Comments

10માંની પરીક્ષામાં આંશિક પાસ વિદ્યાર્થીનો પ્રેરણાદાયી વકતાઓ માટેનો પત્ર

સાહેબ શ્રી,
તાજેતરમાં જ રાજ્ય પરીક્ષા બોર્ડના પરિણામ આવ્યા. 12માં સામાન્ય પ્રવાહનું તો એટલું મોટુ રીઝલ્ટ આવ્યું કે બોર્ડને આશ્વાસન આપવું પડે, પણ 10માંનું રિજલ્ટ માફકસરનું આવતા નપાસ અને નબળા પરિણામવાળા વિદ્યાર્થીઓને આશ્વાસન આપવા અનેક લેખ અને વક્તવ્ય વહેતા થયા . આડકતરી રીતે વિદ્યાર્થીના વાલીઓને ખરખરો કરતા આ પ્રોત્સાહક લેખો, પ્રવચનો સાભળીને આ પત્ર હું લખું છું. કારણ કે આની અમને વિદ્યાર્થીઓને જરૂર નથી. ખાસ તો નપાસ થતા, તદ્દન નબળું પરિણામ લાવતા, રખડેલ, માથા ફરેલ વિદ્યાર્થીઓને તો આની જરૂર જ નથી હોતી. હા, આનો થોડો ઘણો લાભ. સારું, પણ ધર્યા કરતા ઓછું અને ખાસ તો વિદ્યાર્થીની ધારણા મુજબનું પણ માબાપની અપેક્ષા કરતા ઓછું પરિણામ લાવનારાને થાય છે, પણ વ્યાપક રીતે આની કોઈ જરૂર નથી. હું તાજેતરમાં જ દસમાની પરીક્ષામાં આંશિક રીતે પાસ થયો છું. 7માંથી 4 વિષયમાં પાસ થયો છું. 3માં નપાસ એમ નથી લખ્યું. એ જ બતાવે છે કે હું કેટલો પોઝીટીવ અભિગમ રાખુ છું.

આમ તો બાળક શાળામાં મૂકો ત્યારથી પરીક્ષા અને પરિણામ દર વર્ષે આવે જ, પણ માબાપ ધ્યાન માત્ર બોર્ડની પરીક્ષા વખતે જ રાખે. દહીં ખવડાવી, શુકન કરવવાના જાહેર કાર્યક્રમો માત્ર બોર્ડની પરીક્ષામાં જ થાય. પરીક્ષા પહેલા અને પરિણામ પછી વિદ્યાર્થીઓને આશ્વાસન આપવના, હિમ્મત આપવાના અને “આ પરીક્ષા કાંઈ જીવનની છેલ્લી પરીક્ષા નથી” – એવું સમજાવવાના પ્રયત્નો પણ ત્યારે જ થાય. સગા – વ્હાલા, વડીલો, શિક્ષકો, સંતો, નેતાઓ, વક્તાઓ બધા જ આ મોકાનો લાભ ઉઠાવે છે. પોતે જ્યારે બોર્ડમાં હતા ત્યારે પોતાના પરિણામને બતાવી નહીં શકેલા અથવા યોગ્ય ઠેરવી નહી શકેલા પણ અત્યારે એ જ નબળા પરિણામો ગર્વભેર જાહેર કરે છે અને વિદ્યાર્થીઓને કહે છે કે જુઓ હું ડોબો હતો તો પણ ક્યાંથી ક્યાં પહોચ્યો! તો તમે તો કઈ પણ કરી શકો તેમ છો. હવે આમ તો આ નબળેશોની હિમ્મત જ અમારા નબળા પરિણામોથી ખુલી છે. ખરી પ્રેરણા અને પ્રોત્સાહનની એમને જરૂર હતી.

ખરું પૂછો તો વિદ્યાર્થી અત્યારે જે ભણાવાય છે, જે રીતે ભણાવાય છે તે ભણવા જ નથી માગતો. પરીક્ષા તેને તો આપવી જ નથી. જે કાંઈ ઉધામા છે તે તો માબાપ, સગાવહાલા અને સમાજ – દેશને છે. એટલે અમને પરિણામથી કોઈ ફેર નથી પડતો. તમે સર્વે કરો. 80 થી 90 % છોકરા નાપાસ થયા પછી દુ:ખી નથી થતા. જો એમના માબાપ ધબ્બા ના મારે, તેમને ઉતારી ના પાડે, જાહેર નિસાસાના નાખે, પોતાના ગયા જન્મના કર્મોને ના કોસે તો અમને પરિણામનું દુ:ખ નથી થતું. પછી ડગલે ને પગલે આ પરિણામના મ્હેણા – ટોણા સાંભળવા પડે છે. બધાની વચ્ચે ઉતારી પાડવામાં આવે છે, તેનું દુખ હોય છે. એટલે તે માટે શિખામણ સમાજને આપો, વાલીઓને આપો, અમને નહી. મારો આભાર માનો કે અમે નબળા પરિણામવાળા ભેગા થઇને સારા પરિણામ મેળવનારાને “તારા લીધે અમારે સાંભળવું પડે છે” કહીને ઢીબી નાખતા નથી.

સાહેબ, હું વિજ્ઞાન અને ગણિતમાં નપાસ છું. કારણ મેં એમની ઈચ્છા મુજબનું ના લખ્યું. અમારા સાહેબે ક્લાસમાં ભણાવ્યું કે ગતિના નિયમ ન્યુટને આપ્યા અને આજ સાહેબ એક વક્તવ્યમાં બોલ્યા કે ભારતમાં આ બધા નિયમ હજારો વર્ષ પહેલા શોધાયા છે. એટલે મને થયું કે સાહેબ પોતે જ કન્ફયુઝ છે, તો આપડે તેમનો વિશ્વાસ શા માટે કરવો? મેં મારા ગતિના નિયમ શોધ્યા અને લખ્યા પણ મને ચોક્કસ ખાતરી છે કે પેપર તપાસનારા જૂની ચોપડીઓને વળગી રહ્યા હશે. નવા જ્ઞાનથી દુર હશે અને મારા જવાબ પર ચોકડી મારી હશે. એમાં મારે નિરાશ થવાની જરૂર નથી. ઘુવડને સૂર્યનો ઇનકાર કરવાનો હક્ક છે!

સાહેબ, મારી બાજુમાં લખી રહે છે. એની મા 5 ઘરના કચરા – પોતા કરે છે. લખી એને મદદ કરે છે. આ લખી નપાસ થઇ તો મને કહે, ‘સારું થયું. 10મામાં જ નપાસ થઇ. 10મું પાસ થઇ કચરા – પોતા કરીએ તો ચાલે. કોલેજ કર્યા પછી પણ કચરા – પોતા જ કરીએ તો કેવું લાગે! બોલો આને જરૂર છે કોઈના આશ્વાસનની? છાપામાં સમાચાર આવ્યા છે, રીક્ષાવળાની છોકરીને બહુ માર્ક આવ્યા છે. એ રીક્ષાવાળાના ઘરમાં 3 દિવસથી કોઈ ઊંઘયું નથી. કારણ ટકા ઓછા આવે અને અગાળ ભણી ના શકાય ને તો પરિણામનો વાંક કાઢી શકાય. ઊંચા ટકા આવ્યા પછી, આગળ ભણવાના ખર્ચના કારણે ના ભણાયને તેનું દુ:ખ જ અલગ હોય છે.

જો કે આ તો આડા પાટે વાત જતી રહી, પણ મુળ વાત એ કે અમે નીરાશ નથી નાસીપાસ નથી. તમે લખો છો કે આ પરીક્ષામાં નપાસ થયા તો શું થયું? આ જીવનની છેલ્લી પરીક્ષા નથી. તો આમાં નવું શું છે? અમે જાણીએ છીએ કે આ છેલ્લી પરીક્ષા નથી. પાસ થયા એ આગળ ભણશે અને અનેક પરીક્ષા આપશે. નાપાસ થશે તે 2 – 3 ટ્રાયલ આપશે. ખબર જ છે મારા નસીબમાં કેટલા ધબ્બા અને નિસાસા લખ્યા છે. તમે ઉદાહરણ આપો છો કે નીચા પરિણામ મેળવનારા જ આગળ જતાં બહુ મોટા પદો પર બેઠા મોટા ઉદ્યોગ ધંધાના માલિક બન્યા, અમને ખબર જ છે, નબળાઓ જ મોટા સ્થાનો પર ચડી બેઠા છે – “જે ના ભણે તે સ્ટીવ જોબ બને ને ભણે તે તેને ત્યાં જોબ કરે” આ વાક્ય અમારા જેવા રખડેલા એ જ રમતું મૂક્યું છે. તમને ખબર છે, અમે પાસ ના થઈને મેરીટની માથાકૂટ થોડી હળવી કરી છે.

મિત્ર મનસુખને એક ધબ્બામાં જ પત્યું અને લક્ષ્મણના બાપા તો રાજી જ થયા કે હું જ નથી ભણ્યો તો આ શું ભણવાનો હતો. છગનભાઈ એ તો નક્કી જ કર્યું હતું કે રણજીત નપાસ થાય કે પાસ 10માં પછી દુકાને બેસવાનું. ભાવેશને એના બાપાએ પાસ કરાવી જ દીધો છે, એટલે એનું પરિણામ પહેલેથી ખબર જ હતી. વેશાલીને ભણવું હતુ, પણ માબાપે શરત રાખી હતી કે તું પાસ થઈશ તો જ આગળ ભણવાનું બાકી સાસરે. બસ, આ એક દુ:ખી છે, જેને તમારા લેખ કોઈ મદદ કરી શકત નહીં. તો પ્લીઝ… સમજો કોંગ્રેસની જેમ અમને પણ પરિણામોની ખબર જ હોય છે. માટે સલાહની જરૂર નથી. તમે 92 % ધાર્યા હોય અને 89 % આવ્યા હોય તેને રડતા જોયા હશે, પણ બધામાં નપાસ હોય તેને રડતાં નહિ જોયાં હોય!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top