Gujarat

રાજ્યના ગરીબ આદિવાસી વિસ્તારના હજારો પરિવારોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના લાભ નહી મળે

અમદાવાદ: રાજ્યમાં કોઈ પણ પ્રકારના આર્થિક સર્વે (Economic Survey) વગર આદિવાસી વિસ્તારમાંથી ૮૩,૫૫૬ એનએફએસએ કાર્ડ કમી કરવાની તજવીજ કરવામાં આવી છે. ગરીબ વંચિત આદિવાસીઓને અન્ન સુરક્ષાના કાયદાથી શા માટે વંચિત રાખવામાં આવી રહ્યા છે? શું કામ એનએફએસએ કાર્ડને કમી કરવાનો ફતવો બહાર પાડવામાં આવી રહ્યો છે ? ૭૫-૨૫નો રેશિયો કયાં આધારે નક્કી કરવામાં આવ્યો છે? જો આમ કરવામાં આવશે તો, આદિવાસી વિસ્તારના ૮૩,૫૫૬ પરિવારો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના (National Food Security Act) લાભથી વંચિત રહી જશે. ભાજપ (BJP) સરકાર અતિ ગરીબ આદિવાસી લોકોના અન્ન કોળીયો છીનવીને પાપ કરી રહી છે, તેવું પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું.

પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, યુપીએની કોંગ્રેસ સરકાર દ્વારા અતિ ગરીબ વંચિત વર્ગના પ્રજાજનો ભૂખ્યા ના ઊંઘે, તેમને અન્ન સુરક્ષા યોજના હેઠળ અનાજ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી હતી, પણ ભાજપાની સરકારને માત્ર પોતાના ઉદ્યોગપતિ મિત્રો વ્હાલા છે અને તેમને દેશની અતિ ગરીબ વંચિત વર્ગના લોકોની ચિંતા નથી.

મામલતદાર દ્વારા દુકાન ધારકોને દબાણ કરી નામ કમી કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, તો મામલતદાર જ જાહેર કરે આ એનએફએસએ કાર્ડ કયાં આધારે કમી કરવામાં આવી રહ્યા છે ? રાજ્યના ગરીબ આદિવાસીઓને અન્ન સુરક્ષાથી શું કામ વંચિત રાખવામાં આવી રહ્યા છે ? ગુજરાત રાજ્યના ગરીબ આદિવાસી લોકોના અધિકારો ઉપર તરાપને સાંખી લેવાય નહીં. આ નિર્ણયથી ૧૧ જિલ્લા અને ૩૦ થી પણ વધુ તાલુકાઓના ૮૩,૫૫૬ પરિવારો ઉપર સીધી અસર પડશે. આ નિર્ણયથી અતિ ગરીબ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ યોજનાના લાભથી વંચિત રખાશે. આ ગરીબ લોકોના અન્નનો કોળીયો છીનવી સરકાર ગરીબ આદિવાસી લોકોને ભુખ્યા સુવડાવવાનું પાપ કરી રહી છે.

ડાંગ જિલ્લામાં ૭,૫૯૫, નર્મદા જિલ્લામાં ૭,૪૭૦ જેટલા અન્ન સુરક્ષાના કાર્ડ બંધ કરી દેવાશે. શેહરા તાલુકામાં ૬,૨૭૫, ઘોઘંબામાં ૫,૨૨૯, કપરાડામાં ૭,૩૫૪, ધરમપુરમાં ૪,૯૬૧ પરિવારો અન્ન સુરક્ષા કાનૂનથી વંચિત રખાશે. ભાજપા સરકારના આ કૃત્યથી ગુજરાત રાજ્યના ૫ લાખથી વધુ લોકો પર અસર થશે.

Most Popular

To Top