Dakshin Gujarat

હાંસોટમાં વેપારીના ઘરમાંથી લૂંટ કરી ભાગી રહેલા 6 લુંટારુઓને પોલીસે ફિલ્મ ઢબે દબોચ્યા

હાંસોટ: (Hansot) હાંસોટના ઈલાવ ગામે ઘરમાલિકને બાંધીને મારમારી એક લાખ રૂપિયાની મત્તા લૂંટી (Loot) ભાગી જતાં છ લુંટારુને હાંસોટ પોલીસે (Police) ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા હતા. મોડી રાત્રે બેથી અઢી વાગ્યાના સમયગાળામાં છ લુંટારુએ કરિયાણાના વેપારીના ઘરમાં (Traders House) ઘૂસી આતંક મચાવ્યો હતો.

  • ઈલાવમાં ઘરમાલિકને બંધક બનાવી 1 લાખની લૂંટ
  • મોડી રાત્રે બેથી અઢી વાગ્યાના સમયગાળામાં છ લુંટારુએ કરિયાણાના વેપારીના ઘરમાં ઘૂસી આતંક મચાવ્યો
  • લૂંટ કરી ફરાર થઈ ગયેલા લુંટારુઓને હાંસોટ સર્કલ ઉપર નાકાબંધી કરી દબોચી લેવાયા

પ્રાપ્ત માહિતી અનુસાર હાંસોટ તાલુકાના ઈલાવ ગામે ભાથીજી મંદિર સામે રહેતા લાદુમલ કેસરીમલ શાહ કરિયાણાનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત મોડી રાત્રે આશરે બેથી અઢી વાગ્યાના સમયગાળામાં છ જેટલા લુંટારુ વેપારીના ઘરની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાલિક લાડુમલ કેસરીમલ તથા તેમનાં પત્ની કિરણબેનને દોરડા વડે બાંધી માર માર્યો હતો. બાદ ગળામાંથી સોનાની ચેઈન, દોઢ તોલા, અડધા તોલાની કાનની બુટ્ટી તથા કબાટ તોડી 1500 રૂપિયાના સિક્કા તથા કુલ રોકડા 11 હજાર મળી આશરે એક લાખ રૂપિયાની મત્તાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.

આથી તુરંત તેમણે હાંસોટ પોલીસને જાણ કરતાં પી.આઈ. વાઘેલા, પો.કો. ભૂરાભાઈ તથા ડ્રાઈવર આશિષ હાંસોટ સર્કલ ઉપર બેરેક ગોઠવી નાકાબંધી કરી જી.જે. 16 સી.એચ. 1679 નંબરની ગાડી સાથે હાંસોટ સર્કલ પર પોલીસે તપાસ કરતાં છ જેટલા લુંટારુ (1) અજય રૂમાલ માવી, (2) બીપીન રાવજી માવી (બંને રહે.,ચન્દ્રવાના, દાહોદ, જિ.દાહોદ), (3) રોહિત સુલિયા સંઘાડા (રહે.,ભીતોડી, દાહોદ, જિ.દાહોદ), (4) વિનુ કમજી ડામોર (રહે.,કઠણ, દાહોદ), (5) દિનેશ દીતા મેદા પાદરધોસા (રહે., જામવા, મધ્ય પ્રદેશ) અને (6) મનગુ ઉર્ફે માંગુ ઉર્ફે ફરીગા ડામોર (રહે.,કથલા, દાહોદ)ને પકડી વધુ તપાસ હાથ ધરી છે.

આમોદ તાલુકાની સીમમાં મગર જોવા મળતા ગભરાટ
આમોદ તાલુકાના કાંકરીયા તેમજ માનસંગપુરાની સીમમાં મગર જોવા મળતા પશુપાલકો તેમજ ખેતમજૂરોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. આમોદ તાલુકાના કાંકરીયા તેમજ માનસંગપુરાની વચ્ચે ઇકબાલ અરજીતસિંહ રાણાના ખેતરમાં ગતરોજ સાત ફૂટ લાંબો મગર જોવા મળતા પશુપાલકો તેમજ ખેતમજૂરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જે બાબતે લોકોએ આમોદના વનવિભાગને ખેતરમાં મગર હોવાની જાણ કરતાં આમોદ વનવિભાગના અધિકારીઓ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારે તેમની ટીમ સાથે સ્થર ઉપર પહોચી ખેતરમાં આવી ગયેલા મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો. ત્યાર બાદ મગરને આમોદ ખાતે લાવી સલામત સ્થળે છોડવાની તજવીજ હાથધરી હતી.

Most Popular

To Top