Gujarat

દરેક વ્યક્તિ પોતાની ઉન્નતિની સાથે અન્યની ઉન્નતિ માટે કાર્ય કરે તે જ સાચી માનવતા- આચાર્ય દેવવ્રત

રાજ્યમાં વર્ષમાં ૧.૭૦ લાખ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

ગાંધીનગર, તા. 16

મનુષ્ય જ્યારે આ દુનિયામાં આવે છે ત્યારે ખાલી હાથે આવે છે અને જાય છે ત્યારે પણ ભૌતિક સંપત્તિ અહીં જ રહી જાય છે. દરેક વ્યક્તિ પોતાની ઉન્નતિની સાથે અન્યની ઉન્નતિ માટે કાર્ય કરે તે જ સાચી માનવતા છે. જે વ્યક્તિ બીજાના આંસુ લૂછી શકે તે જ ખરો માનવી છે. જ્યારે કોઈ સંસ્થા નિઃસ્વાર્થ ભાવે અને ટીમ વર્ક સાથે કાર્ય કરે છે, ત્યારે જ જનમાનસના હૃદયમાં સ્થાન બનાવી શકે છે. તેવું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત શાખાની વાર્ષિક સામાન્ય સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જણાવ્યું હતું.

આચાર્ય દેવવ્રતએ વધુમાં કહ્યું હતુ કે બ્લડ બેંકના ક્ષેત્રમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે તે ગૌરવની બાબત છે. ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા ચાલતા ફિઝિયોથેરાપી સેન્ટર્સ, ડેન્ટલ ક્લિનિક અને જેનરિક મેડિકલ સ્ટોર્સ સામાન્ય માનવી માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તાલુકા સ્તર સુધીના નેટવર્કની તેમણે સરાહના કરી હતી.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત શાખાના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે, ઇન્ડિયન રેડ ક્રોસની આ યાત્રા સહયોગ અને સેવાના મંત્ર સાથે અવિરત ચાલુ રહેશે. સંસ્થાના વહીવટી એજન્ડાની સાથે માનવતાવાદી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રેડ ક્રોસ આજે ૩૩ જિલ્લા અને ૯૨ તાલુકા સ્તરે કાર્યરત છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૧.૭૦ લાખ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે અને ૧૩ ડાયાલિસિસ સેન્ટર્સ દ્વારા જરૂરિયાતમંદોને સેવા અપાઈ રહી છે.

Most Popular

To Top