Business

વૈશ્વિક શેરબજારમાં ભારે ભૂકંપ : અમેરિકા થી જાપાન સુધી બજારો ધરાશાયી

ક્રૂડ ઓઈલ $111 પાર જતા રોકાણકારોમાં ભયનો માહોલ,મધ્ય પૂર્વના યુદ્ધ સંકટની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર, એશિયા-અમેરિકા સહિત વિશ્વભરના શેરબજારોમાં ભારે વેચવાલી

મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધસમાન તણાવ અને હોર્મુઝ જળમાર્ગ પર ઊભા થયેલા સંકટની અસર હવે સીધી વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે. કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો આવતા વિશ્વભરના શેરબજારોમાં ભારે ગભરાટ ફેલાયો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ $111 પ્રતિ બેરલને પાર પહોંચતા અમેરિકા, જાપાન, યુરોપ અને એશિયાના બજારોમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી છે. રોકાણકારોમાં ભયનું વાતાવરણ સર્જાતા વૈશ્વિક માર્કેટમાં હજારો કરોડ ડોલરની સંપત્તિ સાફ થઈ ગઈ છે.

મધ્ય પૂર્વમાં ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને કારણે સૌથી મોટો ખતરો હોર્મુઝ જળમાર્ગ પર ઊભો થયો છે. વિશ્વના લગભગ 20 ટકા તેલ પુરવઠો આ જળમાર્ગમાંથી પસાર થાય છે. ઈરાન દ્વારા જળમાર્ગ પર નિયંત્રણો કડક બનાવવાના સંકેતો બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં આગ લાગી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ $111 પ્રતિ બેરલને પાર પહોંચતાં રોકાણકારોમાં ભય વધુ વધી ગયો છે.

અમેરિકાના વોલ સ્ટ્રીટ બજારોમાં ભારે દબાણ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ, નાસ્ડેક અને S&P 500 જેવા મુખ્ય ઇન્ડેક્સમાં મોટી ગિરાવટ નોંધાઈ હતી. ટેકનોલોજી, બેંકિંગ અને એવિએશન સેક્ટરના શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું હતું. રોકાણકારોએ જોખમી એસેટ્સમાંથી પૈસા કાઢીને સેફ હેવન ગણાતા ગોલ્ડ ડોલર તરફ વળવાનું શરૂ કર્યું છે. એશિયન બજારોમાં પણ ભારે અસર જોવા મળી હતી. જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ તૂટી પડ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને ચીનના બજારોમાં પણ ભારે વેચવાલી થઈ હતી. યુરોપિયન માર્કેટ્સમાં પણ શરૂઆતથી જ નબળાઈ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે રોકાણકારો હવે આગામી દિવસોમાં યુદ્ધ વધુ ગંભીર બનશે તેવી ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.

ભારતીય શેરબજાર પણ આ વૈશ્વિક દબાણથી બચી શક્યું નહોતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. બેંકિંગ, ઓટો, મેટલ અને એવિએશન સેક્ટરના શેરોમાં મોટી ગિરાવટ નોંધાઈ હતી. ખાસ કરીને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને એરલાઈન કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી થઈ હતી કારણ કે કાચા તેલના વધતા ભાવથી તેમની ખર્ચમાં મોટો વધારો થવાની શક્યતા છે.નિષ્ણાતોનું માનવું છે કે જો મધ્ય પૂર્વમાં હાલની પરિસ્થિતિ વધુ ખરાબ બનશે તો ક્રૂડ ઓઈલના ભાવ હજુ વધુ વધી શકે છે. આવી સ્થિતિમાં વૈશ્વિક મોંઘવારી ફરી વધવાની ભીતિ છે. ખાસ કરીને ભારત જેવા તેલ આયાત પર નિર્ભર દેશો માટે આ પરિસ્થિતિ મોટો આર્થિક પડકાર બની શકે છે.

કાચા તેલના ભાવમાં વધારો થવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો પરિવહન ખર્ચ, ઉત્પાદન ખર્ચ અને દૈનિક વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે. અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે આ સંકટ વૈશ્વિક મંદીનું કારણ પણ બની શકે છે. આ વચ્ચે રોકાણકારો હવે અમેરિકા, ઈરાન , ઇઝરાયેલ વચ્ચે થનારી આગામી રાજદ્વારી વાતચીત પર નજર રાખી રહ્યા છે. યુદ્ધવિરામ અથવા શાંતિ સમજૂતી તરફ કોઈ સકારાત્મક સંકેત મળશે તો બજારોમાં સ્થિરતા આવી શકે છે. પરંતુ હાલ માટે વિશ્વભરના બજારોમાં અનિશ્ચિતતા અને ભયનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે.

મધ્ય પૂર્વના સંકટે હવે માત્ર રાજકીય નહીં પરંતુ વૈશ્વિક આર્થિક સંકટનું સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું છે. વિશ્વભરના રોકાણકારો, સરકારો અને ઉદ્યોગ જગતની નજર હવે આગામી કેટલાક દિવસોની પરિસ્થિતિ પર ટકી રહી છે.

Most Popular

To Top