India

બાળકો સામે મારપીટ, અપમાન સહન કર્યું, છતાં હાર ન માની: સવિતા પ્રધાન પ્રથમ પ્રયાસમાં બની IAS અધિકારી

ઘરેલું હિંસા, ગરીબી અને અપમાન જેવી કઠિન પરિસ્થિતિઓનો સામનો કરીને મધ્ય પ્રદેશની સવિતા પ્રધાને પોતાના સંકલ્પ અને મહેનતના બળે પ્રથમ જ પ્રયાસમાં UPSC પાસ કરીને IAS અધિકારી બની દેશભરમાં પ્રેરણાનું ઉદાહરણ ઉભું કર્યું છે.
સવિતા પ્રધાનનો જન્મ એક ગરીબ આદિવાસી પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને અભ્યાસ માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. ગામમાં પૂરતી સુવિધાઓ નહોતી, છતાં તેઓ રોજ લાંબા અંતર સુધી ચાલીને શાળાએ જતી હતી.

10મી પાસ કરનાર પોતાના ગામની પહેલી છોકરી તરીકે તેમણે ડોક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું. પરંતુ માત્ર 16 વર્ષની ઉંમરે તેમની લગ્ન કરી દેવામાં આવ્યા. લગ્ન પછી અભ્યાસ ચાલુ રાખવાનો વાયદો થયો હતો, પરંતુ તે વાયદો ખોટો સાબિત થયો અને થોડા સમય પછી તેમને ઘરેલું હિંસા અને અપમાનનો સામનો કરવો પડ્યો. સવિતાએ જણાવ્યું કે પતિ તેમના બાળકો સામે મારપીટ કરતો હતો અને એક વખત તો તેમની સાથે અમાનવીય વર્તન પણ થયું હતું.પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે એક સમયે તેઓ જીવન સમાપ્ત કરવાનો વિચાર સુધી પહોંચી ગઈ હતી.

પરંતુ તેમણે હિંમત ભેગી કરી અને સાસરીયા છોડવાનો નિર્ણય લીધો. પછી તેઓ પાર્લરમાં કામ કરીને અને ટ્યુશન લઈને પોતાનું જીવન ચલાવતાં-ચાલાવતાં અભ્યાસ ચાલુ રાખ્યો. આર્થિક સહાય કે કોઈ ખાસ સપોર્ટ વગર પણ સવિતાએ પોતાના સપનાને છોડ્યું નહીં. સતત મહેનત અને સંકલ્પના બળે તેમણે પહેલા MP PCS પરીક્ષા પાસ કરી અને પછી UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પ્રથમ જ પ્રયાસમાં પાસ કરીને IAS અધિકારી બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો.

આજે સવિતા પ્રધાન માત્ર એક સફળ અધિકારી જ નથી, પરંતુ સમાજની પીડિત અને વંચિત મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તેઓ ખાસ કરીને ગરીબ અને પછાત વર્ગની છોકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે કામ કરી રહી છે. તેમની સંઘર્ષભરી સફર બતાવે છે કે મજબૂત ઈચ્છાશક્તિ અને શિક્ષણના બળથી કોઈપણ મુશ્કેલી પર જીત મેળવી શકાય છે.

Most Popular

To Top