નીતિ આયોગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ‘ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ 2026’ માં ગુજરાતે દેશભરમાં ડંકો વગાડ્યો છે. વિવિધ રાજ્યોના રોકાણ અને વ્યાપારી વાતાવરણનું મૂલ્યાંકન કરીને તૈયાર કરાયેલી આ યાદીમાં ગુજરાતે 56.6 નો શાનદાર સ્કોર મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ રેન્કિંગમાં મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા અગ્રણી ઔદ્યોગિક રાજ્યોને પાછળ છોડીને ગુજરાતે દેશના સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ રોકાણ ગંતવ્ય તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે.
નીતિઓનો સકારાત્મક પ્રભાવ અને અનુકૂળ વ્યાપારી માહોલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે અપનાવેલી ઉદ્યોગ-સાહસિક નીતિઓ અને વહીવટી સુધારાઓ વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છે.
- સિંગલ-વિન્ડો સિસ્ટમ: ગુજરાતની સિંગલ-વિન્ડો ક્લિયરન્સ એજન્સી (iNDEXTb) રોકાણકારોને તમામ વહીવટી મંજૂરીઓ એક જ જગ્યાએથી પૂરી પાડે છે, જેથી ઉદ્યોગ શરૂ કરવાની પ્રક્રિયા અત્યંત સરળ બની ગઈ છે.
- શ્રમ સંવાદિતા: નીતિગત સ્થિરતા અને ઝડપી NOC ની સુવિધાની સાથે સરકારે આવશ્યક સેવાઓ પર શ્રમિકોની હડતાલ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલાથી શ્રમ વિવાદો નહિવત રહ્યા છે અને ઉદ્યોગોને એક સુરક્ષિત વાતાવરણ મળ્યું છે.
- આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ધોલેરા એસઆઈઆર અને ગિફ્ટ સિટી જેવા અદ્યતન ઔદ્યોગિક હબમાં ‘પ્લગ-એન્ડ-પ્લે’ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સિવાય વૈશ્વિક સ્તરે જાણીતી ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’ રોકાણકારોને આકર્ષવામાં સતત મોટો ફાળો આપી રહી છે.
લોજિસ્ટિક્સ, પાવર સેક્ટર અને મજબૂત આર્થિક શિસ્ત
ગુજરાતની ભૌગોલિક કનેક્ટિવિટી અને આર્થિક શિસ્ત પણ દેશના અન્ય રાજ્યો માટે એક રોલ મોડેલ સમાન છે:
- કનેક્ટિવિટી: દેશના કુલ સ્ટેટ હાઈવે નેટવર્કનો 10% હિસ્સો ગુજરાત ધરાવે છે. ઉપરાંત રાષ્ટ્રીય એક્સપ્રેસ-વેની લંબાઈની બાબતમાં પણ ગુજરાત તમામ રાજ્યોમાં મોખરે છે, જે સપ્લાય ચેઈનને વધુ ઝડપી બનાવે છે.
- સસ્તી અને અવિરત વીજળી: રાજ્યનું પાવર સેક્ટર ઉદ્યોગો માટે મોટું આકર્ષણ છે. અહીં ઔદ્યોગિક ગ્રાહકો માટે વીજળીનો ખર્ચ રાષ્ટ્રીય સરેરાશ કરતાં આશરે 29% ઓછો છે અને દૈનિક 23.8 કલાક અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે છે.
- આર્થિક મજબૂતી: ગુજરાતની માથાદીઠ GSDP રૂ.2,64,232 છે, જે દેશના અન્ય મોટા રાજ્યોની સરેરાશ કરતાં 67% વધુ છે. આ સાથે રાજ્યની નાણાકીય ખાધ GSDPના માત્ર 2.81% છે, જે તમામ રાજ્યોમાં સૌથી ઓછી છે.
રાજ્યની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે નાણાકીય વર્ષ 2025 સુધીમાં 614 અટલ ટિંકરિંગ લેબ્સ સ્થાપવાનું લક્ષ્ય સિદ્ધ કરાયું છે, જે નવી પેઢીને ભવિષ્યની ટેક્નોલોજી માટે સજ્જ કરી રહ્યું છે