Business

શું રિટર્ન ફાઈલ કરવાની મુદ્દત લંબાવવામાં આવશે? આવકવેરા વિભાગે કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જો તમારે ટેક્સ (Tax) ભરવાનો છે અને હજુ સુધી તમે ITR ફાઈલ નથી કર્યું તો આ કામ તરત જ કરી લો. જો તમે છેલ્લી તારીખ પછી ITR ફાઇલ કરો છો, તો તમારે દંડ (penalty) ભરવો પડશે. તેથી આવકવેરા વિભાગ દ્વારા (Income Tax Department) ટેક્સ ભરનારાઓને સમયસર ITR ફાઇલ કરવા માટે સતત કહેવામાં આવી રહ્યું છે. લોકોને અપેક્ષા છે કે સરકાર દર વખતની જેમ આ વર્ષે પણ સમયમર્યાદા (ITR Filing Deadline Extension) વધારશે. આ અંગે આવકવેરા વિભાગ દ્વારા ટ્વીટર પર પોસ્ટ મુકી સ્પષ્ટતા કરવામાં આવી છે. જાણો આઈટીએ શું પોસ્ટ કરી છે…

31 જુલાઈ સુધીમાં લગભગ સાત કરોડ ITR ફાઈલ કરવાના છે, પરંતુ 28 જુલાઈ સુધી આંકડો 5 કરોડ સુધી પણ પહોંચ્યો ન હતો. આવી સ્થિતિમાં છેલ્લા બે દિવસમાં રિટર્ન ફાઇલિંગ પોર્ટલ પરી સાઈટ પર ઘણો લૉડ વધી શકે છે અને તેના કારણે સિસ્ટમ ધીમી પડી શકે છે. સમયસર ITR ફાઇલ કરવાના ઘણા ફાયદા છે. જો તમારે રિફંડ લેવાનું થાય તો તમે જેટલી જલ્દી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરશો તેટલું જલ્દી તમને રિફંડ પણ મળશે.

તારીખ લંબાવવામાં આવશે નહીં
ઈન્કમટેક્સ ઈન્ડિયા દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે 28 જુલાઈ 2022 સુધી 4.09 કરોડથી વધુ લોકોએ આઈટીઆર ફાઈલ કર્યું હતું. 28 જુલાઈના રોજ 36 લાખથી વધુ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા હતા. અસેસમેન્ટ વર્ષ 2022-23 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2022 છે.

કેટલો દંડ થશે
ઈન્કમ ટેક્સ ઈન્ડિયાએ તેના ટ્વીટમાં સ્પષ્ટ કર્યું છે કે 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કરો જેથી તમારે મોડા દંડ ભરવા ન પડે. મતલબ કે 1 ઓગસ્ટથી ITR ફાઈલ કરશો તો તમારે તેના માટે દંડ ભરવો પડશે. તમે 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઇલ ભરીને દંડ ભરવામાંથી બચી શકો છો. જો તમે છેલ્લી તારીખ પછી રિટર્ન ફાઇલ કરશો જેમકે 5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી આવક પર 1,000 રૂપિયાની લેટ ફી વસૂલવામાં આવશે. 5 લાખથી વધુ આવક માટે લેટ ફી 5,000 રૂપિયા હશે. આ રકમ 10,000 રૂપિયા સુધી જઈ શકે છે. ટુંકમાં આ ટ્વીટ કરી આવકવેરા વિભાગે એ સ્પષ્ટ કરી દીધું છે કે આ વર્ષે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની મુદ્દતમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

તમારું પોતાનું આવકવેરા રિટર્ન ફાઇલ કરો
ITR ભરવા માટે તમારે યૂઝર આઈડી અને પાસવર્ડની મદદથી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર લોગ ઈન કરવું પડશે. આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવા માટે, તમારે પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, રોકાણની વિગતો અને ફોર્મ 16 અથવા ફોર્મ 26ASની જરૂર પડશે.

Most Popular

To Top