National

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેંટ મળી, સરકારે કરી આ મોટી જાહેરાત

દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી છે. આ ભેટ મોંઘવારી ભથ્થાના (DA) સ્વરૂપે મળી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. આ સિવાય પેન્શનરોની મોંઘવારી રાહત (DR) માં પણ 3 ટકાનો વધારો થયો છે. DA અને DR નો આ વધારો 1 જુલાઈથી ડિસેમ્બર 2021 સુધી લાગુ થશે.

હવે મોંઘવારી ભથ્થું કેટલું?

વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 31 ટકા થઈ ગયું છે. પેન્શનરોની મોંઘવારી રાહત પણ વધારા બાદ 31 ટકા થઈ છે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દર ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારાના આધારે નક્કી થાય છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને પેન્શનરોને મોંઘવારી રાહત 1 જુલાઈ, 2021 થી 3% થી વધારીને 31% કરવામાં આવી છે. તેનાથી કેન્દ્ર સરકારના 47 લાખ 14 હજાર કર્મચારીઓ અને 68 લાખ 62 હજાર પેન્શનરોને લાભ થશે. 

ભથ્થામાં કેટલો વધારો થયો તે સમજો 

ધારો કે કર્મચારીનો મૂળ પગાર 18 હજાર રૂપિયા છે. આ પગાર ધરાવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થા તરીકે 5040 રૂપિયા મળી રહ્યા છે. આ રકમ મૂળ પગારના 28% છે. જો આ ભથ્થામાં 3 ટકાનો વધારો થાય તો પ્રાપ્ત થતી રકમ 5580 રૂપિયા હશે. મતલબ કે કર્મચારીઓના પગારમાં 540 રૂપિયા (5580-5040 રૂપિયા) નો વધારો થશે. તમે તમારા મૂળ પગારના આધારે તેની ગણતરી કરી શકો છો. મૂળભૂત પગાર વધારે, મોંઘવારી ભથ્થું પણ તે મુજબ વધશે.

કોરોનાના લીધે લાંબા સમયથી વધારો થયો નહોતો

ખરેખર, સાતમા પગાર પંચની ભલામણો અનુસાર, કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અર્ધવાર્ષિક ધોરણે બે વખત વધારો કરવામાં આવે છે. કોરોનાને કારણે સતત ત્રણ વખતથી મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો ન હતો. આ પછી, જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને કર્મચારીઓને 17 ને બદલે 28 ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું હતું. હવે ત્રણ ટકાના વધારા બાદ મોંઘવારી ભથ્થું 31 ટકા થયું છે. એ જ રીતે, મોંઘવારી રાહત પણ વધીને 31 ટકા થઈ છે.

Most Popular

To Top