National

દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી, પૂર્વ અને ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી: હીટવેવની આગાહી

નવી દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો ત્યારે હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આગામી ચાર દિવસમાં પૂર્વ ભારતના ભાગોમાં અને આગામી બે દિવસમાં દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં હીટ વેવની સ્થિતિ રહેશે. દેશની રાજધાનીમાં સતત બીજા દિવસે પણ હિટવેવની સ્થિતિ ચાલુ રહી હતી, અહીંના અમુક હવામાન સ્ટેશનો પર મહત્તમ તાપમાન સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ નોંધાયું હતું. સફદરજંગ પર મહત્તમ તાપમાન 40.6 ડિ.સે.. નોંધાયું હતું જે સામાન્ય કરતા 4 ડિગ્રી વધુ છે. બુધવારે વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદથી ગરમીમાં રાહત મળવાની આશા છે, એમ હવામાન ખાતાએ કહ્યું હતું. ગંગેટીકના પશ્ચિમ બંગાળ અને બિહારમાં ચાર દિવસ સુધી હીટ વેવની સ્થિતિ જોવા મળી શકે છે. સિક્કિમ, ઓડિશા અને ઝારખંડમાં પણ આગામી બે-ત્રણ દિવસમાં હીટ વેવની સ્થિતિ જોવા મળી શકે છે.

17 એપ્રિલે પંજાબ અને હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ વિસ્તારોમાં 18 એપ્રિલે સમાન સ્થિતિની અપેક્ષા છે. પૂર્વી ઉત્તર પ્રદેશ પણ 18-19 એપ્રિલે અતિશય ગરમીથી પ્રભાવિત થઈ શકે છે, એમ ભારતીય હવામાન ખાતાએ (આઈએમડી) જણાવ્યું હતું. ગંગેટીક પશ્ચિમ બંગાળમાં છેલ્લા છ દિવસથી, તટીય આંધ્ર પ્રદેશમાં ચાર દિવસથી અને બિહારમાં ત્રણ દિવસથી હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપના પગલે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોમાં મંગળવારથી વધતા તાપમાનમાંથી થોડી રાહત આપશે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં 18થી 20 એપ્રિલે છુટાછવાયા વરસાદની શક્યતા છે. 18 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર અને લડાખના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદની અપેક્ષા છે.

આવનારા બે-ત્રણ દિવસોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં છુટાછવાયો કરાનો તોફાન આવી શકે છે. મેદાની વિસ્તારમાં ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ, કાંઠાકીય વિસ્તારમાં ઓછામાં ઓછું 37 ડિગ્રી સે. અને પર્વતીય વિસ્તારમાં 30 ડિ.સે. તાપમાન હોય ત્યારે હીટ વેનની સ્થિતિ ગણાય છે. આ મહિનાની શરૂઆતમાં હવામાન ખાતાએ આગાહી કરી હતી કે ઉત્તર-પશ્ચિમ વિસતાર સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલથી જૂન સુધી મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. રાજસ્થાનના ચુરુમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે રાજ્યમાં સૌથી વધુ છે. પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા સરકારે હિટવેવની સ્થિતિને જોતા શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને એક અઠવાડિયા સુધી બંધ રાખવાના આદેશ આપ્યા છે.

Most Popular

To Top