Dakshin Gujarat

યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું, બાળકના જન્મ પછી એવું તે શું થયું કે સગીરાએ મોતને વ્હાલું કર્યું

ડેડિયાપાડા: ડેડિયાપાડાના (Dediyapada) સોલિયા ગામે (Solia Village) સગીરા સાથે પ્રેમસંબંધ (Love Affair) રાખી દુષ્કર્મ આચરીને ડિલિવરી થયા બાદ યુવાને કહ્યું કે “તું બીમાર જેવી દેખાય છે. તને હું અમારા ઘરે રાખવાનો નથી.” આ વાત સાંભળીને સગીરાના પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય એમ ઝેરી દવા ગટગટાવી ગઈ હતી. દવા પી જતાં સગીરાનું સારવાર દરમિયાન મોત (Death) નીપજતાં પરિજનોમાં માતમ છવાઈ ગયો હતો.ડેડિયાપાડાના સોલિયા ગામે રહેતો ઇન્દ્રમણી દલસુખ વસાવાએ ગામની જ ૧૪ વર્ષ, ૮ મહિનાની સગીરા સાથે પ્રેમસંબંધ થઇ ગયો હતો. બાદ સગીરા પર યુવાન ઇન્દ્રમણી વસાવાએ દુષ્કર્મ આચરતાં સગીરાને ગર્ભ રહી ગયો હતો.

અપશબ્દો બોલી સગીરાને કાઢી મૂકી હતી
ડિલિવરી કરાવતાં દીકરીને જન્મ આપતાં આજે લગભગ છ મહિનાની થઇ છે. બાદ પ્રેમી યુવાન અવારનવાર સગીરાને કહેતો હતો કે “તું બીમાર જેવી દેખાય છે. જેથી હું તને અમારા ઘરે રાખવાનો નથી. તારી દીકરીને અહીં મૂકી જવી હોય તો મૂકી જા.” આમ કહીને અપશબ્દો બોલી સગીરાને કાઢી મૂકી હતી. આથી તા.૧૪ સપ્ટેમ્બરે બપોરે સગીરા પિયરમાં જ ઝેરી દવા ગટગટાવી જતાં જમીન પર ઢળી પડી હતી. નાજૂક સ્થિતિમાં સારવાર માટે રાજપીપળા ખાતે લઇ જતાં સગીરાનું મોત નીપજ્યું હતું. આ બાબતે સગીરાના પિતાએ ડેડિયાપાડા પોલીસમાં ફરિયાદ આપતાં ઇન્દ્રમણી વસાવા વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા આપતાં તેમજ પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઓલપાડના કનાજમાં ડમ્પરના ડ્રાઇવરનું કરંટ લાગતાં મોત
ટકારમા, દેલાડ: મૂળ ઉત્તરપ્રદેશના ફતેહપુરના વતની મહેન્દ્ર સુરજબલી (ઉં.વ.૩૮) ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતા હતો. ગત બુધવારે હાઇવા ડમ્પર હંકારી સાંજે-૫ કલાકના સુમારે ઓલપાડના કનાજથી વડોદ ગામ તરફ જવાના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કનાજ ગ્રા.પં. કચેરી અને કોમ્યુનિટી હોલ વચ્ચેના રોડ પરથી પસાર થતો ડિશ કનેક્શનનો વાયર હાઇવા ટ્રકની આગળના ભાગે આવી ગયો હતો. જેથી હાઇવાનો ડ્રાઇવર મહેન્દ્ર હાઇવાની કેબિનમાંથી બહાર નીકળી ડિશ કનેક્શનનો વાયર દૂર કરવા હાઇવા ડમ્પર ઉપર ચઢ્યો હતો. આ ડિશ કનેક્શનનો વાયર દૂર કરતી વખતે ત્યાં રોડ પરથી પસાર થતી હાઇ ટેન્શનની વીજ લાઇન સાથે તેનો હાથ ભૂલથી અડી જતાં તેને જોરદાર ઝટકા સાથે વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ ઓલપાડ પોલીસમથકના અ.હે.કો.શૈલેષ ગુમાન કરી રહ્યા છે.

Most Popular

To Top