Gujarat

હોસ્પિટલો- મેડીકલ સ્ટોર્સ પર નથી ત્યારે પાંચ હજાર રેમડેસિવિરનો જથ્થો ભાજપ પાસે આવ્યો કેવી રીતે?

AHMADABAD : કોરોનાના ( CORONA ) દર્દીનો જીવ બચાવવા માત્ર છ ઈંન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેરના સંપર્કો અને રઝળપાટ કરતા લોકોને રેમડેસિવિર મેળવવા મુશ્કેલ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આ ઇન્જેકશનનો જથ્થો ખૂટી પડ્યો છે . રિપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહીં એવી સ્થિતિમાં સી.આર.પાટીલ ( C R PATIL ) પાંચ હજાર ઈન્જેકશન ( INJECTION ) કયાથી લાવ્યાં ? તેવો સવાલ કોંગ્રેસે ઉભો કર્યો છે.


પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ( JAYRAJSINGH PARMAR ) જણાવ્યું હતું કે, વેકસિન પેજ પ્રમુખો અને ભાજપ કાર્યકરો દ્વારા અપાવવાના રાજકીય પ્રયાસ બાદ સી.આર.પાટીલનો ( C R PATIL ) કોવિડ મેનેજમેન્ટ હસ્તગત કરવાનો બીજો ઘૃણાસ્પદ પ્રયાસ છે. પ્રજાને સીધો સંદેશ છે કે તમારો જીવ હવે ભાજપ જ બચાવી શકશે મેડિકલ સ્ટોર્સ કે દવાખાના નહીં. આખી સિસ્ટમને અને લોકોના જીવને બાનમાં લેવાનો આ પ્રયાસ ગેરકાયદેસર અને અમાનવીય છે.

હજી ગઈ કાલે જ રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલથી ખાનગી દવાખાનાઓને અપાતો રેમડેસિવિરનો સપ્લાય બંધ કર્યો છે, ત્યારે આ સપ્લાય સીધો ભાજપ કાર્યાલય ખાતે તો નથી કરી દીધો ને ? આ શંકા થવી સ્વાભાવિક છે. શું ડોક્ટરોએ પણ હવે તેમના દર્દીને મેડિકલ સ્ટોર્સના બદલે કમલમ મોકલવા પડશે ? ત્રીસ વરસના શાસન બાદ જે રીતે માત્ર સાડા ચાર હજાર કેસમાં જ ગુજરાતનું આરોગ્ય તંત્ર લાચાર અને વિવશ બન્યુ છે. તેના પર કામ કરવાના બદલે ભાજપ રાજકીય લાભ શોધવાના તરકટ કરી રહી છે. જયરાજસિંહે વધુમાં કહ્યું હતુ કે માત્ર સુરતમા જ કેમ ? શું પાટીલ માત્ર સુરત ભાજપના જ પ્રમુખ છે ? પાટીલએ સેવા કરવી હોય તો આખાય ગુજરાત ભાજપના તમામ કાર્યાલયો પરથી રેમડેસિવિર મફત વહેંચવા જોઈએ.

મુખ્યમંત્રી રેમડેસિવિર પુરા પાડવામાં નિષ્ફળ ગયા, તે પાટીલ ભાઉએ સાબિત કર્યું : શક્તિસિંહ ગોહિલ

તો વળી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલે એકલાએ જ 5000 રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો મેળવીને સાબિત કરી દીધું કે વિજય રૂપાણી ( VIJAY RUPANI ) રેમડેસિવિર ઈન્જેકશન પૂરા પાડવામાં નિષ્ફળ નિવડ્યા છે, તેવું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે (SHAKTISINGH GOHIL ) કહ્યું હતું.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, જો કોઈ ભાજપના નેતા મુખ્યમંત્રી કરતાં વધારે વગદાર હોય, હજારો ઇન્જેક્શન લાવી શકતા હોય તો, તેમણે સરકારને પૂરા પાડવા જોઈએ અને સરકારે મફતમાં વિતરણ કરવું જોઈએ. શક્તિસિંહ ગોહિલ સરકારને વેધક પ્રશ્ન કર્યો હતો કે રાજકીય પાર્ટીઓ દ્વારા ઇન્જેક્શનો આપવાના હોય તો ભાજપ સિવાય અન્ય પાર્ટીઓને પણ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવશે ? ગોહિલે વધુમાં એવું પણ કહ્યું હતું કે આ ઇંજેક્શનની યોગ્ય જાળવણી અને યોગ્ય રીતે વિતરણ કરવામાં આવે તે જરૂરી છે.

Most Popular

To Top