Vadodara

પીએમને ન મળી શકતા કોર્પોરેટરો નારાજ

વડોદરા : આજવા સરોવરના કાઠે આજે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ભગવાન સત્યનારયણની કથા કરવામાં આવી.જેમાં મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર મંદાબહેન જોશી, ચેરમેન સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પાણી પુરવઠા સમિતિના ચેરમેન મનીષ પગાર સહિત નગર સેવકો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજવા સરોવર ખાતે પરંપરાગત રીતે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવી. જેમાં યજમાન પદે મેયર ઉપસ્થિત રહ્યા જ્યારે પાણી પુરવઠા ના ચેરમેન મનીષ પગારના હશે સમગ્ર પૂજન થયું હતું.

ત્યારબાદ તમામ મહાનુભાવોના હસ્તે આજવા સરોવરમાં શ્રીફળ પધરાવવામાં આવ્યા હતા.દર વર્ષે ચોમાસાના પ્રારંભમાં ભગવાન વરુણદેવને રીઝવવા સત્યનારાયણની કથા કરવામાં આવે છે. આ કથા દરમિયાન સૌ પ્રાર્થના કરે છે કે ચોમાસુ સારું રહે, સમગ્ર વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં પાણીની પૂર્તતા થાય.પૂજા પ્રક્રિયા સંપન્ન થયા બાદ મેયર સહિત તમામ મહાનુભાવો આજવા સરોવરના ઐતિહાસિક 62 દરવાજે પહોંચ્યા હતા. જ્યાં ઉપસ્થિત અધિકારી સાથે મેયર સાથે ચર્ચા કરી વિસ્તૃત માહિતી મેળવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ઐતિહાસિક ૬૨ દરવાજા પાસે ઉભા રહીને ફોટોસેશન પણ કરાવ્યું હતું.

પીએમ નહીં મળવાનો રંજ રહી જતા મહિલા કાઉન્સિલરોએ મેયરને રજૂઆત કરી
વડાપ્રધાનની શહેરની મુલાકાતને બે દિવસ વીતી ગયા બાદ બીજેપીના કાઉન્સિલરોનો તેમના પ્યારા પીએમને ન મળી શકવાનો રંજ રહ્યો હતો. પીએમને ન મળી શકવાનો અફસોસ ભારોભાર જણાયો હતો. કથા પૂર્ણ થયા બાદ ભોજન દરમિયાન શહેરના કાઉન્સિલરોમાંથી વિશેષ કરીને મહિલા કાઉન્સિલરો મેયરને રજૂઆત કરી ગેર વ્યવસ્થા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પુરી બસો ફાળવવામાં આવી ન હોવાનું તેમને સોંપવામાં આવેલ કામગીરીમાં સંગઠન તરફથી પૂરેપૂરો સહકાર ન મળ્યો હોવાનું જણાવીને અસંતોષ વ્યક્ત કર્યો હતો.

આજવા સરોવર ખાતે સત્યનારાયણની કથા સંપન્ન થયા બાદ તમામ સભાસદો અને પદાધિકારીઓએ મેયર સમક્ષ ફરિયાદ કરી હતી કે 18 તારીખે યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં કોર્પોરેટરનું માન જળવાયું નથી. સામાન્ય કાર્યકર્તા પાસે વીવીઆપી પાસ હતા જ્યારે કોર્પોરેટરોને પાછળ ધકેલી દેવાયા હતા તેમ કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેટલાકને ભાજપના હોદ્દેદાર ના હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો મોકો મળ્યો હતો. ભાજપના મહિલા કોર્પોરેટરોને વીવીઆઇપી પાસ ન આપ્યા કે પીએમ મોદીને મળવાનો મોકો પણ મળ્યો ન હતો. ભાજપના કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટ પીએમ સાથેની મુકતા વિવાદ સર્જાયો હતો.

Most Popular

To Top