર્તન જેવું લાગે છે કારણ કે પાકિસ્તાન 1992ના વન ડે વર્લ્ડકપમાં માંડ માંડ સેમીફાઈનલમાં પહોંચ્યું હતું જ્યાં તેણે ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું અને અંતે ટાઇટલ જીત્યું હતું.

ભૂતકાળનો ઈતિહાસ પાકિસ્તાનની તરફેણમાં છે કારણ કે જ્યારે પણ તેઓ વર્લ્ડકપની સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડનો સામનો કરે છે ત્યારે તેઓ જીત્યા છે. પાકિસ્તાને 1992 અને 1999 ODI વર્લ્ડ કપ અને 2007 T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. એ પણ કોઈ રહસ્ય નથી કે ન્યૂઝીલેન્ડ મર્યાદિત ઓવરોની ટૂર્નામેન્ટની મોટી મેચોમાં સારું પ્રદર્શન કરી શક્યું નથી. તેણે છેલ્લા ચાર વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ ક્યારેય ટાઇટલ જીત્યું ન હતું. ન્યુઝીલેન્ડ સાત વર્ષમાં 2015 અને 2019માં વન ડે અને 2021માં ટી-20 વર્લ્ડકપ એમ ત્રણ વર્લ્ડકપ ફાઇનલમાં હારી ગયું છે.

પાકિસ્તાનના ટોપ ઓર્ડરનું પ્રદર્શન ખાસ ન હોવાથી કીવી ટીમ તેમને શરૂઆતથી દબાણમાં લેવા માગશે
પાકિસ્તાનના બેટ્સમેનોએ અત્યાર સુધી રન બનાવવા માટે સંઘર્ષ કર્યો છે. કેપ્ટન બાબર રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે જ્યારે મહંમદ રિઝવાન પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો નથી. બાંગ્લાદેશ સામે 128 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે પણ તેને સંઘર્ષ કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉથી એ જ મેદાન પર પાછા ફરશે જ્યાં તેમણે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાના ટોપ ઓર્ડરને પછાડ્યા હતા. કેન વિલિયમસનની આગેવાની હેઠળની ટીમ પાકિસ્તાનને શરૂઆતમાં આંચકા આપીને તેના પર દબાણ લાવવાનો પ્રયાસ કરશે.

પાકિસ્તાનની બોલિંગ પણ મજબૂત છે પણ કીવી ટીમના બેટ્સમેનો પણ ફોર્મમાં હોવાથી મુકાબલો રસપ્રદ બનશે
પાકિસ્તાનની મજબૂત બાજુ તેની બોલિંગ પણ છે, જો કે તેઓ માંડ માંડ સેમીમાં પ્રવેશ્યા છે ત્યારે આવતીકાલની સેમીફાઇનલમાં તેમના ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી અને હરિસ રઉફની ભૂમિકા મહત્વની બની રેહશે. આ તરફ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોમાં ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ અને સુકાની કેન વિલિયમસન સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાને સાબિત કરવું પડશે કે સેમિફાઇનલ સુધીનો તેમનો પ્રવાસ માત્ર સંયોગ નહોતો.

ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમ પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર એકબીજાની સામે
ટી-20 વર્લ્ડકપની પહેલી સેમીફાઇનલમાં આવતીકાલે બુધવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે, ત્યારે એવું પહેલીવાર બની રહ્યું છે કે જ્યારે ઓસ્ટ્રેલિયાના કોઇ મેદાન પર કોઇપણ ફોર્મેટમાં આ બંને ટીમ એકબીજાનો સામનો કરશે. આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ એકબીજાની સામે 6 મેચ રમ્યા છે, જેમાંથી 4 પાકિસ્તાને જ્યારે 2 મેચ ન્યૂઝીલેન્ડે જીતી છે. ઓવરઓલ ટી-20ની વાત કરીએ તો બંને વચ્ચે કુલ 28 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ છે, જેમાંથી પાકિસ્તાને 17માં જ્યારે ન્યૂઝીલેન્ડે 11માં જીત મેળવી છે.

ટી-20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ ત્રણવાર સેમીમાં પહોંચ્યું પણ તેમાંથી માત્ર એકવાર ફાઇનલ રમ્યું
ન્યૂઝીલેન્ડની ટીમ ટી-20 વર્લ્ડકપમાં ત્રણવાર સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચુક્યું છે, જો કે આ ત્રણમાંથી તે માત્ર એકવાર ગત વર્ષે ભારતની યજમાનીમાં યુએઇમાં રમાયેલા ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યાં પણ તે ટાઇટલ જીતી શક્યું નહોતું. આઇસીસી ઇવેન્ટની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે 8 વાર વન ડે વર્લ્ડકપની સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, જેમાંથી તે માત્ર બે વાર ફાઇનલમાં પહોંચ્યું હતું પણ એકેય વાર તે ટાઇટલ જીતી શક્યું નહોતું.

Most Popular

To Top