Dakshin Gujarat

વાપીમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી ગળે ટુંપો દઈ મારી નાંખનાર નરાધમને ફાંસીની સજા

વલસાડ: (Valsad) વલસાડના ઔદ્યોગિક વિસ્તાર વાપીમાં 9 વર્ષની માસૂમ બાળાને એકલતાનો લાભ લઇ તેની સાથે દુષ્કર્મ અને સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરનાર નરાધમ યુવક વિરૂદ્ધ વાપીની સેસન્સ કોર્ટમાં (Court) કેસ ચાલ્યો હતો. આ કેસ રેર ઓફ ધ રેર ની કેટેગરીમાં આવતો હોય એવા સંજોગોમાં આરોપીને ફાંસી સિવાયની અન્ય સજા કરી શકાય જ નહી, એવી દલીલ ડીજીપી અનિલ ત્રિપાઠીએ કરી હતી. જેને ગ્રાહ્ય રાખી પોક્સો એક્ટના સ્પેશ્યલ જજ (Judge) કે. જે. મોદીએ આરોપીને ફાંસીની સજાનો હુકમ કરતો ચૂકાદો આપ્યો હતો.

  • વાપીમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા
  • પોકસોના કેસમાં વલસાડ જિલ્લાની વાપી સ્પેશીયલ કોર્ટનો ફાંસીની સજા કરતો પ્રથમ ઐતિહાસિક ચુકાદો
  • રેર ઓફ ધ રેર કેસની કેટેગરીમાં આરોપીને ફાંસી સિવાય કોઇ સજા કરી નહી શકાય એવી ડીજીપીની દલીલ

આ કેસની વિગત એવી છે કે, મૂળ બિહાર અને કામધંધા અર્થે વાપીના ગીતાનગર વિસ્તારમાં ચાલમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની અને એક પુત્ર નોકરી કરતા હતા. જ્યારે તેની 9 વર્ષની પુત્રી ધો.4 માં અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતી હતી. જેની સ્કૂલ 2 વાગ્યે છૂટતી હતી અને ત્યારથી સાંજે 7 વાગ્યા સુધી તે પોતાના ઘરે એકલી રહેતી હતી. તેનું આ શિડ્યુલ જાણનાર અને તેના નજીક રહેતી આશાદેવી નામની મહિલાનો ભાણિયો પ્રદીપ રાજેશ્વર ઉર્ફે રાજેન્દ્ર શાહ (ગુપ્તા) એ આ બાળકીની એકલતાનો લાભ લઇ તેણી જ્યારે ટીવી જોતી હતી, એ સમયે તેના ઘરમાં ઘુસ્યો હતો.

ત્યારબાદ પ્રદીપે ટીવીનો અવાજ વધારી તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ તેમજ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય પણ કર્યું હતુ. જોકે, ત્યારબાદ તેણે બાળકીને ગળે ટુંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પંખા પર લટકાવી દીધી હતી. આ બનાવ પછી તે ભાગી ગયો હતો. જેને પોલીસે તપાસ કરી ગત 10/02/2020ના રોજ શોધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પ્રદીપ વિરૂદ્ધ વાપીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં તેને હત્યાની કલમ 302 હેઠળ ફાંસીની સજા, દુષ્કર્મની પોક્સો એક્ટ હેઠળ પણ ફાંસીની સજા તેમજ રૂ. 10 હજારના દંડ ની સજા ફટકારતો હુકમ જજે કર્યો હતો.

દુષ્કર્મ બાદ ઘટનાને આપઘાતમાં ખપાવવાનો પ્રદિપનો પ્લાન
પ્રદીપે માસુમ બાળકીને પીંખી નાખ્યા બાદ તેના પોતાના ગુના પર પડદો પાડવા તેણે બાળકીને ગળે ટુંપો દઇ તેની હત્યા કરી હતી. ત્યારબાદ બાળકીએ ફાંસો ખાધો હોય એ રીતે તેને પંખાના હુક પર દુપટ્ટા વડે લટકાવી દીધી હતી. જોકે, પોસ્ટ મોર્ટમમાં ગળે ટુંપો દઇ હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતુ. આ સાથે ચાલીના લોકોએ પ્રદિપને ત્યાંથી જતો જોયો હતો. જેનાથી આખો ગુનો ઉકેલાયો હતો.

બાળકીના પિતાએ જ પ્રદીપને નોકરી અપાવી હતી
બળાત્કારી અને હત્યારો પ્રદીપ તેની માસી આશાદેવીને ત્યાં રહેવા આવ્યો ત્યારે તેની પાસે નોકરી ન હતી. જેને દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીના પિતાએ જ નોકરી અપાવી હતી. બાળકીના પિતાનો આ ઉપકાર પણ હેવાન પ્રદિપ ભુલી ગયો અને તેણે અધમ કૃત્ય કરી નાખ્યું હતું. આ ઘટનાના પગલે પ્રદિપ પર સ્થાનિકોએ ભારે ફિટકાર વરસાવી રહ્યાં છે.

ભોગ બનનારના માતા-પિતાને રૂ. 17 લાખના વળતરની ભલામણ
વાપીના પરિવારની 9 વર્ષની બાળકી સાથે થયેલી આ ઘટનામાં જજે પોતાના હુકમમાં જણાવ્યું કે, પરિવારે 9 વર્ષની પુત્રી ગુમાવી છે. તેમને વિક્ટીમ કોમ્પેનસેશન સ્કીમ હેઠળ વધુમાં વધુ ઠરાવેલ મર્યાદા મુજબ દુષ્કર્મ અને હત્યા બંનેના મહત્તમ વળતર મુજબ રૂ. 17 લાખ વળતર પેટે મળી રહે એવી ભલામણ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને કરી છે.

Most Popular

To Top