Dakshin Gujarat

પલસાણા હાઈવે પર ડિવાઈડર સાથે બાઈક ભટકાતાં યુવકનું મોત, પત્ની ઘાયલ

પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના વણેસા ગામે (Village) રહેતા પતિ-પત્ની બાઇક લઇ સોયાણી ગામના કટ પાસેથી પસાર થતાં હતાં ત્યારે બમ્પ નજીક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઈક (Bike) ડિવાઈડર સાથે ભટકાઈ હતી. ગંભીર ઈજાઓને પગલે બાઈકચાલક પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

  • પલસાણા હાઈવે પર ડિવાઈડર સાથે બાઈક ભટકાતાં યુવકનું મોત, પત્નીને ઈજા
  • ભાણેજ માટે છોકરી જોઈ પરત ફરતી વેળા તરાજ ગામની સીમમાં અકસ્માત
  • બમ્પનું ધ્યાન નહીં રહેતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો

મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના વણેસા ગામે ગૌચર ફળિયામાં રહેતા કલ્પેશભાઇ ઈશ્વરભાઇ રાઠોડ (ઉં.વ ૩૫) પોતાના પત્ની રમીલાબેન સાથે મિત્રનું બાઇક નંબર જીજે ૧૯ એસી ૨૫૨૭ લઇ તેમના ભાણેજ માટે છોકરી જોવા માટે પલસાણા તાલુકાના લીંગડ ગામે ગયા હતાં. ત્યાંથી ઘરે પરત ફરતી વખતે તરાજ ગામની સીમમાં હજીરાથી ધુલીયા જતાં નેશનલ હાઇવે ૫૩ ૫૨ રોડનું કામ ચાલું હતું. તે સમયે પૂરઝડપે બાઇકને હંકારતા, આગળ બમ્પનું ધ્યાન નહીં રહેતાં બાઇકના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બાઇક રોડની સાઇડે ડિવાઇડર સાથે અથડાઈ હતી. કલ્પેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની રમીલાબેનને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પલસાણા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

બારડોલી સુગર ફેક્ટરીના કોમ્પ્યુટર ઓપરેટરનું અકસ્માતમાં મોત
બારડોલી: બારડોલીના મોતા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બારડોલી સુગર ફેક્ટરીના કોમ્યુટર ઓપરેટરનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી તાલુકાના મોતા ગામના નિશાળ ફળિયામાં રહેતા અનિલભાઈ ભાઈચંદભાઈ પટેલ બારડોલી સુગર ફેક્ટરીની જનરલ ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હતા. રવિવારે અનિલભાઈ પોતાની મોટરસાઇકલ નં.(જીજે 19 કે 7622) લઈને બારડોલી કામ અર્થે ગયા હતા. સાંજે સાત વાગ્યાના અરસામાં પરત ફરતી વખતે મોતા ગામની સીમમાં જોધલપીર મંદિર પાસે અજાણ્યા વાહને તેમની મોટરસાઇકલને અડફેટે લીધી હતી. ઇજાગ્રસ્ત અનિલભાઈને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામ આવ્યા હતા. જ્યાં તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top