National

દેશમાં કોરોનાના નવા કેસો એક લાખને પાર ગયા, મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૩૩.૦૬ ટકાનો ઉછાળો

નવી દિલ્હી: દેશમાં (India) કોરોના (Corona) વાયરસના (Virus) રોગચાળાનું ત્રીજું મોજું વેગ (Third Wave) પકડવા માંડ્યું છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ જણાવતા હતા કે છેલ્લા ૨૪ કલાકમાં ૯૦૯૨૮ નવા કેસો નોંધાયા હતા, જો કે દેશના વિવિધ રાજ્યોમાંથી મળેલા આંકડાઓ પછી ગુરુવારે રાત્રે ૮ વાગ્યા સુધીમાં દેશભરમાં એક દિવસના નવા કેસનો આંકડો ૧ લાખ, ૭ હજાર ૮૪૮ નવા કેસ નોંધાયો છે. આમાંથી અડધો અડધ આંકડા તો મહારાષ્ટ્ર અને દિલ્હીના મળીને જ થઇ જાય છે. દેશમાં ત્રીજા મોજામાં પ્રથમ વખત નવા દૈનિક કેસો એક લાખને પાર ગયા છે. દેશમાં ગુરુવારે ૨૯૬૭પ દર્દીઓ સાજા થયા હતા, જ્યારે ૨૯૦ દર્દીના જીવ આજે ગયા હતા. દેશમાં એક્ટિવ કેસો એટલે કે સારવાર હેઠળના દર્દીઓનો આંકડો વધીને ૩ લાખ પ૭ હજાર ૩૬૪ થયો છે.

દેશમાં આજે ઓમિક્રોનના નવા કેસો ૪૯પ નોંધાયા હતા જે સાથે કોરોના વાયરસના આ નવા વેરિઅન્ટના કુલ નોંધાયેલા કેસો દેશમાં વધીને ૨૬૩૦ પર પહોંચ્યા છે. આમાંથી સૌથી વધુ કેસો ૭૯૭ મહારાષ્ટ્રમાં છે, જેના પછી ૪૬પ કેસો સાથે દિલ્હીનો ક્રમ આવે છે. ગુજરાતમાં આ નવા વેરિઅન્ટના ૨૦૪ કેસો છે.

દિલ્હીમાં કોરોનાવાયરસમાં ઉછાળો : 15097 નવા કેસ, પોઝિટિવિટી 15.34%

જંગી ઉછાળા સાથે દિલ્હીમાં ગુરુવારે 15,097 નવા કોવિડ કેસ નોંધાયા છે જે 8 મે 2021 પછીનો સૌથી વધુ એક દિવસમાં વધારો છે અને 6નાં મોત નીપજ્યા છે જ્યારે પોઝિટિવ કેસનો દર વધીને 15.34 ટકા થયો હોવાનું શહેરના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

સત્તાવાર પ્રાપ્ત આંકડાઓ અનુસાર રાજધાની દિલ્હીમાં ગુરુવારે નોંધાયેલા નવા કેસોની સંખ્યા આગલા દિવસના આંકડા કરતાં 41 ટકા વધુ છે. બુધવાર અને મંગળવારે, 10,665 અને 5,481 કેસ નોંધાયા હતા. જે અનુક્રમે 11.88 ટકા અને 8.37 ટકાના પોઝિટિ દર સાથે નોંધાયા હતા. જ્યારે ગુરુવારે નોંધાયેલા દૈનિક કેસોની સંખ્યા 15,097 હતી. એટલે કે, પોઝિટિવ કેસનો દર 15.34 ટકા પર પહોંચી ગયો હતો. આ દૈનિક વધારો 8 મે, 2021 પછી સૌથી વધુ છે.

મુંબઇમાં કોવિડના ૨૦૦૦૦થી વધુ નવા કેસ

મુંબઇમાં કોવિડ-૧૯ના ૨૦૧૮૧ના નવા કેસો આજે નોંધાયા હતા, જે એક દિવસ અગાઉના આંકડા કરતા પ૦૧૫ કેસો અથવા ૩૩.૦૬ ટકા વધુ છે, જે સાથે એક જ દિવસના નવા કેસોનો નવો ઉંચો આંક સર્જાયો છે, જ્યારે કે આજે વધુ ચાર દર્દીઓ આ રોગને કારણે મૃત્યુ પામ્યા હતા એક બૃહદ મુંબઇ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું.

આ નવા કેસોના ઉમેરા સાથે દેશના આ નાણાકીય પાટનગરમાં કોરોનાવાયરસનો આંકડો વધીને ૮પ૩૮૦૩ પર પહોંચ્યો છ, જ્યારે તેનાથી કુલ મૃત્યુઆંક વધીને ૧૬૩૮૮ થયો છે એમ બીએમસીએ એક બુલેટિનમાં જણાવ્યું હતું. બુધવારે, મુંબઇમાં કોરોનાવાયરસના ચેપના નવા ૧૫૧૬૬ કેસો નોંધાયા હતા, જેણે ૪ એપ્રિલ, ૨૦૨૧નો ૧૧૧૬૩નો ઓલ-ટાઇમ હાઇનો આંક વટાવ્યો હતો. જો કે આ વિક્રમ આજે બીજા જ દિવસે તૂટી ગયો હતો. મંગળવારે મુંબઇ મહાનગરમાં ૧૦૮૬૦ નવા કેસો નોંધાયા હતા.

આજે જે ૨૦૧૮૧ નવા કેસો નોંધાયા છે, તેમાંથી ૮પ ટકા અથવા ૧૭૧૫૪ કેસો લક્ષણ વગરના છે અને ફક્ત ૧૧૭૦ દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે અને ફક્ત ૧૦૬ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે એમ બુલેટિન જણાવે છે. બુલેટિન જણાવે છે કે કોવિડ-૧૯ના કેસોનો વૃદ્ધિ દર ૩૦ ડિસેમ્બર, ૨૦૨૧થી લઇને પ જાન્યુઆરી, ૨૦૨૨ વચ્ચે વધીને ૦.૯૯ ટકા થયો છે. દરમ્યાન, ઝૂંપડપટ્ટીઓથી ભરેલા અને ગીચ વસ્તીવાળા ધારાવી વિસ્તારમાં આજે કોરોનાવાયરસના ૧૦૭ નવા કેસો નોંધાયા હતા, જે આ રોગચાળો શરૂ થયો ત્યારથી અત્યાર સુધીનો અહીંનો સૌથી ઉંચો આંક છે. અગાઉનો રેકોર્ડ ૮ એપ્રિલ, ૨૦૨૧નો ૯૯ કેસોનો છે. મહારાષ્ટ્રમાં આજે નવા ૩૬૨૬૫ કેસો નોંધાયા જે અગાઉના દિવસ કરતા ૩૬ ટકા વધુ છે. અને 13નાં મોત થયાં હતાં.

Most Popular

To Top