Entertainment

‘દેવદાસ’ને ઓવરરેટેડ કહેતી પાકિસ્તાની અભિનેત્રી દનાનીર મોબીન ભારે ટ્રોલ થઈ

શાહરુખની ફિલ્મ પર ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર વિવાદ‘પાવરી હો રહી હૈ’ ગર્લ દનાનીર મોબીનના નિવેદનથી ભડક્યા ફેન્સ, ફિલ્મની સ્ટોરી અને એલ્કોહોલિઝમ પર ઉઠાવ્યા સવાલ

બોલિવૂડની સુપરહિટ અને કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘દેવદાસ’ને “ઓવરરેટેડ” ગણાવ્યા બાદ પાકિસ્તાની અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દનાનીર મોબીન ભારે વિવાદમાં આવી ગઈ છે. ‘પાવરી હો રહી હૈ’ વીડિયોથી દુનિયાભરમાં લોકપ્રિય બનેલી દનાનીર મોબીને સંજય લીલા ભણસાલીની આ ઐતિહાસિક ફિલ્મ અંગે કરેલી ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન દનાનીર મોબીનને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ ક્લાસિક ફિલ્મ છે જેને તે ઓવરરેટેડ માને છે. તેના જવાબમાં તેણે તરત જ ‘દેવદાસ’નું નામ લીધું હતું. દનાનીરે કહ્યું કે તેને આજ સુધી સમજાયું નથી કે લોકો આ ફિલ્મને એટલી મોટી ક્લાસિક કેમ માને છે. તેણે ફિલ્મની સ્ટોરી અને પાત્રોને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. દનાનીરે કહ્યું હતું કે ફિલ્મમાં એક દારૂપી વ્યક્તિ છે, એક એવી મહિલા છે જેને આત્મસન્માન નથી અને બીજી એક મહિલા છે જેને બળજબરીથી જીવનમાં લાવવામાં આવે છે. તેણે સવાલ કર્યો કે આખરે આ ફિલ્મને ક્લાસિક કેમ કહેવાય છે અને લોકો તેના પાછળ એટલા દીવાના કેમ છે. તેણે વધુમાં કહ્યું કે તેને ફિલ્મના ભવ્ય સેટ્સ, જ્વેલરી, ડ્રેસ અને વિઝ્યુઅલ્સ ગમે છે, પરંતુ સ્ટોરીમાં કંઈ ખાસ લાગતું નથી. સાથે જ તેણે ફિલ્મમાં એલ્કોહોલિઝમને ગ્લેમરાઈઝ કરવામાં આવ્યું હોવાનું પણ કહ્યું હતું.

દનાનીરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતના ચાહકોએ અભિનેત્રીની ટીકા શરૂ કરી દીધી હતી. ઘણા યુઝર્સે લખ્યું કે દનાનીરે ફિલ્મની ઊંડાણપૂર્વક સમજ્યા વગર ટિપ્પણી કરી છે. કેટલાક લોકોએ કહ્યું કે ‘દેવદાસ’ માત્ર દારૂપી વ્યક્તિની કહાની નથી, પરંતુ અધૂરા પ્રેમ, સામાજિક બાંધછોડ અને માનસિક પીડાની ગાથા છે.ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે દનાનીરને યાદ અપાવ્યું કે ‘દેવદાસ’ મૂળ શરતચંદ્ર ચટોપાધ્યાયની પ્રખ્યાત નવલકથા પર આધારિત ફિલ્મ છે. કેટલાક લોકોએ લખ્યું કે આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી યાદગાર ફિલ્મોમાંથી એક છે અને તેની ભાવનાત્મક ઊંડાઈને અવગણવી યોગ્ય નથી.

વિવાદ વધતા X (પૂર્વે ટ્વિટર), Instagram અને YouTube પર દનાનીર મોબીન ટ્રેન્ડ થવા લાગી હતી. અનેક મીમ્સ અને ટ્રોલ પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે. કેટલાક લોકોએ મજાકમાં લખ્યું કે “પાવરી તો હવે ટ્રોલિંગની થઈ રહી છે.” જોકે કેટલાક યુઝર્સે દનાનીરના સમર્થનમાં પણ અવાજ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે દરેક વ્યક્તિને પોતાની પસંદગી અને અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે.

‘દેવદાસ’ ફિલ્મની વાત કરીએ તો વર્ષ 2002માં રિલીઝ થયેલી આ ફિલ્મ સંજય લીલા ભણસાલીના કરિયરની સૌથી ભવ્ય ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. ફિલ્મમાં શાહરુખ ખાને દેવદાસ, ઐશ્વર્યા રાયે પારો અને માધુરી દીક્ષિતે ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મનું સંગીત, સેટ ડિઝાઇન અને ભાવનાત્મક કથા આજે પણ લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે.
“ડોલા રે ડોલા”, “માર ડાલા” અને “સિલસિલા યે ચાહત કા” જેવા ગીતો આજે પણ લોકપ્રિય છે. ફિલ્મને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ પણ મળ્યા હતા.

ખાસ કરીને શાહરુખ ખાનનો અભિનય તેમની કારકિર્દીના શ્રેષ્ઠ પાત્રોમાં ગણાય છે. હાલ દનાનીર મોબીન તરફથી ટ્રોલિંગને લઈને કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર મુદ્દો હજુ પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે.

Most Popular

To Top