સેન્ટ્રલ કમાન્ડે જાહેર કર્યો વીડિયો,જહાજને રસ્તો બદલવા મજબૂર કરાયું, : મધ્ય પૂર્વમાં ચાલુ અમેરિકા–ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગ નજીક સ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે. આ વચ્ચે US Central Command (CENTCOM) દ્વારા એક મહત્વપૂર્ણ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અમેરિકન નેવી એક જહાજને હોર્મુઝ વિસ્તારમાંથી રસ્તો બદલવા માટે ચેતવણી આપતી દેખાઈ રહી છે.માહિતી મુજબ, અમેરિકા હાલમાં ઈરાનના બંદરો અને દરિયાકાંઠા તરફ જતાં અને ત્યાંથી નીકળતાં જહાજો પર નિયંત્રણ લાવવા માટે સખત નેવલ બ્લોકેડ અમલમાં મૂકી રહ્યું છે. આ કાર્યવાહીનો હેતુ ઈરાન પર દબાણ વધારવાનો છે, કારણ કે બંને દેશો વચ્ચેનો યુદ્ધસમાન તણાવ હાલ પણ સ્થિર સ્થિતિમાં અટકેલો છે.
CENTCOM દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં અમેરિકન નૌકાદળ એક વેપારી જહાજને માર્ગ બદલવા સૂચના આપતું જોવા મળે છે. અમેરિકા દ્વારા જણાવાયું છે કે બ્લોકેડના ભાગરૂપે અનેક જહાજોને પહેલેથી જ પાછા ફરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી સતત ચાલુ રહેશે.માહિતી મુજબ, આ બ્લોકેડ અમલમાં લાવવા માટે અમેરિકાએ લગભગ 10 હજારથી વધુ સૈનિકો અને અનેક યુદ્ધજહાજો તહેનાત કર્યા છે. આ પગલું ઈરાનના દરિયાઈ વેપાર અને તેલ નિકાસ પર સીધી અસર પહોંચાડવા માટે લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે,હોર્મુઝ જળમાર્ગ વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે વિશ્વના લગભગ 20 ટકા તેલ પરિવહન આ માર્ગથી થાય છે.
આ વિસ્તારમાં તણાવ વધતા વૈશ્વિક તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ અસર પડવાની શક્યતા વધી રહી છે.
આ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ છતાં સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર થઈ નથી. બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી હોવા છતાં દરિયાઈ માર્ગો પર સૈન્યની હાજરી અને બ્લોકેડ જેવી કાર્યવાહી દર્શાવે છે કે હાલનો તણાવ હજુ પણ ગંભીર સ્તરે યથાવત છે.વિશ્લેષકોનું માનવું છે કે જો હોર્મુઝ જળમાર્ગ લાંબા સમય સુધી અસરગ્રસ્ત રહેશે તો તેનો સીધો પ્રભાવ વૈશ્વિક તેલ સપ્લાય અને કિંમતો પર પડી શકે છે, જેના પરિણામે વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થાઓ પર અસર જોવા મળી શકે છે.